પ્રદેશ ભાજપ દ્વારા ટીકીટની જાહેરાત બાદ
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સ્વસ્તીક ગૃપને મળવા ગયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં આર.કે. જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલનુ સ્વસ્તીક ગૃપ દરેક ક્ષેત્રે વગ અને તાકાત ધરાવતુ ગૃપ છે. રાજુભાઈ પટેલ ટીકીટના પ્રબળ દાવેદાર હતા ત્યારે ભાજપ દ્વારા ધારાસભ્ય ઋષિભાઈ પટેલને રીપીટ કરવામાં આવતા ટીકીટની જાહેરાત બાદ ધારાસભ્ય નીખાલસ ભાવે સ્વસ્તીક ગૃપને મળવા સામે પગલે ગયા હતા. જ્યારે સ્વસ્તીક ગૃપે પણ ખેલદીલી દાખવી ધારાસભ્યને આવકાર્યા હતા અને પેડા ખવડાવી મોં મીઠુ કરાવ્યુ હતુ. વિસનગરમાં આર.કે. જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલનુ સ્વસ્તીક ગૃપ એ રાજકીય, સામાજીક, ધાર્મિક ક્ષેત્રે આગવુ યોગદાન આપનાર તાકાત ધરાવતુ ગૃપ છે. આ સ્વસ્તીક ગૃપની મહેનત અને લગનથીજ સાર્વજનિક સ્મશાનગૃહ અધ્યતન બન્યુ. વિસનગર વિધાનસભા સીટમાં ભાજપમાંથી રાજુભાઈ પટેલને ટીકીટ મળે તે માટે સ્વસ્તીક ગૃપ દ્વારા એડી ચોટીનુ જોર લગાવવામાં આવ્યુ હતુ. રાજુભાઈ પટેલની ટીકીટ માટે આ ગૃપ દ્વારા એટલુ રાજકીય જોર લગાવવામાં આવ્યુ હતું કે, રાજુભાઈ પટેલનુ નામ લગભગ નિશ્ચીત હતુ. ફક્ત વિધિવત જાહેરાતની ઔપચારીકતા બાકી હતી. ત્યારે રાતોરાત સમીકરણ બદલાયુ અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલને રીપીટ કરાયા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની જાહેરાતથી લોકો અચંબામાં મુકાયા હતા. રાજુભાઈ પટેલની ટીકીટ કપાતા સ્વસ્તીક ગૃપ ભાજપથી નારાજ થાય તે બનવા જોગ હતુ. પરંતુ આ વખતે આ ગૃપની નારાજગી ધારાસભ્યને મુશ્કેલીમાં મુકી શકે તેમ હતી. ટીકીટ મળતાજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે દાવેદારી વખતની રજુઆતોના મન દુઃખ ભુલી સ્વસ્તીક ગૃપને મળવા દોડી ગયા હતા. કડા રોડ ઉપર આવેલ હેરીટેજ માર્કેટમાં મહેન્દ્રભાઈ પટેલ કમાણાની ઓફીસમાં સ્વસ્તિક ગૃપના સભ્યો ભેગા થયા હતા. જ્યા ફોર્મ ભરવા જતા પહેલા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પટેલની ઓફીસ પહોચી નીખાલસ ભાવે ટીકીટના પ્રબળ દાવેદાર રાજુભાઈ પટેલ અને સ્વસ્તીક ગૃપના સભ્યોને મળ્યા હતા. જ્યાં હાજર રાજુભાઈ પટેલ ઉપરાંત જશુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, કિર્તિભાઈ કલાનિકેતન, મહેન્દ્રભાઈ પટેલ વાલમ, કમલેશભાઈ પટેલ, નટુભાઈ પટેલ સદુથલા વિગેરેએ ખેલદીલી દાખવી ધારાસભ્યને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ધારાસભ્ય રાજુભાઈ પટેલ અને જશુભાઈ પટેલને ભેટી પડ્યા હતા. ત્યારે સ્વસ્તીક ગૃપ દ્વારા ધારાસભ્યને પેડા ખવડાવી ચુંટણીના મહાસંગ્રામમાં વિજય થવાની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સ્વસ્તીક ગૃપના સભ્યો ધારાસભ્યના નિવાસ્થાને પહોચતા ભાજપના આગેવાનોને એક સાથે જોઈ કાર્યકરોમાં ખુશીના માહોલ સાથે અનોખુ જોમ જોવા મળ્યુ હતુ.