વિસનગર તાલુકામાં આધાર વગર પુરવઠો આપનાર ૨૪ દુકાનદારોને નોટીસ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જીલ્લા પુરવઠા અધિકારીની સુચનાથી આધાર લીંક કર્યા વગર અનાજનો જથ્થો વિતરણ કરનાર તાલુકાની ૨૪ વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારોને વિસનગર મામલતદાર દ્વારા કારણદર્શક નોટીસો આપી દિન ૨ માં ખુલાસો કરવા આદેશ કર્યો છે. પુરવઠા તંત્રની ઓચિંતી તપાસથી અનાજના જથ્થાના વિતરણમા ગેરરીતી કરનાર રેશનીંગની દુકાનદારોના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વ્યાજબી ભાવની દુકાનોમા સંચાલકો દ્વારા અનાજનો પુરવઠો આપવામાં થતી ગેરરીતી અટકાવવા માટે સરકારે આધાર લીંક ફરજીયાત કર્યુ છે. છતાં કેટલાક વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો તંત્રની એસીકી તેસી કરીને કોઈપણ છટકબારી સોધીને પુરવઠાના જથ્થામાં ગેરરીતી કરતા હોવાનું જીલ્લા પુરવઠા અધિકારી નિશાબેન શર્માને ધ્યાને આવતા તેમનો તમામ વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસ કરવાનો તમામ મામલતદારોને આદેશ કર્યો હતો. જેમાં વિસનગર મામલતદાર એ.એન.સોલંકી અને પુરવઠા નાયબ મામલતદાર પ્રવિણભાઈ ચૌધરીએ વિસનગર તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોમાં પુરવઠા જથ્થાની તપાસ કરી આધાર લીંક વગર ૨૦ ટકાથી વધુ જથ્થો આપનાર દુકાનોના સંચાલકોને કારણદર્શક નોટીસો આપી દિન-૨ માં ખુલાસો રજુ કરવા કડક સુચના આપી છે. જોકે આ તપાસમાં જે સંચાલકોએ આધાર લીંક વગર ૪૦ થી ૫૦ ટકા જથ્થો લોકોને આપ્યો હશે તો તેવા દુકાનના સંચાલકો સામે તંત્ર દ્વારા મોટી રકમનો દંડ અથવા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થશે તેવું દુકાનદારોમાં ચર્ચાય છે. ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી સરકારી અનાજના જથ્થામાં ગેરરીતી કરનાર દુકાનના સંચાલકો સામે શું પગલા ભરે છે તે જાણવા દરેક સંચાલકોની મીટ મંડાયેલી છે.
↧
વિસનગર તાલુકામાં આધાર વગર પુરવઠો આપનાર ૨૪ દુકાનદારોને નોટીસ
↧