વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સાથે ૩૦ બેડ કાર્યરત
ધારાસભ્ય ઋષિભાઈએ કોરોના દર્દિઓની સારવાર માટે તંત્ર ધમધમાવ્યુ
પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે ખભેખભો મીલાવી કોરોના મહામારીમાં કાર્યરત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં વિસનગર શહેર અને તાલુકાના લોકોને સારવાર મળી રહે તેમજ પુરતી દવાઓ મળી રહે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સમગ્ર વહીવટી તંત્રને દોડતુ કર્યુ છે. ધારાસભ્યના પ્રયત્નોથી વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સાથેના ૩૦ બેડ કાર્યરત થઈ ગયા છે. જેમની સાથે પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ ખભેખભો મીલાવી કાર્યરત બન્યા છે. મહામારીમાં કોઈને મુશ્કેલી ન પડે તે માટે ધારાસભ્યના માર્ગદર્શનમાં શહેર અને તાલુકાની આખી ભાજપની ટીમ સંક્રમણની ચીંતા કર્યા વગર લોકસેવામાં લાગી છે.
આફતને અવસરમાં બદલી લોકસેવા કેવીરીતે કરી શકાય એ તો ભાજપના આગેવાનો પાસેથી શીખવાની જરૂર છે. કોરોના સંક્રમણના બીજા તબક્કામાં સારવારમાં ઓક્સીજન બેડની જરૂરીયાત ઉભી થતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે છેલ્લા એક અઠવાડીયાથી વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજનની સુવિધા માટે કમર કસી હતી. જેમના પ્રયત્નોથી આરોગ્ય વિભાગ દ્વારા સેન્ટ્રલ ઓક્સીજન લાઈન માટે તાત્કાલીક પાઈપલાઈન નાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દિઓની સારવાર માટે કોઈ સગવડ નહોતી. ત્યારે વિસનગરના દર્દિઓને સારવારમાં કોઈ મુશ્કેલી ઉભી થવી જોઈએ નહી તેવી એક લાગણીથી આખુ તંત્ર ધમધમતુ કર્યુ અને ઓક્સીજન સુવિધા સાથેના ૩૦ બેડ તૈયાર કર્યા. શુક્રવારના દિવસે વિઘ્નહર્તાને યાદ કરી ઓક્સીજન સીલીંડર ઉપર કુમ કુમ તિલક કરીને ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા.નેહાબેન શાહ, ર્ડા.ગાર્ગીબેન પટેલ, પાલિકા સભ્યો અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અત્યારે ૧૪ બેડની ઓક્સીજન લાઈન શરૂ કરી હતી. બાકીના બેડ ઉપર હાલ પૂરતુ સીલીંડરના ઓક્સીજન આધારે સારવાર આપવામાં આવશે. ઓક્સીજન સીલીંડરની પુરતી વ્યવસ્થા બાદ બાકીના બેડ ઉપર ઓક્સીજન લાઈનથી સારવાર આપવાની શરૂઆત કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં અન્ય કોઈ સુવિધા નથી, પૂરતો સ્ટાફ નથી તેમજ કોઈ મોટી ગ્રાન્ટ નથી તેમ છતાં આ મહામારીમાં લોકોને સારવાર મળી રહે તે માટે આખુ તંત્ર ધમધમતુ કરી દીધુ છે. હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન તથા દવાઓનો સ્ટોક પણ કરવામાં આવ્યો છે. ધારાસભ્યનો પરિવાર, તેમના ભાગીદાર જીતુભાઈ પટેલનો પરિવાર કોરોના સંક્રમીત. આવા સમયે કોઈપણ વ્યક્તિ પરિવારની સાથે રહી યોગ્ય સારવારમાં પ્રયત્નશીલ હોય છે. ત્યારે ધારાસભ્ય પરિવારને ટેલીફોન ઉપર સારવાર અપાવી રહ્યા છે જ્યારે વિસનગરના લોકોને મહામારીમાં સારવારમાં કોઈ કચાસ ન રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં સતત હાજરી આપી રહ્યા છે. ઓક્સીજનની તંગી છે ત્યારે મુશ્કેલી સામે બાથ ભીડી ઓક્સીજન સીલીંડર તેમજ ઓક્સીજન માટે સતત પ્રયત્નશીલ છે. લોકોની સુવિધા માટે સિવિલ હોસ્પિટલમાં મંડપ બનાવી વિવિધ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
નોધપાત્ર બાબત છેકે, ધારાસભ્યની સાથે ખભેખભો મીલાવી પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પણ હાલ સિવિલ હોસ્પિટલને નિવાસ્થાન બનાવી દીધુ છે. દર્દિઓની સારવારમાં જે વસ્તુની જરૂર પડે તેના માટે જાતે પણ દોડાદોડી કરે છે અને તેમની યુવા ભાજપની ટીમને પણ દોડાવે છે. પાલિકાના કેટલાક કોર્પોરેટરો પણ ખડેપગે સેવા આપી રહ્યા છે. કોરોના મહામારીમાં યોગ્ય સારવાર મળી રહે તે માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નેહાબેન શાહ, ર્ડા.ગાર્ગીબેન પટેલ, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફીસરો, નર્સીંગ સ્ટાફ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, પી.આઈ. એ.એમ.રાઠવા, રોગી કલ્યાણ સમિતિના ઈશ્વરભાઈ નેતા વિગેરે અધિકારીઓ સતત મીટીંગો કરી રહ્યા છે. આઈ.એમ.એ. વિસનગરના પ્રેસીડન્ટ ર્ડા.અરૂણભાઈ રાજપૂત, આકાશ આંખની હોસ્પિટલના ર્ડા.વિષ્ણુભાઈ પટેલ જરૂર પડે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી માર્ગદર્શન આપી રહ્યા છે.