સરકારના ગુજરાત સામાયીકના અહેવાલ પ્રમાણે
આસોડા વૈજનાથ મહાદેવ મંદિરના નામે કરોડોના કૌભાંડની શંકા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિજાપુર તાલુકાના આસોડા ગામનુ જશમલનાથ વૈજનાથ મહાદેવના મંદિરમાં પ્રવાસન વર્ષ દરમ્યાન વિકાસ કર્યો હોવાનો એક અહેવાલ સરકારનાજ સામાયીકમાં પ્રસિધ્ધ થયો છે. ત્યારે મંદિરમાં કોઈજ વિકાસ થયો નથી. મંદિરના નામે ભાજપની સરકારમાં કરોડોનુ કૌભાંડ થયુ હોવાની શંકા સેવાઈ રહી છે.
વિજાપુર તાલુકાના આસોડા ગામમાં પૌરાણી પથ્થરની કોતરણીવાળુ જશમલનાથ વૈજનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. ભુકંપના કારણે મંદિરના પથ્થરોમાં તિરાડો પડતા, પથ્થરની વચ્ચે જગ્યા થતા છેલ્લા દશ વર્ષથી ચોમાસામાં મેઈન મંદિરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પડે છે. જે બાબતની જાણ ભાજપ સરકારના પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગમાં કરવામાં આવી છે. પરંતુ નવાઈની બાબત છેકે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની રક્ષા કરવાની વાતો કરતી ભાજપ સરકાર દ્વારા મંદિરના રીપેરીંગ માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આસોડાના સામાજીક કાર્યકર, જાગૃત પત્રકાર પ્રવિણભાઈ કે.જોષી દ્વારા મંદિરના રીપેરીંગ માટે વખતોવખત સરકારના લાગતા વળગતા વિભાગો અને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. મંદિરની પથ્થરની કોતરણી અદ્ભૂત છે. તેને જોવા માટે સમય લાગે. મંદિરનુ પરીસર ભવ્ય ભુતકાળની યાદ આપે તેવુ છે. ઈતિહાસમાં મંદિરની ભવ્યતા વાંચી ઘણા ઈતિહાસકાર અને દુર દુરથી દર્શનાર્થીઓ મંદિરની મુલાકાત લે છે. ત્યારે શરમની બાબત છેકે પ્રવાસન વર્ષના નામે કરોડોનો ધુમાડો કરનાર સરકારની નજર હજુ સુધી મંદિર સુધી પહોચી નથી. સરકારની કોઈ ગ્રાન્ટ આ મંદિરના રીપેરીંગ માટે આવી નથી. મંદિરની પરિસ્થિતિ બાબતે જીલ્લા કલેક્ટરનુ પણ ધ્યાન દોરવામાં આવ્યુ છે.
આવા ભવ્ય મંદિરના રીપેરીંગ પાછળ સરકારના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ તથા અધિકારીઓ દુર્લક્ષ રાખ્યુ છે. ત્યારે નવાઈની બાબત છેકે સરકારના ગુજરાત સામાયીકમાં પ્રવાસન વર્ષ દરમ્યાન મંદિરની રક્ષણાત્મક દિવાલો બનાવી, પ્રવાસીઓને બેસવા માટે બાકડા મુક્યા વિગેરે સુવિધાઓથી મંદિરને સજ્જ કરાયોનો ઉલ્લેખ કરાયો છે. સરકારના કોઈ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી આધારે સરકારની સામાયીકમાં મંદિર પાછળ ખર્ચ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનુ જણાય છે. ત્યારે કયા આધારે આ અહેવાલ આપવામાં આવ્યો. મંદિરના રીપેરીંગના નામે ભાજપ સરકારમાં કરોડોનુ કૌભાંડ થયુ હોવાની શંકા સેવાઈ રહી છે. મંદિરમાં ખર્ચ કરાયો તેવા અહેવાલ આધારે ખરેખર તપાસનો વિષય ઉભો થયો છે. વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલે મંદિરના પુર્ણ વિકાસ માટે મોટી રકમની ગ્રાન્ટ ફળવાય તે માટે નાણા મંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવી જોઈએ. મંદિરના પ્રભારી મહેન્દ્રભાઈ રાવલ અને ગામના સામાજીક કાર્યકર પત્રકાર પ્રવિણભાઈ કે.જોષી દ્વારા જીલ્લા કલેક્ટર, સાંસદ, વડોદરા અને પાટણ પુરાતત્વ વિભાગ, રાજ્ય તથા કેન્દ્ર સરકાર સુધી મંદિરના વિકાસ માટે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ ચુંટણી પ્રચારમાં હર હર મહાદેવના નામે વોટ બટોરતી ભાજપ સરકારમાં મહાદેવના મંદિરનુ અસ્તીત્વ જોખમમાં મુકાયુ છે.
↧
સરકારના ગુજરાત સામાયીકના અહેવાલ પ્રમાણે આસોડા વૈજનાથ મહાદેવ મંદિરના નામે કરોડોના કૌભાંડની શંકા
↧