ખેરાલુમાં માનવતાના મસિહા હરદેવગિરી ગૌસ્વામીનું નિધન
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ પંથકમાં ૩૦-૪૦ વર્ષ પહેલા ભાજપને કોઈ ઓળખતુ નહોતુ ત્યારે ખેરાલુ પંથકમાં લોકોને જાગૃત કરી વિશ્વ હિંદુ પરિષદના સલાહકાર ખેરાલુના હિંદુ-મુસ્લીમ સમાજના દિન-દુખિયાની નિઃસ્વાર્થ સેવા કરનાર માનવતાના મસિહા હરદેવગિરી રામગિરી ગૌસ્વામીનું અગીયારસના પવિત્ર દિવસે વહેલી સવારે અવસાન થતા ખેરાલુ શહેર સહિત તાલુકામાં રહેતા તેમના ભક્તજનોમાં શોક ફેલાયો હતો. ખેરાલુ શહેરમાં સવળેશ્વર તળાવ પાસે આવેલી મઢી કે જે હરદેવગિરીનું નિવાસ સ્થાન છે ત્યાંથી અંતિમયાત્રા નિકળતા ખેરાલુ શહેર અને તાલુકાની તમામ કોમોના ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાતા ઠેરઠેર સ્વયંમ સેવકોએ ટ્રાફિક જામ ન થાય તે માટે વ્યવસ્થા કરી હતી. તેમની અંતિમયાત્રા પરત આવી ત્યારે સવળેશ્વર તળાવ પાસે વિર શહિદ સુરેશભાઈ બારોટના સ્મારક પાસે લઈ જવાઈ હતી. વિરશહિદ સુરેશભાઈ બારોટ અને હરદેવગિરી મહારાજ પરમમિત્રો હતા. ખેરાલુ બજારના આંબલીચૌટા બજાર ખાતે જ્યારે હરદેવગિરીના અવસાનની નોંધ લખાઈ ત્યારે ટપોટપ વેપારીઓએ બજાર બંધ કરી દીધુ હતુ. વેપારીઓ મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. અંતિમયાત્રા ટાણે હજારો લોકો સાથે જિલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂત, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી જયંતિભાઈ પ્રજાપતિ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ર્ડા.હર્ષદભાઈ વૈદ્ય, નાથુભાઈ સોની, પાલિકા દંડક મોઘજીભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ રસીકભાઈ કડીયા, સુનિલ ડી.બારોટ, ભાનુભાઈ બારોટ, ઘનશ્યામભાઈ બારોટ સહિત ગામેગામના તમામ સમાજના લોકો અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વિરશહિદ સુરેશભાઈ બારોટના ભાઈ ભાનુભાઈ બારોટે જણાવ્યુ હતું કે, ખેરાલુ શહેરના ત્રણ ધર્મગુરુઓ ખુબજ ટુંકા ગાળામાં આપણી વચ્ચે રહ્યા નથી. જેમાં મોરારીબાપુ, ભક્તરાજ મહારાજ અને હવે હરદેવગિરી ગૌસ્વામીએ વિદાય લીધી છે. વિરશહિદ સુરેશભાઈ બારોટની પુણ્યતિથી પણ અગીયારસ છે અને તેમના પરમ મિત્ર હરદેવગિરી ગૌસ્વામી પણ અગીયારસના દિવસે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. મોઘજીભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપને જીવંત કરવામાં હરદેવગિરી ગૌસ્વામીનું અનેરુ યોગદાન ભાજપના કાર્યકરો અને આગેવાનો આજીવન યાદ રાખશે. હરદેવગિરીનું જીવન ચરિત્ર જોઈએ તો, તેમનો જન્મ ૧-૬-૧૯૫૪ માં થયો હતો. તેમનું મૃત્યુ ૧૪-૧૧-૨૦૧૭ ના રોજ થયુ. બાળપણથીજ તેજસ્વી અને ચકોર હતા. ધાર્મિક સંસ્કાર વારસામાં તેમના પિતા રામાગિરી ગણેશપુરી ગૌસ્વામી પાસેથી મળ્યા હતા. તેમણે ગુજરાતી કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ. માધ્યમિક શિક્ષણ મ્યુ.હાઈસ્કુલમાંથી મેળવ્યુ. ઓલ્ડ એસ.એસ.સી. ૧૯૭૨ માં પાસ કરી. કોલેજનું શિક્ષણ એમ.એન.કોલેજમાંથી મેળવ્યુ. ૧૯૭૬ માં એલ.એલ.બી.પુર્ણ કરી વકીલ બન્યા. શિક્ષણની સાથે સાથે સમર્થ ગુરુ શ્રી સોમભારથીને ગુરુ બનાવી ગુરુ જ્ઞાન, વિદ્યા, મંત્ર શક્તિની કઠોર તપશ્ચર્યા કરી હનુમાનજી અને ભૈરવજીના ઉપાસના કરી. તેમણે કઠોર સાધના કરી શિવ ઉપાસનાથી મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરી. ગુરુ મહારાજની કૃપાથી હિન્દુ-મુસ્લીમ સમાજના દિન દુઃખિયાની સેવા કરી. તેમના સંતાનોમાં રેખાબેન, પરેશગિરી અને શૈલેષગિરી તેમજ તેમના મોટાભાઈ ડાહ્યાગીરી ગૌસ્વામીને વિલાપ કરતા મુકી ગયા. યુવાનીમાં ધંધા રોજગાર અર્થે ૧૯૮૨ માં જનપથ હોટલ સિધ્ધપુર ચોકડી પાસે ભાગીદારીમાં શરુ કરી, તે પછી શિતકેન્દ્ર સામે સસ્તાદરની હોટલ શરુ કરી સમય જતા હિરા ઉદ્યોગમાં ભાગીદારીમાં જંપલાવ્યુ. તેમના હિરાના કારખાનામાં હિન્દુ-મુસ્લીમ સમાજના અસંખ્ય લોકોને રોજીરોટી પુરી પાડતા હતા. પ્રમાણિકતાને લીધે હીરા ઉદ્યોગમાં નામના વધી. તેઓ વિશ્વ હિંદુ પરિષદના મહત્વના સલાહકાર બની તન-મન-ધનથી સેવા કરી. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમના ડીરેક્ટર બન્યા. પાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભામાં કાયમ સક્રિય ભુમિકા ભજવતા હતા. તેઓ હિંદુ-મુસ્લીમ સમાજની બદીઓ દુર કરવા સતત પ્રયત્નશીલ હતા. પરમ વંદનીય હરદેવગિરી મહારાજના અવસાનથી તેમના પરિવાર ઉપર અચાનક આવેલી શોકની કાલિમા સહન કરવાની શક્તિ આપે અને દિવંગત આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની અભ્યર્થના.