ભાથીટીંબા કેનાલમાં લોખંડ ચોરી વિવાદનો અંત લાવવા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની વિનંતી
સહકાર મળશે તો મહેસાણા ચાર રસ્તા સુધી પાકી કેનાલ બનશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા સળીયા ચોરી કૌભાંડ કરતા કેનાલ બનાવવાનુ કામ અધુરૂ પડ્યુ છે. આ વિવાદનો અંત ન આવે ત્યા સુધી કામ આગળ વધે તેમ નથી. ત્યારે આ વિવાદનો અંત લાવવા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ વિનંતી કરી છે. પ્રમુખે જણાવ્યુ છેકે સહકાર મળશે તો મહેસાણા ચાર રસ્તા સુધી પાકી કેનાલ બનાવવાનુ આયોજન છે.
વિસનગર પાલિકાના ગત ભાજપના બોર્ડમાં ગોવિંદચકલા પટેલવાડી પાછળથી મહેસાણા ચાર રસ્તા સુધી વરસાદી પાણીના નિકાલની કાચી કેનાલ પાકી બનાવવા ગોવિંદભાઈ ગાંધીએ સહી ઝુંબેશ શરૂ કરી હતી. શહેર મધ્યેથી પસાર થતી આ કાચી કેનાલમાં ઉગેલા ઝાડી જાખરા અને ગટરના પાણીથી મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોવાથી તથા કેનાલ આસપાસની સોસાયટીઓમાં ઝેરી જીવજંતુઓનો ડર રહેતો હોવાથી કેનાલ વિસ્તારની સોસાયટીઓના રહિસો દ્વારા મોટી સંખ્યામાં સહીઓ કરવામાં આવી હતી. કાચી કેનાલ પાકી બનાવવાની લડત ચલાવનાર ગોવિંદભાઈ ગાંધી અત્યારે પાલિકા પ્રમુખ છે. ત્યારે ભાથીટીંબા ઠાકોરવાસમાં બનતી કેનાલમાં કોન્ટ્રાક્ટરના સળીયા ચોરી કૌભાંડના વિવાદથી કેનાલની કામગીરી આગળ ધપાવવા માટે પ્રમુખ લાચાર બન્યા છે. જોકે કોન્ટ્રાક્ટર વિરુધ્ધ પોલીસ ફરિયાદ થાય તો પાલિકાને કોઈ લાભ થવાનો નથી. વિવાદ વધવાનો છે અને કેનાલની આગળ વધતી કામગીરી અટકવાની છે.
ભાથીટીંબા ઠાકોરવાસનીકેનાલની કામગીરી અટકતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છેકે, વિકાસ કામગીરીમાં જ્યારે પણ વિવાદો અને કૌભાંડો થયા છે ત્યારે તે લાંબા સમય બાદ દબાઈ ગયા છે. જ્યારે ગીરીશભાઈ પટેલે જેવો સળીયા ચોરીનો આક્ષેપ કર્યો ત્યારે તત્કાલીન પ્રમુખ શકુન્તલાબેન પટેલે તાત્કાલીક કેનાલ તળીયામાં થયેલ સીસી કામનું ખોદકામ કરાવ્યુ હતુ. કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી કરાયેલ તમામ કામ ઉખાડી ફેંકવામાં આવ્યુ હતુ. ગઠબંધનના શાસનમાં થયેલ આ કામગીરીના કારણે કોન્ટ્રાક્ટરને સીધુજ રૂા.૩ થી ૪ લાખનું નુકશાન થયુ છે. કોન્ટ્રાક્ટરને આજ મોટો દંડ છે. આ વિવાદના કારણે છેલ્લા ત્રણ માસથી કેનાલનુ કામ બંધ છે. વિવાદનો અંત ન આવે ત્યા સુધી કેનાલનુ કામ આગળ વધે તેમ નથી. જેથી આ સમગ્ર વિસ્તારને મચ્છર મુક્ત અને ઝેરી જીવજંતુ મુક્ત કરવા પાકી કેનાલ બનાવવાની કામગીરીમાં સહકાર આપવા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ ગીરીશભાઈ પટેલને વિનંતી કરી છે. પ્રમુખે કેનાલનુ કામ આગળ વધારવા માટે લોકોનો પણ સહકાર માગ્યો છે. પ્રમુખે વધુમાં જણાવ્યુ છેકે, અંબીકા, આશિષનગરના નાળાથી પરીમલ જૈન દેરાસર સુધીના નાળા સુધી પાકી કેનાલ બનાવવા કાર્યવાહી શરૂ કરી છે. કેનાલ પાકી બનાવવાના કામમાં જો સહકાર મળશે તો મહેસાણા ચાર રસ્તા સુધી પાકી કેનાલ બનાવવાનુ આયોજન છે.
↧
ભાથીટીંબા કેનાલમાં લોખંડ ચોરી વિવાદનો અંત લાવવા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની વિનંતી સહકાર મળશે તો મહેસાણા ચાર રસ્તા સુધી પાકી કેનાલ બનશે
↧