વિસનગર પાટીદારોના કુળદેવીનુ એકમાત્ર મંદિર
ઉમિયા માતાના મંદિર આગળ કોઈ સ્વચ્છતા સુરક્ષા નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ઉમિયા માતાનુ એકમાત્ર મંદિર પટણી દરવાજા પાસે આવેલુ છે. જ્યા અત્યારે આખો દિવસ ગાયોનો અડીંગો રહેતા લોકો દર્શનાર્થે આવતા ગભરાય છે. વિસનગર પાલિકાના પાટીદાર સભ્યો કોઈપણ શુભ શરૂઆત જય ઉમિયા માતાના નામથી કરે છે. પરંતુ ઉમિયા માતાના મંદિર આગળ સ્વચ્છતા જાળવી શકતા નથી. અત્યારે સોશીયલ મીડીયામાં મંદિર આગળ પાલિકા દ્વારા સ્વચ્છતા, સુરક્ષા તથા સુવ્યવસ્થા જળવાતી નહી હોવાનો મેસેજ વાયરલ થતા આ મેસેજથી લઈ ભારે ચકચાર જાગી છે.
વિસનગરના એક જાગૃત યુવાન દ્વારા સોશીયલ મીડીયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છેકે, રખડતી ગાયો પકડવાની શરૂઆત કરવા બદલ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો આભાર. પાલિકા પ્રમુખ, ધારાસભ્ય, ઉમિયા માતાના મંદિરના ટ્રસ્ટી મંડળને જણાવાયુ છેકે, પટણી દરવાજા પાસે પાટીદારના કુળદેવી ઉમિયા માતાનુ એકમાત્ર મંદિર આવેલુ છે. આ વિસ્તારના કોર્પોરેટરોની નિષ્ક્રીયતાના કારણે મંદીર આગળ ગાયોનો એટલો ત્રાસ છેકે, દર્શનાર્થી દર્શન કરવા આવતા ગભરાટ અનુભવે છે. ગાય ક્યારે શિંગડે ભરાવે, મંદિર આગળ છાણના થર જામતા પગ ક્યારે લપસી પડે તેનો કોઈ ભરોસો નથી. આવતા જતા વાહનની અડફેટથી પણ ગાયને ઈજા થાય તેમ છે. પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે આ ત્રાસ છે. પાલિકા સભ્યો સત્તા ઉપર રહી આ બાબતે કંઈ કરી શકતા ન હોય તો, તેઓ સત્તાને લાયક નથી. મંદિર એટલે જ્યા સ્વચ્છતા, સુરક્ષા અને સુવ્યવસ્થા હોઈ, રાત્રે ઉચ્ચ પ્રકારની લાઈટીંગ નથી. આ જવાબદારી તે વિસ્તારના પાલિકા સભ્યોની છે. માતાના મંદિર આગળ સુઆયોજીત વ્યવસ્થા ન કરી શકો તો સભ્યોને પદની કોઈ જરૂર નથી. સત્તાનો ઉપયોગ કરી ઉમિયા માતાના મંદિર વિસ્તારમાંથી રખડતી ગાયો દુર કરવા તેમજ સ્વચ્છતાની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે.
મહત્વની બાબતતો એ છેકે અત્યારે પાટીદાર અનામત આંદોલનમાં વારંવાર જય ઉમિયાના સુત્રોચ્ચાર કરી ઉમિયા માતાજીના નામથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે. પાલિકા સભ્યોના મતે ઉમિયા માતાજીના મંદિરનુ કોઈ મહત્ય હોય તેમ જણાતુ નથી. પાલિકાના ૩૬ સભ્યોમાંથી ૧૮ સભ્યો પાટીદાર સમાજના છે. જેમાં ૧૬ પાટીદાર સભ્યો સત્તાધારી પક્ષના અને ૨ ભાજપના છે. અગાઉ જય ઉમિયાના નામે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી આ આંદોલનના કારણે આ સભ્યો પાલિકાની સત્તામાં આવ્યા છે. ત્યારે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને વિસનગરમાં આવેલા એકમાત્ર ઉમિયા માતાજીના મંદિર આગળ ગાયોનો ત્રાસ, ગંદકી અને અવ્યવસ્થા દેખાતી નથી તે નવાઈની વાત છે.
↧
વિસનગર પાટીદારોના કુળદેવીનુ એકમાત્ર મંદિર ઉમિયા માતાના મંદિર આગળ કોઈ સ્વચ્છતા સુરક્ષા નથી
↧