તંત્રી સ્થાનેથી…
દિલ્હીમાં સત્તા માટે ભાજપ લોકોને વચનો આપે છે તો
ભાજપને જે રાજ્યોએ સત્તા આપી છે તેમણે કોઈ ગુનો તો નથી કર્યો ને?
દિલ્હી રાજ્યની ધારાસભાની ચુંટણી ચાલી રહી છે. દિલ્હી રાજ્યના સી.એમ.કેજરીવાલે પાંચ વર્ષમાં જે પણ કર્યુ પણ છેલ્લા ચારેક મહિનાથી લોકોને વિજળીના બસો યુનીટ ફ્રી, પાણીવેરો નાબુદ કર્યો છે. મહિલાઓને લોકલ બસ સેવામાં વિનામુલ્યે પ્રવાસ કરવાની સગવડ આપી છે. ચુંટણીઓ આવી રહી છે. મતદારોને આકર્ષવા મત મેળવી ફરીથી દીલ્હીની ગાદી ઉપર બેસવા માટે આમ આદમી પાર્ટીએ પ્રયત્નો કર્યા છે. દીલ્હીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપનો ત્રીકોણીયો જંગ છે. પ્રવર્તમાન સંજોગોમાં આમ આદમી પાર્ટી સર્વેક્ષણ એજન્સીઓના રીપોર્ટ અનુસાર આગળ ચાલી રહી છે. બીજા નંબરે ભાજપ છે. ભાજપે બીજા નંબર ઉપરથી પહેલા નંબરમાં આવવા માટે કમર કસી છે. દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તીવારીએ આપ કી અદાલતમાં આપેલા જવાબ મુજબ મતદારોને વચન આપવાનુ ચાલુ કર્યુ છે કે જો ભાજપ દીલ્હી રાજ્યની ગાદી ઉપર આવશે તો આમ આદમી પાર્ટીએ જે સગવડો છેલ્લા ચાર માસમાં આપી છે તેના કરતાં વધારે સગવડો આપશે. એટલે આમ આદમી પાર્ટીએ બસો યુનીટ વીજળી ફ્રી આપી છે તેના કરતાં મનોજ તીવારીના કહેવા મુજબ બસો યુનીટ કરતા વધારે યુનીટ ફ્રી આપવા પડશે. પાણીના બીલ મફત કર્યા છે. એટલે ભાજપ મફત કરતાં વધારે સેવા આપી શકે નહિ પણ આમ આદમી પાર્ટી જેટલો સમય પાણી આપે છે તેના કરતાં વધારે સમય આપવુ પડે અથવા દિવસમાં બે વખત પાણી આપવુ પડશે. મહિલાને દીલ્હીની લોકલ બસોમાં વિનામુલ્યે મુસાફરી આમ આદમી પાર્ટીએ આપી છે તેના કરતાં ભાજપે વધુ સગવડો આપવા માટે મહિલાઓ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનોને મફત મુસાફરીની સગવડ આપવી પડે. આમ આદમી પાર્ટીએ ચુંટણી અનુલક્ષીને આપેલી સગવડો રાજ્ય ચલાવવા માટે શક્ય નથી. આવી સગવડો ચાલુ રાખવામાં આવે તો દિલ્હી રાજ્યનું દેવાળુ નીકળી શકે છે. પહેલાના જમાનામાં જે રાજા હારતો હોય તે રાજા રાજ્ય છોડીને જતો રહે ત્યારે રાજ્યની મિલકતો અને ખેતરોને સળગાવતો જાય તેને ધીકતી ધરા કહેવાય. આમ આદમી પાર્ટીએ ધીકતી ધરાની જ નીતિ અખત્યાર કરી છે. ભાજપ પક્ષ અત્યારે આવી આમ આદમી પાર્ટી જેવી સગવડો આપવાની જાહેરાતો કરે છે તે ફક્તને ફક્ત મતના રાજકારણો વાળી જાહેરાતો છે. એટલે જે રાજ્યમાં ભાજપની સત્તા નથી તે રાજ્યમાં સત્તા માટેના આ વચનો છે. જે રાજ્યે સત્તા આપી નથી તે રાજ્યોમાં સત્તા લેવા માટે ભાજપ દ્વારા બસો યુનીટ કરતાં વધારે મફત વીજળીની, મફત પાણી આપવાની અને મહિલાઓને વિનામુલ્યે પરીવહન માટેની જાહેરાતો મનોજ તીવારીએ કરી છે. તે સામે જે રાજ્યોએ સત્તા આપી છે તે રાજ્યોએ ગુનો નથી કર્યો. કેમ મત આપી અમે ભાજપને જીતાડ્યા? જે રાજ્યોએ સત્તા આપી છે તે રાજ્યોને પણ દીલ્હી રાજ્ય જેવા લાભો આપી જ દેવા જોઈએ. લાભો આપવાની વાતો તો દૂરની રહી વેરાની બાબતમાં જોઈએ તો કોંગ્રેસનુ રાજ્ય હતું તેના કરતાં ભાજપના રાજ્યમાં વેરા અનેકઘણા વધારે છે અને વેરાનો વધારો એવો કર્યો છેકે પ્રજા સમજી શકે નહિ. મિલકત વેરા ઉપરાંત સગવડો પ્રમાણે જુદા જુદા વેરા વધાર્યા છે. જુદા જુદા વેરા લેવાય તો પછી મિલકત વેરો શાનો? મિલકત વેરામાં સફાઈ, સ્ટ્રીટલાઈટ આ બધુ આવી જ જાય છે છતાં વેરા જુદા લેવાય છે. મિલકત વેરામાં બે વર્ષે ૧૦ ટકા વધારો થાય. એટલે જો આજે સો રૂપિયા હોય તો એ વેરો વીસ વર્ષ પછી૨૫૦ રૂપિયા કરતાં વધારે થાય આની ખબર લોકોને પડતી નથી. ભાજપ સરકારના રાજ્યમાં વેરાનુ ભારણ એટલુ બધુ આવી શકે છેકે જૂના જમાનામાં વર્ષો પહેલા ખેડૂતો જમીનની વીઘોટી(સરકારી જમીન વેરો) ભરી શકતા ન હતા જેથી જમીનો માધુરી મૂકતા હતા. એટલે સરકારને સોંપતા હતા. અત્યારની નીતિ મુજબ મિલકતોના વેરાનો ભાર ભવિષ્યમાં એટલો બધો આવવાનો છેકે લોકોને મિલકતો રાખવી ભારે પડશે. એટલે ભાજપ સરકારે જે જે રાજ્યો તેમની સત્તા તળે છે તે રાજ્યોને વેરામાં એટલી બધી રાહત આપવી જોઈએ કે બીજા રાજ્યો તે વેરા ઘટાડવાનો દાખલો લઈ ભાજપને સત્તા સોંપે. અત્યારે ઉલ્લેખનીય રહેશે કે દિલ્હી ભાજપના ચુંટણી ઢંઢેરામાં તો અનેક લોભામણી જાહેરાતો છે. આપ કી અદાલતમાં મનોજ તીવારીએ કરેલી જાહેરાતો ફક્ત ચુંટણી લક્ષીજ છે. ભાજપે દિલ્હીમાં કરેલી જાહેરાતો પ્રમાણે દરેક ભાજપ શાસીત રાજ્યમાં સગવડો આપવી જોઈએ.