વિસનગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરની નિષ્કાળજીનો બોલતો પુરાવો
ઠાકોરવાસના રપ૦ મકાન ૧પ દિવસથી પાણીથી વંચીત
પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલની રજુઆતથી ૧પ દિવસ બાદ ટેન્કર સેવા શરૂ કરાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં ગરીબ અને સ્લમ વિસ્તારના લોકો પ્રત્યે લાગણી રાખનાર તેમજ તેમની ચિંતા કરનાર કોઈ નથી. આથમણા ઠાકોરવાસમા રપ૦ મકાન ૧પ દિવસથી પીવાના પાણીની વંચીત હતા ત્યારે આ વોર્ડના જાગૃત પાલિકા સભ્ય, પુર્વ પાલિકા પ્રમુખ ગીરીશભાઈ પટેલના પ્રયત્નોથી પીવાના પાણીની ટેન્કર સેવા શરૂ થઈ હતી.
વિસનગરમાં આથમણા ઠાકોરવાસમા છેલ્લા એક વર્ષથી પીવાના પાણીમાં ગંદુ પાણી આવતી હોવાની ફરીયાદ હતી. પીવાના પાણીની લાઈનમા ગટરનું પાણી ભળતા આ વિસ્તારના ઘણા લોકો ઝાડા-ઉલ્ટીની બીમારીના ભોગ બન્યા હતા. પાલિકા દ્વારા તપાસ કરવામા આવતા ગટર લાઈનો ચોક અપ થતા ગટર લાઈનોમાં પાણી ભરાતા, પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણીનુ મિશ્રણ થતુ હોવાનુ જણાવ્યુ હતુ. જે માટે આ વોર્ડના પાલિકા સભ્ય ગિરીશભાઈ પટેલે છેલ્લી ચાર જનરલમાં ઠાકોરવાસમા ગટર લાઈન અને પાણીની લાઈનો નવી નાખવા રજુઆત કરતા આવ્યા હતા. જેમની રજુઆતથી લગભગ રૂા. ૧૯ લાખના ખર્ચ ગટર અને પાણીની નવી લાઈનો નાખવાનુ ટેન્ડરીંગ કરી વર્ક ઓર્ડર આપવામા આવ્યો છે.
આ દરમિયાન પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે સમક્ષ રજુઆત થઈ હતી કે ઠાકોરવાસમા બહુચર માતાના મંદિરથી ઉમિયા ઝેરોક્ષ સુધીના લગભગ રપ૦ જેટલા મકાનો છેલ્લા ૧પ દિવસથી પીવાનુ પાણી પહોચતુ નથી. પાઈપ લાઈનમાં તો પાણી આવતુ નથી. પરંતુ પાલિકા દ્વારા ટેન્કર સેવા પણ આપવામા આવતી નથી. વૈશાખ મહિનામા ઠાકોર સમાજમા લગ્ન પ્રસંગો વધારે હોય છે. ત્યારે આવા લગ્ન પ્રસંગમાં લોકોને પૈસા ખર્ચી પ્રાઈવેટ ટેન્કરવાળા પાસેથી પાણીના ટેન્કર મંગાવવા પડે છે. ગીરીશભાઈ પટેલ તાત્કાલીક સ્થળ ઉપર પહોચતા ખરા ઉનાળામા એ પણ લગ્ન પ્રસંગના દિવસોમા ૧પ દિવસથી પાણીથી વંચિત રહેલા ઠાકોર સમાજના લોકોએ લાગણીહિન પાલિકા તંત્ર વિરૂધ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો. ગીરીશભાઈ પટેલે તપાસ કરતા ગંદુ પાણી આવતુ હોવાથી બહુચર માતાના મંદિરે ખાડો ખોદી પાણીની લાઈનમાં બુચ મારવામાં આવતા આગળ પાણી જતુ નહોતુ. જે વિસનગરમા પાણી જતુ ન હોય ત્યાં પાણી પહોચતુ કરવાની જવાબદારી પાલિકા તંત્રની હતી. પરંતુ પાલિકા કર્મચારીઓએ આ બાબતે ધ્યાન નહી દોરતા ટેન્કર દ્વારા પાણી પહોચતુ કરવામા આવતુ નહોતુ. ગીરીશભાઈ પટેલે ચીફ ઓફીસર તથા કર્મચારીઓનો ઉધડો લીધો હતો. પાલિકા સભ્યનો રોષ જોઈ પાલિકા દ્વારા તાત્કાલિક ટેન્કર સેવા શરૂ કરવામા આવી હતી. જયાં સુધી પાણીની નવી લાઈન ન નંખાય અને પાણી પુરવઠો શરૂ ન થાય ત્યાં સુધી રોજ ચાર ટેન્કર પાણી આપવા માટે ગીરીશભાઈ પટેલ દ્વારા કડક સુચના આપવામા આવી છે.