ચાર છોકરાઓને સચિવાલયમાં નોકરી અપાવવાનું કહી
સબંધીઓ સાથેજ રૂા.૩૭ લાખની ઠગાઈ-બે સામે ફરિયાદ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગાંધીનગર સચિવાલયમાં અલગ- અલગ પોસ્ટ ઉપર ઉંચા પગારે નોકરી અપાવવાની લાલચ આપી પોતાના ચાર સંબંધીઓ પાસેથી રૂા.૩૭ લાખની ઠગાઈ કરનાર બે ઈસમો વિરૂધ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે બંન્ને આરોપીઓ સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કર્યા છે.
વડનગર તાલુકાના સિપોર ગામના પટેલ હેમંતકુમાર મણીલાલ જોઈતારામ એક વર્ષ પહેલા તેમના મોટાબાપાના પુત્રની દિકરીના રીસેપ્શનમાં ગયા હતા. આ દરમિયાન તેમના સગા દશરથભાઈ અંબારામ પટેલે તેમના ઘરે ચા- પાણી કરવા બોલાવ્યા હતા. જ્યા દશરથભાઈએ તેમનો ભાણો જીમ્મી ભરતભાઈ હરગોવનદાસ (મુળ રહે કરબટીયા, હાલ રહે ધી હોટ પ્લેટર રેસ્ટોરન્ટ કડા ત્રણ રસ્તા, વિસનગર) જે ગાંધીનગર સચિવાલયમાં ઉંચા પગારમાં સરકારી નોકરી અપાવવાનું કામ કરે છે. જો તમારા ધ્યાનમાં ૧૨ પાસ ભણેલા કોઈ છોકરા હોય તો કહેજો, ત્યારે હેમંતભાઈ તેમના ભાણાની મુલાકાત કરવાનું કહ્યુ હતું. બીજા દિવસે હેમંતભાઈ અને દશરથભાઈ વિસનગર લગ્ન પ્રસંગે ભેગા થતા દશરથભાઈ એ તેમના ભાણા જીમ્મી સાથે હેમંતભાઈનો પરિચય કરાવ્યો હતો. જ્યાં હેમંતભાઈએ તેમના પુત્ર સ્મિતને નોકરી લગાડવાની વાત કરતા જીમ્મીએ તેમને ગાંધીનગર સચિવાલયમાં સિનિયર ક્લાર્ક તરીકે રૂા. ૧૯૯૫૦ના માસિક પગારમાં રૂા. ૧૩ લાખમાં નોકરી અપાવવાનું કહી જીમ્મીએ તેના મામાના દિકરી વિકા મુકેશભાઈ પટેલ રહે, લક્ષ્મીપુરા, તા.વિસનગરને નોકરી અપાવી હોવાની વાત કરી હેમંતભાઈને વિશ્વાસમા લીધા હતા. ત્યારે હેમંતભાઈએ તેમના દિકરા સ્મિત અને વડનગર તાલુકાના આનંદપુરા ગામમાં રહેતા તેમના ભાણા જયદીપ ભરતભાઈ પરષોત્તમદાસને સચિવાલયમાં નોકરી અપાવવાનું જીમ્મી સાથે નક્કી કરી બંન્ને ની એલ.સી., આધારકાર્ડ, માર્કસીટ, તથા ફોટા તથા એડવાન્સ રૂા. ૬ લાખ આપ્યા હતા. ત્યારે જીમ્મીએ એકાદ મહિનામાં નોકરીનો ઓર્ડર આવી જશે તેવો હેમંતભાઈને વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ હેમંતભાઈએ તેમના સંબંધી હસમુખભાઈ ગોપાળભાઈ (રહે, ગુંદરાસણ, તા.વિજાપુર, હાલ રહે, વડનગર નદીઓળ દરવાજા) ના દિકરા પારસ તેમજ તેમના કુંટુબીભાઈ પટેલ દિનેશભાઈ નરોત્તમદાસ રહે, સિપોર, હાલ રહે, વિસનગર શિવનાથ સોસાયટી ના દિકરા કિન્નર બંન્નેને નોકરી અપાવવાની વાત કરતા જીમ્મીએ પારસને રૂા. ૧૫ લાખમાં નાયબ મામલતદાર તરીકે અને ધો. ૧૦ પાસ કિન્નરને રૂા. ૮ લાખમાં ફિલ્ડ અધિકારી તરીકે નોકરી અપાવવાનું કહ્યુ હતું. જેમ બંન્ને જણા સંમત થતા જીમ્મીએ બંન્ને દિકરાના ડોક્યુમેન્ટસ સાથે રૂા. ૬ લાખ એડવાન્સ આપ્યા હતા. બીજા દિવસે જીમ્મીએ હેમંતભાઈને ફોન કરીને કહ્યુ કે હું ચારેય જણાની નોકરીઓનો ઓર્ડર લેવા ગાંધીનગર જઉ છું. તમે બાકીના રૂપિયા તૈયાર રાખજો. તે દિવસે બપોરના સમયે જીમ્મીએ વિસનગર આવી હેમંતભાઈ તથા તેમના ત્રણેય સંબંધીઓની હાજરીમાં નોકરીના ઓર્ડરનુ કવર બતાવી બાકીના રૂપિયાની માંગણી કરી ત્યારે ચારેય જણાએ નોકરીનો ઓર્ડર બતાવો ત્યારે પૈસા આપીએ તેવી વાત કરતા જીમ્મીએ તેની પાસેનો પટેલ સંદિપ ચંદ્રકાન્તભાઈના નામનો તા. ૨-૦૮-૨૦૧૮નો ઓર્ડર બતાવ્યો હતો. અને બીજા નિવૃત કર્મચારીઓની જગ્યાએ તેમને લેવાના હોવાનું કહ્યુ હતું. ત્યારે કોઈએ જીમ્મી પાસેથી નોકરીનો ઓર્ડર નહી લેતા બીજા દિવસે જીમ્મીએ તેમના છોકરાઓની જગ્યાએ બીજા માણસોનું સેટીંગ કરવાની વાત કરતા હેમંતભાઈ તથા તેમના સગાઓએ જીમ્મીના મામા દશરથભાઈ પટેલને વાતચીત કરી હતી. જ્યાં દશરથભાઈએ જીમ્મીને નોકરીનો ઓર્ડર સાચો હોય તો જ પૈસા લેજે તેવું કહેતા જીમ્મીએ નોકરીના ઓર્ડર સાચા હોવાનું જણાવતા ચારેય જણાએ બીજા રૂા. ૧૮ લાખ જીમ્મીને આપ્યા હતા. ત્યારે જીમ્મીએ તેમને નોકરીના ઓર્ડરનુ કવર આપ્યુ હતું. જે કવર ખોલીને જોતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર સેક્શન અધિકારી ગુજરાત રાજ્યના સહી સિક્કા સાથેનો અને ચારેય છોકરાઓને તા. ૨-૦૮-૨૦૧૮થી દરરોજ સચિવાલય ખાતે નોકરી ઉપર હાજર થવાનો ઓર્ડર હતો. ઓર્ડરના આધારે ચારેય જણા જીમ્મીને સાથે રાખી ગાંધીનગર નોકરી જવા નિક્ળ્યા હતા. જ્યાં જીમ્મીએ સચિવાલયમાં નોકરી કરતા હિરપરા મૌલીક સાથે પરિચય કરાવતા તેમને ચારેય પાસે ઓરીજનલ ડોક્યુમેન્ટ અને નોકરી ઉપર હાજર થવાનો ઓર્ડર માગી પોલીસ વેરીફીકેશન તથા બેંક ખાતુ ખોલાવવાની વાત કરી ચારેયને બાકીના પૈસા તૈયાર રાખવાનુ કહ્યુ હતું. જોકે આ લોકો ચારેય જણાને નોકરીની જગ્યાએ ગાંધીનગર સચિવાલયના ગેટ પાસે બેસાડી રાખતા હતા અને બાકીના રૂા. ૭ લાખની માંગણી કરતા હેમંતભાઈએ તથા તેમના સગાઓએ બાકીના રૂા. ૭ લાખ તા. ૧૨-૦૮-૨૦૧૮ના રોજ આપ્યા હતા. છતાં પણ આ બંન્ને જણાએ ચારેય જણાને નોકરી ન આપી ખોટા હોદ્દા અને ઓર્ડર બતાવી તેમની પાસેથી રૂા.૩૭ લાખ લઈ ઠગાઈ કરી હતી. આ અંગે હેમંતકુમાર મણીલાલ જોઈતારામ પટેલે વિસનગર પોલીસ સ્ટેશને જીમ્મી ભરતભાઈ પટેલ (કરબટીયા) તથા મૌલિક હિરપરા (બાપનું નામ જણાવેલ નથી) સામે રૂા. ૩૭ લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,તથા ૧૨૦ (બી) સહિતની કલમનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.