અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારનુ પાપ છાપરે ચડી પોકાર્યુ
ખંડોસણમાં ૧૨ માસ પહેલા બનાવેલ રોડની કપચી ઉખડી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ગામડાઓમાં થતા વિકાસ કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. જેનો દાખલો ખંડોસણ ગામમાં છે. ખંડોસણ ગામમાં ૧૨ માસ પહેલાજ બનાવેલ આર.સી.સી. રોડની કપચી ઉખડી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનુ પાપ છાપરે ચડી પોકાર્યુ છે.
વિસનગર તાલુકાના ખંડોસણ ગામના જાગૃત સામાજીક કાર્યકર ચંદ્રકાન્તભાઈ હરજીવનભાઈ ચાવડા દ્વારા વિસનગર તાલુકા પંચાયતમાં લેખીત ફરિયાદ કરવામાં આવી છેકે, ગામમાં ૧૨ માસ અગાઉ બસ સ્ટેન્ડથી શીતળા માતાના મંદિર સુધીનો આર.સી.સી.નો ડબલ રોડ બનાવવામાં આવ્યો હતો. જે ગામનો મુખ્ય રોડ છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો તેના ૧૦ દિવસમાંજ તુટી ગયો હતો. જે બાબતે સરપંચ સમક્ષ રજુઆત કરતા જણાવેલ કે, કોન્ટ્રાક્ટર ફરીથી રોડ બનાવી આપશે. ફરીથી રોડ નહી બનાવે તો પૈસા ચુકવવામાં આવશે નહી. જે વાતને ૧૨ માસ થવા છતા કોન્ટ્રાક્ટરે ફરીથી રોડ બનાવ્યો નથી. હાલમાં આ રોડ બીલકુલ તુટી ગયો છે. રોડ ઉપરથી કપચી ઉખડી ગઈ છે. જાણવા મળ્યા પ્રમાણે ૨૦ ફૂટ પહોળાઈનો અને લગભગ ૧૦૦ મીટર લંબાઈનો આ રોડ રૂા.૪ લાખમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ તાલુકા પંચાયત બાંધકામ ખાતાની છત્રછાયામાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરતા રોડ તુટી ગયો છે. ચંદ્રકાન્તભાઈ ચાવડાએ જણાવ્યુ છેકે, ખંડોસણ ગામના રોડની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે યોગ્ય તપાસ નહી થાય કે જવાબદાર સામે કાર્યવાહી નહી થાય તો આગળ યોગ્ય કાર્યવાહી કરવાની ફરજ પડશે.
↧
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારનુ પાપ છાપરે ચડી પોકાર્યુ ખંડોસણમાં ૧૨ માસ પહેલા બનાવેલ રોડની કપચી ઉખડી
↧