વિસનગર DYSP ટીમે બે રેડમાં વિદેશી દારૂની ૯૭ બોટલો પકડી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ડીવાયએસપી એમ.બી.વ્યાસની ટીમે વિસનગર શહેર અને તાલુકાના ગામડામાંથી દારૂ જુગારની બદી નેસ્તનાબુદ કરવાના સરાહનીય પ્રયત્નો હાથ ધર્યા છે. ડી.વાય.એસ.પી.ઓફીસ ટીમે બે રેડ પાડી વિદેશી દારૂની ૯૭ બોટલો પકડતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વિસનગર ડી.વાય.એસ.પી. ઓફીસ ટીમને બાતમી મળી હતી કે કાંસા ગણપતિ પરામાં રહેતો અમીતકુમાર દશરથભાઈ પટેલ પોતાના એક્ટીવામાં વિદેશી દારૂ લાવી વેપાર કરે છે. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે વાલમ રોડ તરફથી એક નંબર વગરનુ એક્ટીવા આવતા તેને ઉભુ રાખી તપાસ કરતા એક્ટીવાની ડેકીમાંથી રૂા.૫૦૫૦ ની કિંમતના વિદેશી દારૂની ૨૯ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી અમીતકુમાર પટેલ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ રેડના બે દિવસ બાદ બીજી બાતમી મળી હતી કે આઈ.ટી.આઈ.ની પાછળ ગાયત્રીનગર સોસાયટીમાં રબારીના મકાનમાં આ સોસાયટીમાં રહેતો ઠાકોર ભગાજી તખાજી સુરાજી વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે. બાતમી આધારે પોલીસે રેડ કરતા મકાનમાંથી નાની મોટી બોટલો તથા બીયરના ટીન મળી રૂા.૧૮૭૫૦ ની કિંમતની ૬૮ બોટલો મળી આવી હતી. દારૂનો આ જથ્થો મારવાડી ચંપારામ ઉર્ફે ચંપક ભગારામ આપી ગયો હોવાનુ જણાવતા પોલીસે ભગાજી ઠાકોર તથા ચંપારામ મારવાડી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.