Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ઉચ્ચ અધિકારીઓ નવા પોલીસ સ્ટેશન માટે કેમ વિચારતી નથી? વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનુ લોકઅપ તોડી આરોપી ફરાર

$
0
0

ઉચ્ચ અધિકારીઓ નવા પોલીસ સ્ટેશન માટે કેમ વિચારતી નથી?
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનુ લોકઅપ તોડી આરોપી ફરાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉદાસીનતાથી વિસનગર તાલુકાનુ ખખડધજ પોલીસ સ્ટેશન રીઢા ગુનેગારોને લોકઅપ તોડી નાસી જવા માટે અનુકુળતાવાળુ બની ગયુ છે. અગાઉ એક સાથે ચાર આરોપીઓ લોકઅપમાંથી નાસી છુટવા છતા ઉચ્ચ અધિકારીઓ કોઈ બોધપાઠ નહી લેતા વધુ એક આરોપી લોકઅપનુ પતરૂ ઉંચુ કરી નાસી જતા તાલુકા પોલીસની આબરૂનુ ચીરહરણ થયુ છે. નવુ પોલીસ સ્ટેશન બનાવવામાં આવતુ નથી અને ખખડધજ પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ નાસી જાય તો જવાબદારી કોની તેવી પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ રહી છે.
પોલીસ કર્મચારીઓમાં નારાજગી ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રીયતા અને સજા ભોગવવાની નાના કર્મચારીઓને?
ઉંઝા પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂ પકડાતા આ કેસની વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ.તારાબા બહાદુરસિંહ વાળાને તપાસ સોપવામાં આવી હતી. આ કેસના આરોપી રાજસ્થાનના રાજસમંદ જીલ્લાનો ટાટોલ તાલુકાના માલકા ગુડા ગામનો વિક્રમસિંગ નિર્ભયસિંગ કિતાવતને પુછપરછ માટે વિસનગર લાવવામાં આવ્યો હતો. જેની પુછપરછ કરી લોકઅપમાં મુકવામાં આવ્યો હતો. નવા પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ની ટેબલની સામેજ લોકઅપ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વર્ષો જૂનુ હોઈ પી.એસ.ઓ.ટેબલથી લગભગ ૫૦ મીટર દૂર ખખડધજ લોકઅપ આવેલુ છે. જેથી લોકઅપમાં મુકવામાં આવેલા આરોપી ઉપર કોઈ નજર રહેતી નથી. બપોરના સમયે પોલીસ સ્ટેશન સુમસામ બની જાય છે. વિદેશી દારૂના ગુનાના આ આરોપીને જમવા આપવા માટે પી.એસ.ઓ. જતા આરોપી લોકઅપમાં જણાયો નહોતો. તપાસ કરતા લોકઅપના છતનુ પતરૂ ઉંચુ કરી આરોપી ભાગી ગયો હતો. ફરજ પરના વુમન હેડ કોન્સ્ટેબલ શીલ્પાબેન દલજીભાઈએ આ બાબતની જાણ ઈન્ચાર્જ પી.આઈ. ટી.બી.વાળાને કરી હતી. ઈન્ચાર્જ પી.આઈ.નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઈવમાં પેટ્રોલીંગ કરતા હતા. ત્યારે પોલીસ સ્ટેશનનુ લોકઅપ તોડી આરોપી નાસી જતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. આરોપીની ભારે શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહોતી. આ બનાવમાં ઈન્ચાર્જ પી.આઈ.ની ફરિયાદ આધારે પોલીસે વિક્રમસિંગ નિર્ભયસિંગ કિનાવત વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
નોધપાત્ર બાબત છેકે ગાયકવાડ સમયનુ આ પોલીસ સ્ટેશન ખુબજ ખરાબ હાલતમાં છે. નળીયાવાળી છત અને લોખંડની પાતળી એંગલોવાળા લોકઅપમાં રીઢા ગુનેગાર રાખવા જોખમ ભરેલુ છે. તેમ છતાં નવા પોલીસ સ્ટેશનના અભાવે આરોપીઓને ખખડધજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં મુકવા પડે છે. અગાઉ એક સાથે ચાર આરોપીઓ લોખંડની એંગલ તોડી લોકઅપમાંથી નાસી જતા જે તે વખતના અધિકારીને સહન કરવુ પડ્યુ હતુ. પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશનનુ નવીનીકરણ કરતા નહી હોવાથી આવી પરિસ્થિતિમાં ફરજ પરના કર્મચારીઓને સહન કરવાનો સમય આવે છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આરોપી નાસી જાય તો ખરેખર જવાબદાર કોણ તેવી અત્યારે પોલીસ વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles