સિધ્ધેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ તથા નૂતન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે
નૂતન હોસ્પિટલમાં આઈ.સી.યુ.ઓન વ્હીલની સેવા કાર્યરત થશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પંથકના લોકોને સારામાં સારી આધુનિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અંતર્ગત નૂતન હોસ્પિટલ સતત પ્રયત્નશીલ છે. જે તબીબી સુવિધાઓમાં વધારો કરવા સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ કડા તથા રોટરી ચેરીટેબલ ટ્રસ્ટનો પણ સહયોગ મળી રહ્યો છે. આ ત્રણેય સંસ્થાઓના ઉપક્રમે રૂા.૪૦ લાખના ખર્ચે નૂતન હોસ્પિટલમાં આઈ.સી.યુ. ઓન વ્હીલની સેવા ઉપલબ્ધ થશે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અંતર્ગત નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પીટલમાં નિષ્ણાત તબીબો મારફતે અત્યાધુનિક સાધનો દ્વારા દર્દીઓને ખૂબ જ રાહતદરે ઉચ્ચકોટિની સારવાર આપવામાં આવી રહી છે.
નૂતન જનરલ હોસ્પિટલને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ ખરીદવા શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ, કડા, તા. વિસનગર તરફથી રૂ. ૧૪,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા ચૌદ લાખ પૂરા) તેમજ રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ વિસનગર તરફથી રૂા.૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ લાખ પૂરા) નું આર્થિક યોગદાન આપવા આવેલ છે જે ખુબજ સરાહનીય બાબત છે. આ તબક્કે નૂતન સર્વ વિધયાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ તેમજ ટ્રસ્ટી મંડળ વતી શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ, કડા તેમજ રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખશ્રી અને તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ સમગ્ર વિસનગર શહેર અને તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બની તાત્કાલિક સારવાર માટે દર્દીઓને સમયસર સપોર્ટિંગ સીસ્ટમ સાથે જરૂરી સ્થળે પહોચાડવા મદદરૂપ સાબીત થશે.
આ સંદર્ભે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ માટે બન્ને સંસ્થાઓ દ્વારા રૂા.૨૪ લાખનુ દાન આપવામાં આવ્યુ છે. જેમાં નૂતન હોસ્પિટલ રૂા.૧૬ લાખ ઉમેરી રૂા.૪૦ લાખના ખર્ચે વેન્ટીલેટર તથા અન્ય ઉપકરણો સાથેની એમ્બ્યુલન્સમાં વ્યવસ્થા ઉભી કરવાની છે. આ પ્રકારની ખાનગી એમ્બ્યુલન્સ સેવા માટે વિસનગરથી અમદાવાદ સુધીનો ચાર્જ રૂા.૨૦ થી ૨૫ હજાર જેટલો થાય છે. ત્યારે નૂતન હોસ્પિટલ દ્વારા રાહતદરે સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.