પાલિકામાં નાના સમાજોને હળહળતા અન્યાયનો વિવાદ સમતો નથી
ઈતર સમાજને મહત્વ આપવા ૧૬ સભ્યોની ધારાસભ્યને રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દામાં ઈતર સમાજને અન્યાય કરવામાં આવતા ધારાસભ્ય ઋષિભાઈ પ્રત્યે નાના સમાજોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. અન્યાય સહન ન થતા ઈતર સમાજના સભ્યોમાં પણ ભૂગર્ભ હિલચાલ જોવા મળી રહી છે. પાલિકામાં ચુંટાયેલા ઈતર સમાજના ૧૬ સભ્યો એક થઈ પાલિકામાં મહત્વ આપવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યએ બાકીની મહત્વની કમિટીઓમાં ઈતર સમાજને સ્થાન આપવા આશ્વાસન આપ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
પાલિકાની ચુંટણીમાં ધારાસભ્ય દ્વારા ઈતર સમાજના ૧૯ ઉમેદવારોને તક આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૨ માં ત્રણ ઉમેદવાર બાદ કરતા ૧૬ ચુંટાયા હતા. ધારાસભ્ય દ્વારા ટીકીટ ફાળવણીમાં ઈતર સમાજને મહત્વ આપવામાં આવતા પ્રમુખ અને ઉપપ્રમુખના મહત્વના હોદ્દામાં ઈતર સમાજને સ્થાન આપવામાં આવશે તેવી દરેકને આશા હતી. પરંતુ પ્રમુખ, ઉપપ્રમુખના બન્ને હોદ્દા ઉપર પાટીદાર સમાજની પસંદગી કરવામાં આવતા નાના સમાજોનો ધારાસભ્ય ઋષિભાઈ વિરુધ્ધ ભારે કચવાટ અનુભવાયો હતો. જોકે પાટીદાર મહિલાને પ્રમુખ બનાવવા અદના એક આગેવાન તેમજ સંગઠનના કેટલાક અદના હોદ્દેદારોએ પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી પાટીદાર મહિલાને પ્રમુખ બનાવવા મહત્વનો ભાગ ભજવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જેઓ પ્રમુખ, ઉપપ્રમુખના વિવાદના ભર્યા તળાવમાંથી કોરા નિકળી અત્યારે ઈતર સમાજની હિતની વાતો કરી રહ્યા છે. પાટીદાર મહિલા પ્રમુખ બનશે તો ધારાસભ્યની ઈમેજ ઈતર સમાજમાં માઈનસ થશે તે આ જૂથ જાણતુ હતુ. જે જૂથ દરેક રીતે સફળ થયુ છે.
પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટી જેવા મહત્વના હોદ્દામાં ઈતર સમાજના સભ્યોને અન્યાય થતા ઈતર સમાજના સભ્યોમાં નારાજગીને લઈ પૂર્વ કોર્પોરેટર નાગજીભાઈ રબારીની આગેવાનીમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેમાં ઈતર સમાજના તમામ ૧૬ સભ્યોએ હાજરી આપી હતી. ધારાસભ્યના નિવાસ્થાને યોજાયેલ મીટીંગમાં ઈતર સમાજના સભ્યોએ થયેલા અન્યાયની ખુલ્લા મને ચર્ચા કરી હતી. જેમાં ધારાસભ્યએ છેલ્લી ઘડીએ કેવી મજબુરીની પરિસ્થિતિ સર્જાઈ હતી તેની લાગણી વ્યક્ત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. વિસનગરમાં ધારાસભ્યની રાજકીય ઈમેજ ઓછી કરવા માટે એક કદાવર નેતાના ઈશારે આખુ ષડયંત્ર રચાયુ હોવાનો ઈશારો ઈતર સમાજના સભ્યોને સમજાયો હતો. મહત્વના ત્રણ હોદ્દાઓમાતો અન્યાય થયો છે ત્યારે બાકીની મહત્વની કમિટીઓમાં ઈતર સમાજને ન્યાય આપવાની રજુઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા આશ્વાસન આપવામા આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે પ્રમુખ અને ઉપપ્રમુખના વિવાદમાં કમિટીઓની વહેચણીનો પ્રશ્ન પણ પેચીદો બન્યો છે. કમિટીઓની વહેચણીમાં પણ પ્રદેશ સંગઠનનો હસ્તક્ષેપ થાય તેવુ ચર્ચાય છે. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઈતર સમાજને કેટલુ મહત્વ આપી શકે છે તે સમય બતાવશે.