બ્રહ્મલીન મહંત ગુલાબનાથજી મહારાજનુ સ્વપ્ન ક્યારે સાકાર થશે?
સત્યનારાયણ ભગવાનના મંદિરનુ કામ ધપાવવા મીટીંગ મળશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સાર્વજનીક સ્મશાન પાછળ આવેલ સત્યનારાયણ ભગવાનના મંદિરના શીખર સુધીનુ કામ પતી ગયુ છે. પ્લાસ્ટર બાકી છે. ત્યારે આ મંદિરનુ કામ આગળ ધપાવવા રામાપીર મંદિરમાં મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ છે. મંદિર નવુ બનાવવા પરમ પૂજ્ય ગુલાબનાથજી મહારાજ પ્રયત્નશીલ હતા. ત્યારે બ્રહ્મલીન મહંતનુ સ્વપ્ન ક્યારે સાકાર થશે? ધર્મપ્રેમી જનતા અને દાતાઓએ મીટીંગમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
ભારત ભરમાં એકમાત્ર વિસનગરમાં સત્યનારાયણ ભગવાનનુ મંદિર હતુ. પટણી દરવાજા સાર્વજનિક સ્મશાન પાછળ દેળીયા તળાવના કિનારે આવેલુ મંદિર વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહ્યુ હતુ. ત્યારે કડા દરવાજા વિજાપુર રોડ ઉપર આવેલ રામાપીર મંદિરના મહંત પરમ પૂજ્ય ગુલાબનાથજી મહારાજના સાનિધ્યમાં મંદિર નિર્માણ કાર્ય હાથ ધરાયુ હતુ. ગુલાબનાથજી મહારાજના આશિર્વાદથી તેમના ભક્તજનો તથા દાતાઓએ મંદિર માટે મોટા દાનની જાહેરાત કરી હતી. દાતાઓના દાન થકી અને મહંત ગુલાબનાથજી બાપુના માર્ગદર્શનમાં મંદિરનુ શીખર સુધીનુ ચણતર કામ થયુ હતુ. પરંતુ ગુલાબનાથજી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરનુ નિર્માણ કાર્ય અધવચ્ચે અટકીને પડ્યુ છે. સત્યનારાયણ ભગવાનના મંદિરનુ અધૂરુ કાર્ય આગળ ધપાવવા માટે મહંત શંકરનાથજીના અધ્યક્ષસ્થાને રામાપીર મંદિરમાં તા.૪-૪-૨૦૧૯ ને ગુરુવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે મીટીંગમાં હાજર રહેવા માટે દાન આપનાર તથા દાન આપવાની જાહેરાત કરનાર દાતાઓ તથા મંદિર પ્રત્યે શ્રધ્ધા ધરાવતા ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.