ગંજબજારમાં અનાજના ગોડાઉનના ઓઠાતળે ઘીનો વેપાર થતો હતો
વિસનગરમાં રૂા.૩.૪૬ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દિવાળીના તહેવારમાં તગડી કમાણી કરવા લોકોના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર ભેળસેળીયા બીન્દાસ્ત ધંધો કરી રહ્યા છે. ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો રાખી વેપાર કરાતો હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંજબજારમાં તપાસ કરવામાં આવતા રૂા.૩.૪૬ લાખનો શંકાસ્પદ ઘી નો જથ્થો પકડાયો હતો. શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
દિવાળીના તહેવારમાં લોકો ભેળસેળવાળી અખાદ્ય વસ્તુઓના ઉપયોગથી બીમાર ન પડે, ભેળસેળીયાઓના કારણે લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘી, માવો તથા ખાદ્ય વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓના ત્યાં મોટા પ્રમાણમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ દરમ્યાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી કે, વિસનગર ગંજબજારમાં સરદાર ગંજના ગોડાઉનમાં શુધ્ધ ઘી ભંડારના નામે વેપાર કરતા કાન્તીભાઈ જીવરામભાઈ પટેલ બહારથી ઘી લાવી વેપાર કરી રહ્યા છે. પાકી બાતમી આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિજયભાઈ જે. ચૌધરી તથા ડી.એ.ચૌધરીની ટીમે આ ગોડાઉનમાં અચાનક રેડ કરી હતી. રેડ કરતા ગોડાઉનની બહાર કોઈ બોર્ડ લગાવ્યુ નહી હોવાથી આ વેપારી ભેળસેળીયુ ઘી રાખતા હોવાની શંકા ગઈ હતી. ગોડાઉનમાં તપાસ કરતા ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. ઘી શુધ્ધ છેકે ભેળસેળવાળુ તેની સ્થળ ઉપરજ તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દુધસાગર ડેરીના કર્મચારીની મદદથી શંકાસ્પદ ઘી ના સેમ્પલ લઈ સ્થળ ઉપર લાઈવ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ઘીનો નેગેટીવ રીપોર્ટ આવ્યો હતો. શંકાસ્પદ ઘી જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અધિકારીઓએ ઘીનો જથ્થો જપ્ત કરી સેમ્પલ વડોદરા પરિક્ષણ માટે મોકલી આપ્યુ હતુ. શુધ્ધ ઘી ભંડારના ગોડાઉન ઉપર રેડ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રીજી ઈન્ટર એસ્ટીફાઈડ વેજ ફેટ માર્કાના રૂા.૯૦,૪૪૦/- ની કિંમતના ૫૦૦ એમ.એલ.ના ૪૭૬ ટીન તથા રૂા.૨,૫૬,૧૨૦/- ની કિંમતના લુઝ ઘીના ૧૫ કીલોના ૪૪ ડબા અને ૧૪ કીલોનો એક ડબ્બો મળી કુલ ૬૭૪ કીલો ઘી જપ્ત કર્યુ હતું.