વિસનગર પાલિકા RTI ના જવાબ આપવામાં નિષ્ફળ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા તંત્ર દ્વારા આર.ટી.આઈ.ના યોગ્ય જવાબો આપવામાં નહી આવતા આર.ટી.આઈ.એક્ટીવીસ્ટમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભાંડીયાપોળમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા પાલિકાની ગેરરીતીઓ બાબતે વિવિધ આર.ટી.આઈ. કરવામાં આવી છે. પરંતુ તેનો યોગ્ય જવાબ આપવાની જગ્યાએ પાલિકાતંત્ર આર.ટી.આઈ.કાયદાની ઠેકડી ઉડાવી રહ્યુ છે. આવા અધિકારીઓને સીધા કરવાની જગ્યાએ ઉપરી અધિકારીઓ પણ તમાશો જોઈ રહ્યા છે. વિસનગરમાં ભાંડીયાપોળમાં રહેતા એચ.સી.મહેતા એક નિવૃત્ત અધિકારી છે. નિવૃત્તિ બાદ આ વ્યક્તિ સમાજસેવાનુ કાર્ય કરી રહ્યા છે. આ નિવૃત્ત અધિકારી છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં વિવિધ પ્રશ્ને આર.ટી.આઈ. કરી જવાબો માગ્યા છે. પરંતુ પાલિકા દ્વારા એક પણ સીધો જવાબ આપવામાં આવ્યો નથી. આવા આર.ટી.આઈ.એક્ટીવીસ્ટોને પ્રોત્સાહન આપવુ જોઈએ ત્યારે તેમને પાલિકા તંત્ર દ્વારા ધમકી આપવામાં આવે અને આક્ષેપો કરાય છેકે તમે વર્ગ એકના કર્મચારી ન હોવા છતા વર્ગ એકના નિવૃત્ત કર્મચારીની ખોટી ઓળખાણ આપો છો, તમે કર્મચારીઓને પૈસા આપી ગેરરીતી કરો છો, તમારા મકાનની આકારણી કરવામાં આવશે, ગેરકાયદેસર હશે તો પાડી દેવામાં આવશે, તમારા ઉપર પોલીસ કેસ કરવામાં આવશે વિગેરે ધમકીઓ આપી આર.ટી.આઈ.એક્ટીવીસ્ટને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ એચ.સી.મહેતા દ્વારા દરબાર રોડ ઉપર બનાવેલ બોર કોના કારણે ફેલ થયો, બોરની સામગ્રી ક્યાં ગઈ, પાણી પૂરતા પ્રમાણમાં નહી હોવાથી પાણી કાપ મુકવામાં આવે છે ત્યારે પાણીકાપ વાળા વિસ્તારમાં રૂા.૨૫૦ ચાર્જ લઈ ટેન્કર કેમ આપવામાં આવે છે? શુ પાલિકા તંત્ર આવક કરવા પાણી કાપ મૂકે છે. શહેરમાં બે કનેક્શન ધરાવતા મકાન કેટલા છે અને કોના છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાલિકા કર્મચારીના ભાઈએ લાભ લીધો છે. તો ખોટી એફીડેવીટ કરનાર સામે શુ પગલા લીધા વિગેરે અનેક બાબતે આર.ટી.આઈ. કરવામાં આવી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આર.ટી.આઈ. કાયદા મુજબ યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ધમકીઓ આપવામાં આવે છે. એચ.સી.મહેતાએ જણાવ્યુ છેકે, જ્યાં વધારે લાઈટની જરૂર છે ત્યારે ૩૨ વોટની એલ.ઈ.ડી.લાઈટ નાખવાની જગ્યાએ ૧૮ વોટની એલ.ઈ.ડી.નાખવામાં આવી છે. જેના કારણે અંધારૂ પડે છે. પ્રકાશ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં સ્કુલ બંધ થાય પછી રાત્રે ગેરકાયદેસર પ્રવૃત્તી ચાલી રહી છે. જ્યાં ગ્રાઉન્ડમાં લાઈટ નંખાય તે જરૂરી છે. જે બાબતે સંકલન સમિતિના પ્રમુખશ્રીને વિનંતી કરવા છતા લાઈટ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ નિવૃત્ત કર્મચારી ફક્ત તેમના લગતાજ પ્રશ્નો માટે નહી પરંતુ લોકોના પ્રશ્નો બાબતે પણ આર.ટી.આઈ. કરી રહ્યા છે. આવા વ્યક્તિને સમાજે કદર કરવી જોઈએ. હમણા ચુંટણી સમયમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના બંગલે મળેલી એક મીટીંગમાં એચ.સી.મહેતાનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. પરંતુ પાલિકા તંત્ર આવા સમાજ સેવી આર.ટી.આઈ. એક્ટીવીસ્ટોનુ સન્માન કેમ જાળવી શકતુ નથી તે નવાઈની વાત છે.