દબાણના ઠરાવના નામે સભ્યો એકબીજાને ખો આપે છે
ગેરકાયદેસર દબાણ હટાવવા ચીફ ઓફીસરને સત્તા છે-ર્ડા.કાન્તીભાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગેરકાયદેસર દબાણ હટાવવાની પાલિકા ચીફ ઓફીસર પાસે સત્તા છે. ચીફ ઓફીસર ધારે તો દબાણ હટાવી શકે છે. ત્યારે ઠરાવના નામે પાલિકા સભ્યો એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જ્યારે બીજુબાજુ શહેરમાં આડેધડ દબાણો થઈ રહ્યા હોવાનુ ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છે.
વિસનગરમાં અત્યારે આડેધડ દબાણો થઈ રહ્યા છે. પાલિકા ચીફ ઓફીસર અને સત્તાધીશો મો ઉપર પટ્ટી બાંધીને બેસી રહેતા દબાણકારોનો રાફડો ફાટ્યો છે. ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવાની જગ્યાએ દબાણ હટાવવાની જવાબદારી ટીપી કમિટિ પ્રમુખ ઢોળતા તથા પ્રમુખ આ જવાબદારી ટીપી કમિટિ ઉપર નાખતા, દબાણની કાર્યવાહીને ખો આપતી પાલિકા સભ્યોની કામગીરી સામે નારાજ થયેલા પૂર્વ પાલિકા સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છેકે, દબાણનો ઠરાવ મંજુર કે નામંજુર કરવાનો હોયજ નહી દબાણ સામે કાર્યવાહી કરવાની ચીફ ઓફીસરને અબાદીત અધિકારો મળેલા છે. દબાણ દુર કરવા ચીફ ઓફીસર સ્વાયત્ત સત્તા ધરાવે છે. દબાણનો ઠરાવ ફૂટબોલની જેમ ઉછાળી પાલિકા સભ્યો જવાબદારીમાંથી છટકી રહ્યા છે. દબાણ હટાવવા ચીફ ઓફીસરને કોઈની મંજુરી લેવાની જરૂર નથી.
ર્ડા.કાન્તીભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, દબાણના નામે એકબીજાના હિસાબો ચુક્તે કરવાની પેરવી ચાલી રહી છે. વાસ્તવીક પરિસ્થિતિ એ છેકે દબાણના ઠરાવના નામે બીલ્ડરોને બ્લેકમેલીંગ કરવાનો ધંધો ચાલી રહ્યો છે. દબાણની જવાબદારી પ્રમુખ ઉપર નાખવાના ઠરાવમાં ૧૭ સભ્યોની બહુમતી મળી હતી. જ્યારે બહાલી આપવામાં વિરોધ કરાયો. ઠરાવ મંજુર કરવામાં સહીઓ કરનાર સભ્યો બહાલી આપતી વખતે ક્યા ખોવાયા હતા? સભ્યોની આ રિતિ નિતિ શુ બતાવે છે. બાંધકામ મંજુરી આપતી વખતે નકશો મંજુર કરવામાં આવે છે. જેમાં ચીફ ઓફીસરની સહી હોય છે. મંજુરી પ્રમાણે બાંધકામ ન થયુ હોય તો ચીફ ઓફીસર નકશા પ્રમાણે કાર્યવાહી કરી શકે છે. બીજા પુરાવા શોધવાની કોઈ જરૂરી હોતી નથી. કચરીયા પાકના વ્યવસાયના નામે કેટલીક જગ્યાએ ટ્રાફીકને અડચણરૂપ મોટા મંડપ ઉભા કરવામાં આવ્યા છે. જે બાબતે ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છેકે, રસના કોલાની જાહેર હરાજી કરી ગરીબ પર પ્રાન્તીયો પાસેથી માસીક રૂા.૧૦ થી ૨૫ હજાર સુધીના ભાડા વસુલવામાં આવે છે. ફટાકડા અને ઉતરાણના સ્ટોલ લગાવતા નાના વેપારીઓ પાસેથી પંદર દિવસના ભાડા પેટે રૂા.૪૦૦૦ થી ૫૦૦૦ વસુલવામાં આવે છે. ઉતરાણના નાના વેપારીઓ બહાર ચરખા મુકશે ત્યારે પાલિકાના કર્મચારીઓ વારંવાર મુલાકાત લઈ નાના વેપારીઓને દબડાવી મફતમાં પતંગ દોરી પડાવશે. દંડની પાવતીઓ ફાડશે. જ્યારે સમર્થ ડાયમંડ આગળ કચરીયાવાળાઓએ મોટા મંડપ ઉભા કર્યા છે. ત્યારે આ વેપારીઓના દબાણો પાલિકા કેમ હટાવતી નથી? પાલિકા કેટલુ ભાડુ વસુલે છે. મહેસાણા ચાર રસ્તા અને અન્ય જગ્યાએ પણ મંડપો ઉભા કરી દબાણ કરી વેપાર થાય છે. સમર્થ ડાયમંડ આગળ તો વેપારીઓ આખુ વર્ષ મંડપ રાખી દબાણ કરે છે. ત્યારે આ દેખીતુ દબાણ હટાવવામાં આવતુ નથી. વરસાદી પાણીના નાળાની ઉપર અને નાળા પાસે બાંધકામ થાય છે ત્યાં પાલિકા કંઈ રીતે બાંધકામ મંજુરી આપી શકે? પૂર્વ પ્રમુખ શકુન્તલાબેન પટેલના સ્ટેટમેન્ટ બાબતે ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સમાજમાં રાજકીય પક્ષોનુ રાજકારણ ન હોય. હું ભાજપમાં હોઉં અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા સમાજના સભ્યો પાસે ટેકાની અપેક્ષા રાખુ તે ખોટુ છે. પ્રથમ વખતે પ્રજ્ઞાબેન પટેલ સામે શકુન્તલાબેન પટેલે પ્રમુખ તરીકેની દાવેદારી કરી હતી. તે વખતે સમાજના સભ્યો ક્યાં ગયા હતા? પોતાનુ હિત ન સચવાય ત્યારે આવા સ્ટેટમેન્ટ અને વિચારો વ્યક્ત કરવા ખોટા છે.