પ્રાન્ત કચેરીનો વર્ષ ૨૦૦૭ નો હુકમ છતા જમીન માપી કબજો નહી આપતા
વાલમના દલિત પરિવારોની સામુહિક આત્મવિલોપનની ચીમકી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના વાલમ ગામના દલિત સમાજના ૬૧ પરિવારોને પ્રાન્ત કચેરી વિસનગર દ્વારા જમીન ફાળવણીનો હુકમ કરવામાં આવ્યો હતો. જે વાતને આજ ૧૧ વર્ષ થવા છતાં તંત્ર દ્વારા જમીનની માપણી કરી કબજો આપવામાં નહી આવતા વાલમના આ લાભાર્થીઓ દ્વારા જમીનનો કબજો સોપવામાં નહી આવે તો ભાનુભાઈ વણકરના માર્ગે જવા માટે ચીમકી આપી છે. ગુજરાતમાં દલિત સમાજના લોકો વિવિધ અત્યાચારનો ભોગ બને છે. શોષણનો ભોગ બને છે ત્યારે ભાનુભાઈ વણકર જેવા સમાજસેવીઓને આત્મવિલોપનનો માર્ગ અપનાવો પડે છે. તેમ છતાં સરકારના અધિકારીઓની આખો ઉઘડતી નથી. તો શુ અધિકારીઓ સામુહિક આત્મવિલોપનના બનાવોની રાહ જોઈને બેઠા છે?
અનુસુચીત જાતીઓના કલ્યાણ માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭ મા જમીન વિહોણા લાભાર્થીઓને જમીન ફાળવણી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તા.૧૨-૨-૨૦૦૭ ના રોજ વાલમ ગામના ૭૨ લાભાર્થીઓને ૬૩/૯૨/૯૮ હે.આરે.ચો.મી. જમીન ફાળવણી કરવા પ્રાન્ત કચેરી વિસનગર દ્વારા હુકમ કરી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં ૧ થી ૬૧ લાભાર્થી દલિત સમાજના છે અને બાકીના અન્ય પછાત જાતીના છે. જેમાં દરેક લાભાર્થીને ૦-૬૦-૦૦ હે.આરે. ચો.મી જમીન ફાળવણી કરવામાં આવી છે. કયા લાભાર્થીને કયા સર્વે નંબરમાં જમીન ફાળવવામાં આવી છે તેનુ આખુ પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યુ છે. જે હુકમની નકલો પણ લાભાર્થીઓ પાસે છે. ત્યારે નવાઈની બાબત છેકે લાભાર્થીઓને જમીન ફાળવણીના હુકમને આજ ૧૧ વર્ષ થવા છતા સરકારી બાબુઓએ સ્થળ ઉપર જઈ માપણી કરી લાભાર્થીઓને જમીનનો કબજો સોપવાની તસ્દી લીધી નથી. સરકારમાં બેઠેલા દલિત સમાજના આગેવાનો પોતાની રાજકીય ખીચડી પકવે છે. પરંતુ વાલમની જેમ રાજ્યમાં અનેક ગામડાઓમાં સરકારી તંત્ર દ્વારા અન્યાયનો ભોગ બનતા દલિત સમાજના લોકો માટે સરકારમાં રજુઆત કરતા નથી. જેના કારણેજ ભાનુભાઈ વણકર જેવા સમાજ સેવીઓને આત્મવિલોપન જેવા પગલા ભરવાની ફરજ પડે છે.
આ સંદર્ભે વાલમ ગામના દલિત સમાજના ૬૧ પરિવારો દ્વારા પ્રાન્ત ઓફીસર અને ડી.વાય.એસ.પી.સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે વાલમ ગામે સાથલીમાં જમીન ફાળવી છે. જેમાં ૬૧ પરિવારને ૧૨-૨-૨૦૦૭ ના રોજ હુકમની નકલો મળી છે. પરંતુ આજદિન સુધી જમીન કયા સ્થળે છે તેની ખબર નથી. જમીનની માત્ર કાગળ ઉપર ફાળવણી કરવામાં આવી છે. પરંતુ અધિકૃત અધિકારી કે કર્મચારી દ્વારા સ્થળ ઉપર જમીન માપીને આપવામાં આવી નથી કે બનાવવામાં આવી નથી. દલિત પરિવારોને જમીનનો કબજો સોપવામાં આવેલ નથી. સરકારના અધિકારીઓએ અન્યાય અને અત્યાચારનુ વલણ રાખી લાભાર્થીઓને જમીનથી વંચીત રાખ્યા છે. આ જમીનનો કબજો સોંપવામાં નહી આવે તો કલેક્ટર કચેરી આગળ ૬૧ પરિવારોએ ધરણા સાથે આંદોલન કરવાની તૈયારી બનાવી છે. તેમ છતા તંત્રની આંખો નહી ઉઘડે તો ૬૧ પરિવારે ભાનુભાઈ વણકરના ચીંધેલા માર્ગે જવાની ચીમકી આપી છે.
↧
પ્રાન્ત કચેરીનો વર્ષ ૨૦૦૭ નો હુકમ છતા જમીન માપી કબજો નહી આપતા વાલમના દલિત પરિવારોની સામુહિક આત્મવિલોપનની ચીમકી
↧