ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે ચેહરમાતાના મંદિરમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નટુકાકાએ સાસરીમાં સહકુટુંબ હવનમાં ભાગ લીધો
માત્ર આઠ વર્ષની ઉંમરે ભવાઈથી શરૂઆત કરનાર
ઘનશ્યામભાઈ નાયકે અધધ નાટકો અને ફિલ્મોમાં કામ કર્યુ
અહેવાલ-ચંદ્રકાન્ત ડબગર-ખેરાલુ દ્વારા,
ખેરાલુ તાલુકાના મંદ્રોપુરમાં ચેહર માતાજીનુ પૌરાણિક મંદિર આવેલુ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા(ઘનશ્યામભાઈ પ્રભાકરભાઈ નાયક) તેમની સાસરીમાં આવેલ આ મંદિરે તેમના પત્ની નિર્મળાબેન, પુત્ર વિકાસભાઈ, પુત્રવધુ અમીબેન, બે દિકરીઓ ભાવના અને તેજલ તથા પૌત્ર અને પૌત્રી સાથે સહકુટુંબ હોમ હવન કરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે મંદ્રોપુર ગામ તથા આસપાસના ગામોની પ્રજા નટુકાકાને જોવા અને તેમની સાથે સેલ્ફી લેવા રીતસરની પડાપડી કરી હતી. નટુકાકા મોટા ગજાના ફિલ્મી એકટર અને લોકપ્રીય કલાકાર હોવા છતાં નિરાભિમાની અને અત્યંત માયાળુ સ્વભાવના હોવાનું પ્રજા સાથેના વહેવારથી છતુ થતુ હતુ.
નટુકાકાએ પ્રચાર સાથેની વાતચીતમાં ચંદ્રકાન્ત ડબગરને જણાવ્યું હતુકે વડનગર તાલુકાના ઉંઢાઈ ગામના વતની ઘનશ્યામભાઈ નાયકે માત્ર આઠ વર્ષની ઉંમરે શોભાસણા ગામમાં ભવાઈ મંડળીમાં રેપડી માતાજીના ગરબાથી અભિનયની શરૂઆત કરી. ઘનશ્યામભાઈ સ્ત્રી પાત્ર બેખુબીથી એ સમયમાં ભજવી જાણતા હતા. દર્શકો તેમના સ્ત્રી પાત્રના અભિનયથી તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા. ત્યારબાદ ગુજરાતી રંગભૂમિ ઉપર એમણે સો જેટલા નાટકોમાં કલાકારી દર્શાવી. ૧૯પ૬માં ઘનશ્યામભાઈએ મુંબઈની વાટ પકડી. મુંબઈમાં રમલીલામાં તેમનો અભિનય વખાણાયો અને નસીબ આડેથી પાંદડુ ખસ્યુ અને ૧૯પ૭-પ૮ માં મોટા પડદાની હિન્દી ફિલ્મ માસુમમાં પ્રથમ ફિલ્મી કેમેરાનો સામનો કર્યો. ત્યારબાદ ૧૩ વર્ષની ઉંમરે પ્રથમ ગુજરાતી ફિલ્મ હસ્તમેળાપ ડાયરેકટર સત્યમ ઘોષએ બ્રેક આપ્યો અને રમેશ મહેતા સાથે કામ કર્યું. હસ્તમેળાપમાં કામ કર્યા બાદ લગભગ ગુજરાતી રપ૦ જેટલી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા. ૧૦૦ જેટલા નાટકોમાં કામ કર્યુ. ૩પ૦ જેટલી સીરીયલોમાં અભિનય કર્યો ૧ર ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે ગીતો ગાયા અન્ય કલાકારો માટે ઘનશ્યામભાઈ નાયકે અવાજ પણ આપ્યો. અશોકકુમાર, અભિતાભ બચ્ચન થી લઈને નામી કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યું. હમ દિલ દે ચુકે સનમમાં મુખ્ય ભૂમિકામાં અદાકારી પણ નિભાવી. મોટા ગજાની હિરોઈનો સાથે કામ કરતાં કરતાં ર૦૦૮માં ફરી એકવાર નસીબ ચમકી ઉઠયુ અને અસીત મોદીએ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલમાં નટુકાકાનુ પાત્ર ઘનશ્યામભાઈને આપ્યુ. ૬પ વર્ષની ઉંમરે નટુકાકાના પાત્રમાં તેમણે જાન રેડીને કામ કર્યુ અને સીરીયલ સતત પ્રગતી કરતી રહી અને ઘનશ્યામભાઈ નાયક માંથી નટુકાકા તરીકેની ખ્યાતનામ ઓળખ ઉભી થઈ નટુકાકાના પાત્રમાં ઘનશ્યામભાઈ એવા તો રંગાઈ ગયા કે ચારે તરફ નટુકાકાનું પાત્ર ગડા ઈલેકટ્રોનિકના મેનેજર તરીકે દર્શકોને ખૂબજ ગમવા લાગ્યુ. નટુકાકાએ બેખૂબીથી તેમના પાત્રમાં અવાર નવાર વતનની યાદ પણ તાજી કરી લે છે. નટુકાકા કહે છેકે મારા પાત્રને મોટું બનાવનાર પ્રોડ્યુસર અસીતમોદી તથા જેઠાલાલનું પાત્ર ભજવતાં દિલીપ જોષીને આભારી છે. નટુકાકા છેલ્લે કહેછેકે આજે હું જે કઈ છુ તે મારી પત્ની નિર્મળાના સહકારથી છુ. તેણે મારી અને મારા બાળકોની રાત દિવસ જોયા વગર સારસંભાળ રાખી છે. હુ તો સતત શુટીંગમાં વ્યસ્ત હોઉં છું ત્યારે મારી અને બાળકોની સંભાળ તેજ રાખે છે. નટુકાકા પોતે પોતાને જે પ્રસિધ્ધી માન પાન પૈસા દોલત જે મળ્યું તે ઈશ્વરની દેન માને છે. મે તો માત્ર મહેનત કરી છે. અંતમાં નટુકાકા કહે છે એક ભગવાન પાસે મારી પ્રાર્થના છે. કે મારા મૃત્યુ સુધી હું કલાકાર તરીકે જ કામ કરતો રહુ. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએકે નટુકાકાને પ્રભુ દિર્ઘાયુ બક્ષે અને નિરોગી જીવન જીવતાં જીવતાં સૌ દર્શકોને હસાવતા રહે અને પોતે હસતા રહે.
↧
ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે ચેહરમાતાના મંદિરમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નટુકાકાએ સાસરીમાં સહકુટુંબ હવનમાં ભાગ લીધો
↧