સીટી સર્વે ઓફીસની નિષ્ક્રીયતાથી
વિસનગર પાલિકાની ટીમ દબાણ તોડ્યા વગર પરત ફરી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં ગઠબંધનના શાસનમાં ગેરકાયદેસર બાંધકામો ધમધમતા હોવા છતા, પાલિકા તંત્રને ગેરકાયદેસર દબાણો તોડવા કે અટકાવવા ક્યારેય સુરાતન ચડતુ નથી. ત્યારે ઘણા સમય બાદ સવગુણ સોસાયટીના દબાણ તોડવા પાલિકાને સુરાતન ચડ્યુ હતુ. તેમાં સીટી સર્વે કચેરીના સ્ટાફે નિષ્ક્રીયતા દાખવતા પાલિકાની ટીમને દબાણ તોડ્યા વગર જેસીબી લઈને પરત ફરવુ પડ્યુ હતુ.
વિસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલ સવગુણ સોસાયટીમાં રસ્તા પૈકીના અને માર્જીનની જગ્યાના દબાણોનો વિવાદ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ચાલી રહ્યો છે. અગાઉ રસ્તા પૈકીના દબાણો હટાવવા માટે અરજીઓ થતા તેમજ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા પાલિકા દ્વારા સોસાયટીની એક લાઈનના રસ્તા ઉપરના દબાણ હટાવવામાં આવ્યા હતા. બાકીની લાઈનના રસ્તા પૈકીના દબાણ દુર કરવામાં આવ્યા નહોતા. અગાઉના દબાણ હટાવ્યા બાદ ચાર પાંચ વર્ષે ફરીથી દબાણ હટાવવાની અરજી થતા અને જે અરજીનો વિવાદ પ્રાદેશીક કમિશ્નર કચેરી તેમજ હાઈકોર્ટ સુધી પહોચતા તા.૩૦-૫-૨૦૧૯ ના રોજ પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે.સી.બી. સાથે પાલિકાની દબાણ ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોચી ગઈ હતી. પરંતુ સીટી સર્વે સ્ટાફ નહી આવતા લગભગ દોઢ કલાક સુધી પાલિકા તથા પોલીસ ટીમને બેસી રહેવુ પડ્યુ હતુ. સીટી સર્વે સ્ટાફ માપણી કરી આપે તે પ્રમાણે દબાણો તોડવાના હતા. દોઢ કલાક રાહ જોવડાવ્યા બાદ સીટી સર્વે સ્ટાફ માપણી સીટ લઈને આવી પહોચ્યો હતો. સીટી સર્વે સ્ટાફ આવ્યા બાદ જેસીબીથી દબાણ તોડવાનુ શરૂ થશે તેમ જણાતુ હતુ. ત્યારે સીટી સર્વેના સ્ટાફે મશીનથી માપણી કરવી પડશે તેમ જણાવતા દબાણની કામગીરી અટકી હતી. સીટી સર્વેનો સ્ટાફ મશીન લીધા વગર આવ્યો હોવાથી દબાણની માપણી થઈ શકી નહોતી.
વિસનગરમાં અત્યારે વગર મંજુરીએ ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે. પાલિકા દ્વારા નોટીસો આપવા છતા આવા ગેરકાયદેસર મંજુરી વગરના બાંધકામો અટકતા નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી થાય તે સમયે તંત્રના અન્ય વિભાગો સાથ નહી આપતા દબાણકારોને ફાવતુ મળી રહ્યુ છે.
↧
સીટી સર્વે ઓફીસની નિષ્ક્રીયતાથી વિસનગર પાલિકાની ટીમ દબાણ તોડ્યા વગર પરત ફરી
↧