વૃક્ષારોપણ માટે લોકોમાં જાગૃતિ આવી
હરિહર સોસાયટીમાં વૃક્ષારોપણ માટે મીટીંગ મળી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉનાળાની ધોમધખતી ગરમી શરૂ થાય ત્યારેજ વૃક્ષોની સાચી કિંમત લોકોને સમજાય છે. લોકોમાં હવે થોડી ઘણી વૃક્ષારોપણ માટેની જાગૃતિ આવી છે. વિસનગરમાં હરિહર સોસાયટીમાં વૃક્ષારોપણ માટે મીટીંગ મળી હતી. જેમાં સોસાયટીના સભ્યો હાજર રહી વૃક્ષારોપણ માટે ઉત્સાહ દાખવ્યો હતો.
ગ્લોબલ વોર્મીંગની કુદરતી આપત્તી સામે રક્ષણ મેળવવા વૃક્ષોજ એકમાત્ર ઉપાય છે. વૃક્ષારોપણ અને ઉછેર માટે જાગૃતિ જરૂરી છે. જે જાગૃતિ લોકોમાં થોડી ઘણી જોવા મળી રહી છે. વિસનગરમાં એમ.એન. કોલેજ રોડ ઉપર નવદુર્ગા ભાજીપાઉ સામે આવેલ હરિહર સોસાયટીના સભ્યો દ્વારા તા.૩-૪-૨૦૧૮ ને મંગળવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ માટે મીટીંગ મળી હતી. ૨૮ બંગલાની આ નાની સોસાયટીમાંથી વૃક્ષારોપણ માટેની મીટીંગમાં મોટાભાગના સભ્યોએ હાજરી આપી હતી. જે મીટીંગમાં સોસાયટીમાં નડતરરૂપ ન બને તેવી જગ્યાએ વૃક્ષો વાવવા માટે ચર્ચા કરાઈ હતી. વૃક્ષારોપણ માટે સોસાયટીના સભ્યોનો ઉત્સાહ જોતા શરૂઆતમાં ૧૦ થી ૧૫ વૃક્ષના રોપા વાવી ઉછેરવા માટે નિર્ણય કરાયો હતો. જ્યારે સોસાયટીની બહેનોએ વૃક્ષના રોપાઓને નિયમિત પાણી પીવડાવી ઉછેરવાની જવાબદારી લીધી હતી. વિસનગર શહેરની અન્ય સોસાયટીના સભ્યો પણ જો આવી રીતે વૃક્ષો ઉછેરવા જાગૃત થાય તો વિસનગરને હરિયાળુ બનતા કોણ રોકી શકે?
↧
વૃક્ષારોપણ માટે લોકોમાં જાગૃતિ આવી હરિહર સોસાયટીમાં વૃક્ષારોપણ માટે મીટીંગ મળી
↧