ચૌધરી સમાજ ભાજપનો કમીટેડ મતબેંક હોવાથી
કોંગ્રેસ હરેશભાઈ ચૌધરીનુ ફોર્મ પાછુ ખેંચાવવા ઈચ્છતુ નહોતુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કોંગ્રેસના જાહેર સભામાં હાજર રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણાથી વિસનગર આવતા બાસણા અર્બુદા માતાના દર્શન કરવાનુ ટાળતા ચૌધરી સમાજમાં ભારે નારાજગી છે. ત્યારે આ સમાજ કોંગ્રેસથી વધુ નારાજ થાય તેવો એક બનાવ બન્યો છે. વિસનગર સીટમાંથી કોંગ્રેસ અગ્રણી હરેશભાઈ ચૌધરીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યુ હતુ. ત્યારે અપક્ષમાંથી ફોર્મ ભરનાર માજી મંત્રી કિરીટભાઈ પટેલને મનાવવા આખી કોંગ્રેસ લાગી ગઈ હતી. જ્યારે હરેશભાઈ ચૌધરી ફોર્મ પાછુ ખેચે તે માટે એકપણ કોંગ્રેસના આગેવાને ફોન કર્યો નહોતો. જે હરેશભાઈ ચૌધરીએ પણ સ્વિકાર્યુ હતુ. રાજકીય ઈમેજ ખરાબ ન થાય તે મ ાટે હરેશભાઈ ચૌધરીના મિત્રોના પ્રયત્નોથી ફોર્મ પાછુ ખેચ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા આ રીતે ચૌધરી સમાજના અગ્રણીની અવગણનાથી ચૌધરી સમાજમાં વધારે નારાજગી જોવા મળી રહી છે. ચૌધરી સમાજ ભાજપની મત બેંક હોવાનુ માની આ વખતે કોંગ્રેસ દ્વારા આ સમાજની સતત અવગણના કરવામાં આવી રહી હોય તેવા કેટલાક બનાવો ઉપરથી કહી શકાય. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણાથી વિસનગર સભા સંબોધવા આવ્યા ત્યારે બાસણા અર્બુદા ધામમાં તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવા છતાં કેન્સલ કરાયો. રાહુલ ગાંધીએ અર્બુદા માતાના દર્શન કરવાનું પણ ટાળ્યુ હતુ. જેના કારણે સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ હતી. ત્યારબાદ સમાજ કોંગ્રેસથી વધુ નારાજ થાય તેવો એક બીજો બનાવ બન્યો છે. વિસનગર વિધાનસભા સીટમાં પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ હરેશભાઈ ચૌધરીએ કોંગ્રેસમાંથી ટીકીટની દાવેદારી કરી હતી. કોંગ્રેસને વર્ષોથી વફાદાર રહેનાર હરેશભાઈ ચૌધરીની ટીકીટમાં અવગણના થતાં તેમણે પાર્ટીથી નારાજ થઈ અપક્ષમાંથી ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. માજી મંત્રી કિરીટભાઈ પટેલે પણ ટીકીટ ફાળવણીથી નારાજ થઈ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. કિરીટભાઈ પટેલે અપક્ષમાંથી ઉમેદવારી કરતા કોંગ્રેસ દોડતી થઈ હતી. કોંગ્રેસના સ્થાનીકથી માડી પ્રદેશ સુધીના નેતાઓ પ્રયત્નમાં હતા કે કિરીટભાઈ પટેલ ફોર્મ પાછુ ખેંચે. કિરીટભાઈ પટેલને મનાવવા તમામ નેતાઓના ફોન ગયા હતા. જ્યારે બીજી બાજુ હરેશભાઈ ચૌધરી ફોર્મ પાછુ ખેંચે તે માટે કોંગ્રેસમાંથી કોઈ ઈચ્છતુ નહોતુ. ચૌધરી સમાજના મોટાભાગના મતદારો ભાજપની મતબેંક હોવાથી જાણવા મળ્યા પ્રમાણે કોંગ્રેસના સ્થાનિકથી માંડી પ્રદેશ કક્ષાના આગેવાનોનો સુર હતો કે હરેશભાઈ ચૌધરી ભલે ઉભા રહ્યા તેમને મનાવવાની જરૂર નથી. હરેશભાઈ ચૌધરી ઉભા રહેશે તો ચૌધરી સમાજના તથા અન્ય સમાજના ૮ થી ૧૦ હજાર મત મળવાના છે. જે ભાજપનાજ મત બગડવાના છે. આ ગણતરીએ કોંગ્રેસમાંથી કોઈપણ આગેવાને હરેશભાઈ ચૌધરીને ફોર્મ પાછુ ખેચવા ફોન કર્યો નહોતો. જે બાબતે હરેશભાઈ ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, ફોર્મ પાછુ ખેંચાય તે માટે કોંગ્રેસમાંથી કોઈ પ્રયત્ન કરાયો નથી. આમ કોંગ્રેસ દ્વારા અદના નેતાની એટલા માટે અવગણના કરવામાં આવી કે તે ચૌધરી સમાજના નેતા છે. ચૌધરી સમાજનુ આ વારંવાર અપમાન કોંગ્રેસને ભારે પડી શકે તેમ છે. કારણકે આ સમાજ વિસનગર સીટમાં હંમેશા નિર્ણાયક ભુમિકામાં રહ્યો છે. સમાજના ૨૨૦૦૦ મત જ્યાં પડે છે, ત્યાં પરિણામ મળે છે. હરેશભાઈ ચૌધરીની ઉમેદવારીથી કોંગ્રેસને પણ થોડુ ઘણુ નુકશાન થાય તેમ હોવાથી તેમજ અપક્ષ ઉમેદવારીથી હરેશભાઈ ચૌધરીની પણ રાજકીય ઈમેજ ખરડાય તેમ હોવાથી તેમના પરમ મિત્ર કોંગ્રેસના આગેવાન જીવણભાઈ દેસાઈ, ગણપતભાઈ પરમાર તેમજ દર્શનભાઈ જોલી, ગોવિંદભાઈ ગાંધી તથા અન્ય લોકોના પ્રયત્નોથી છેવટે હરેશભાઈ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચ્યુ હતુ.