ખેરાલુ સ્મશાનમાં ગંદકી દુર કરવામાં નફ્ફટાઈ ભર્યુ તંત્રનું વર્તન
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ દેવભુમિ રેસીડેન્સી પાછળ આવેલી જુની પોલીસ લાઈન પાસે મહાકાલેશ્વર મુક્તિધામ આવેલુ છે. જેમા પાલિકાએ કચરાની ડમ્પિંગ સાઈટ બનાવી દેતા ઉશ્કેરાયેલા હિંદુ સમાજના લોકોએ પ્રચાર સાપ્તાહિક સમક્ષ બળાપો કાઢયો હતો કે જે રીતે સ્મશાનોમાં કચરો ઠલવાય છે તે રીતે મુસ્લીમોના કબ્રસ્તાનોમાં પાલિકા કચરો નાંખવાની હિંમત કરશે ? સમાચારો પ્રસિધ્ધ થતા સફાઈમાં એવોર્ડ વિજેતા સેનેટરી ઈન્સપેક્ટર એક દિવસમાં કચરો સાફ થઈ જશે તેવી બડાશ હાંકી કચરો સાફ કરવાનુ નાટક ભજવ્યુ હતુ. ત્યારબાદ સ્મશાનગૃહ પાસે કચરાના ઢગલા યથાવત રહેતા ઈત્તર કોમના લોકો પાલિકા સભ્યો અને ચિફ ઓફિસર ઉપર ફિટકાર વરસાવતા જોવા મળ્યા હતા.
ખેરાલુ શહેરમાં કેટલાંક જાગ્રૃત નાગરિકોએ સ્મશાન આજુબાજુના કચરાના ઢગલાના ફોટા સોશિયલ મિડીયા ઉપર વાયરલ કરતા લોકો વધુ ઉશ્કેરાયા હતા. પ્રચાર સાપ્તાહિકમાં ફોનો આવવાનુ શરુ થતા પ્રચાર સાપ્તાહિકે તપાસ શરુ કરી હતી. સ્મશાન આજુબાજુ કચરાના ઢગલા શુક્રવારે બપોર સુધી યથાવત હતા. સ્મશાન આજુબાજુ સાફ સફાઈ માત્ર દેખાવા પુરતી થઈ હતી. આ બાબતે શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલને પુછતા તેમણે જણાવ્યુ કે મહાકાલેશ્વર મુક્તિધામ સ્મશાન ગૃહ કાયદેસર રીતે રજીસ્ટર કરાવ્યુ નથી. અમે કચરાની ડમ્પિંગ સાઈટ બંધ કરવા સુચના આપી છે. ટુંક સમયમાં કચરો સાફ થઈ જશે. હેમન્તભાઈ શુકલએ કોઈપણ ગ્રાન્ટમાંથી વરંડો બનાવવા હૈયા ધારણા આપી છે. મહાકાલેશ્વર મુક્તિધામનો જો ઈત્તરકોમની ૧પ કોમોના એકએક પ્રતિનિધી મળી ટ્રસ્ટ બનાવી રજીસ્ટ્રેશન કરાવે તો સરકારની સીધી ગ્રાન્ટ મળે. કબ્રસ્તાનો તમામ રજીસ્ટર્ડ થયેલા છે. સ્મશાનગૃહોમાં રૂપેણ મુક્તિધામ અને ચૌધરી સમાજનું હરી હરેશ્વર ટ્રસ્ટ સંચાલિત વૃદાંવન મુક્તિધામ પણ રજીસ્ટર્ડ છે જેથી સીધી ગ્રાન્ટો મળે છે. આ બે મુક્તિધામો સિવાયના એક પણ સ્મશાન ગૃહો રજીસ્ટર્ડ થયા નથી જેથી પાલિકા ગ્રાન્ટ ફાળવતી નથી. ગ્રાન્ટ ન ફાળવાય તે કાયદાકીય વસ્તુ છે પરંતુ કચરો દુર ન કરાય, પાણીની સગવડન કરાય તેવુ પાલિકાના બંધારણમાં કયાંય લખ્યુ નથી. પાલિકા તંત્રની નફ્ફટાઈના કારણે હિંદુ ધર્મમાં પવિત્ર કહેવાતા સ્મશાન ગૃહોના ઝાડી ઝાંખરા પણ દુર કરવામા આવતા નથી. જે ખરેખર વ્યાજબી નથી.
ખેરાલુ શહેરમાં તમામ ધાર્મિક મંદિરો જેતે જ્ઞાતિઓના કબ્જામાં છે ત્યારે તમામ જ્ઞાતિનુ કહી શકાય તેવુ માત્ર એક જ સાંઈબાબા મંદિર છે. આ મંદિરનું સંચાલન શ્રી શિરડી સાંઈબાબા સેવા સંસ્થાન ટ્રસ્ટ ચલાવે છે. જેથી ખેરાલુ શહેરના ઈત્તર કોમોના તમામ સ્મશાનગૃહો સાંઈબાબા ટ્રસ્ટના નેજા નીચે લાવવામાં આવે તો સમગ્ર ખેરાલુ શહેરના તમામ સ્મશાન ગૃહોનો વિકાસ થઈ શકે. શ્રી શિરડી સાંઈબાબા સેવા સંસ્થાન ટ્રસ્ટને સાર્વજનિક ટ્રસ્ટ બનાવવુ પડે. તો જ તમામ સ્મશાન ગૃહો એક જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થઈ શકે તેવુ ભાજપ અગ્રણી હર્ષદભાઈ જનસારી જણાવે છે. આ વિચાર ખુબજ સારો છે પરંતુ શહેરના તમામ સ્મશાન ગૃહોના સંચાલકો અને સાંઈ મંદિરના ટ્રસ્ટીઓની એક મિટીંગ થાય તો તમામ સ્મશાનનો અભુતપુર્વ વિકાસ થઈ શકે.