ફોજદારી ફરીયાદ ફરીથી સહારો મેળવી
સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા ગ્રહણ કરી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ પાસે સરખા ઉમેદવારો હતા છતા સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ વિનુસિંહ ચૌહાણે ગત અઠવાડીયે પ્રચાર સાપ્તાહિકમાં દાવો કર્યો હતો કે સતા ભાજપને મળશે જે અત્યારે સાચુ સાબિત થયુ છે. સતલાસણા તાલુકા પંચાયતમાં ૧૬ પૈકી ૮ સીટો કોંગ્રેસને મળી હતી. ૭ સીટો ભાજપ પાસે હતી તેમજ એક સીટ અપક્ષે ભાજપના ટેકાથી જીતી હતી. જેથી ભાજપ-કોંગ્રેસનું પલ્લુ સરખુ થયુ હતુ. જો ટાઈ પડેતો ચિઠ્ઠી ઉછાળવી પડે તેમ હતુ પરંતુ ગત તાલુકા પંચાયતના પ્રમુખની ચુંટણીની જેમ આ વખતે પણ ઉંમરી સીટના કોંગ્રેસના ડેલીેગેટ વસંતકુમાર વાડીલાલ જોષી વિરૂધ્ધ અચાનક ફરીયાદ દાખલ થતા તેમની ચુંટણીના દિવસે ધરપકડ થતા ભાજપ સાત વિરૂધ્ધ આઠ મતે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે જીત મેળવી છે.
સતલાસણા તાલુકામાં વર્ષોથી પરંપરા રહી છે કે સીધી રીતે કોઈ એ સત્તા મેળવી જ નથી. અને સરળતાથી સત્તા મળી હોય તો બળવા પણ થયા જ છે. દર વખતે તાલુકા-જિલ્લા પંચાયતની ચુંટણીમાં યુધ્ધ જેવો માહોલ ઉભો થાય છે. પરંતુ આ બધામાં સારી બાબત એ છે કે ક્ષત્રિયો ચુંટણી યુધ્ધની જેમ લડે છે પરંતુ કયારેય કોઈ સામાન્ય મારા મારી કે છમકલા પણ થતા નથી. બન્ને પક્ષે સંયમથી સાચી રાજનિતીની જેમ ચુંટણી લડાય છે.
• ભાજપે મોકલેલા મેન્ડેટમાં ફેરફાર કરતા સતલાસણા તાલુકામાં હોબાળો
• ભાજપના સાત ડેલીગેટોમાં પાંચને હોદ્દા પછી હોબાળાની ચર્ચા જ ખોટી રીતે કોંગ્રેસે શરૂ કરી છે-વિનુસિંહ ચૌહાણ પ્રમુખ તા.ભાજપ
સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રમુખપદની ચુંટણીમાં મેન્ડેટ બદલાઈ જતા આખા સતલાસણા તાલુકામાં સોશિયલ મિડીયામાં મેન્ડેટનો ફોટો વાયરલ થતા ભારે હોબાળો થયો હતો. આ બાબતે સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે અમે મોવડી મંડળ જોડે ચર્ચા કરીને સ્થાનિક લેવલે ફેરફાર કર્યા છે. ભાજપના સાત ડેલીગેટોમાં કોઈ હોબાળો નથી જે હોબાળો થઈ રહ્યો છે તે કોંગ્રેસે ઉભો કરેલો તાયફો છે. ભાજપમાં સાત ડેલીગેટ ચુંટાયા છે. જેમાંથી પાંચને હોદ્દા આપ્યા છે. બાકીના બે જણાને આવતી ટર્મમાં સમાવેશ કરી દઈશું.
મેન્ડેટ આવ્યુ જેમાં પ્રમુખપદે પરમાર લક્ષ્મીકુંવરબા વિરેન્દ્રસિંહ, ઉપપ્રમુખપદે ચૌહાણ ભારતીબા કિસ્મતસિંહ કારોબારી ચેરમેનપદે ઠાકોર મીનાબેન નરેન્દ્રજી, પક્ષના નેતા તરીકે ઠાકોર ગાંડાજી નવાજી અને દંડક તરીકે પટેલ અરવિંદભાઈ સોમાભાઈનું મેન્ડેટ (વ્હીપ) અપાયુ હતુ. આ વ્હીપમાં કારોબારી ચેરમેન અને દંડકનું નામ ચેકીને ઉલટ સુલટ કર્યુ હતુ. જેમા કારોબારી ચેરમેન તરીકે અરવિંદભાઈ પટેલની જગ્યાએ ઠાકોર મીનાબેન લખ્યુ હતુ. તેમજ દંડક તરીકે ઠાકોર મીનાબેનની જગ્યાએ પટેલ અરવિંદભાઈ લખ્યુ હતુ.
ઉપરોક્ત બાબતે સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે સતલાસણા તાલુકાના ત્રણ મુખ્ય સમાજોનો સમાવેશ ત્રણ મુખ્ય હોદ્દાઓમાં કરાયો છે. જેમા પરમાાર, ચૌહાણ અને ઠાકોર સમાજને સમાન હોદ્દાવાળા પદ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનપદનું પદ અપાયુ છે. આગામી અઢી વર્ષ પછી બાકી રહી ગયેલા ભાલુસણા સીટના વિલાસબા કિશોરસિંહ ચૌહાણ તથા ધરોઈ સીટના જમનાબેન વિક્રમજી ઠાકોરને પણ સાચવી લેવામા આવશે.
સતલાસણા તાલુકામાં ભાજપને ફોજદારી ફરીયાદોનો સીધો ફાયદો થાય છે. ઉંમરી સીટના વસંતકુમાર વાડીલાલ જોષી ઉપર પ્રમુખની ચુંટણીના આગળના દિવસે ૧૬-૩-ર૦ર૧ના રોજ બપોરે બે વાગે દુધ ડેરીના મંત્રી પદની બાબતે ફરીયાદ દાખલ થઈ ૧૭-૩-ર૦ર૧ના દિવસે પ્રમુખ પદની ચુંટણીમાં મત આપવા આવ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી લેતા મત આપી શક્યા નહોતા જેથી ભાજપની એક મતે જીત થઈ હતી. ગત પ્રમુખપદની ચુંટણીમાં પણ આજ રીતે હિતેશભાઈ માનસંગભાઈ ચૌધરીની ડેલીગેટની ધરપકડ થઈ હતી અને ભાજપને સત્તા મળી હતી.
↧
ફોજદારી ફરીયાદ ફરીથી સહારો મેળવી સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા ગ્રહણ કરી
↧