૭૪ વર્ષથી ભોગવટો કરી કાચા મકાનો બનાવી રહેતા
વડનગરના જાસ્કામાં ગરીબ પશુપાલકનુ દબાણ હટાવવા ધમપછાડા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર તાલુકાના જાસ્કા ગામમાં ઠાકોર સમાજનો એક પશુપાલક પરિવાર છેલ્લા ૭૪ વર્ષથી સરકારી પડતરમાં કાચા મકાનો બનાવી રહે છે. જેનો કોર્ટમાં વિવાદ ચાલે છે તેમ છતાં વડનગર મામલતદાર અને પ્રાન્ત અધિકારી કાચા મકાનો તોડી પાડી દબાણ હટાવવા ધમપછાડા કરી રહ્યા છે. ઠાકોર સમાજના હિતરક્ષક ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને ક્ષત્રીય સેના કેમ ચુપ છે. તંત્રના અધિકારીઓની ધાકધમકીથી હારી છેવટે આ પરિવારને આત્મ વિલોપનની ચીમકી આપવાની ફરજ પડી છે.
નબળો ધણી બૈરા ઉપર શુરો, તેમ અત્યારે વડનગરના અધિકારીઓને ઠાકોર સમાજના એક ગરીબ પરિવારના કાચા મકાનો અને પશુઓ માટે બાંધવામાં આવેલા ઢાળીયાનુ દબાણ હટાવવા શૂરાતન ચડ્યુ છે. પૈસા પાત્ર અને વગદારોના સરકારી દબાણો હટાવવામાં તંત્રના અધિકારીઓ પુંછડી દબાવી દે છે. જાસ્કા ગામના ઠાકોર બાબુજી બેચરજી તથા ઠાકોર મુકેશજી ઈશ્વરજી રે.સ.નં.૭૩૩ વાળી જમીન ઉપર છેલ્લા ૭૪ વર્ષથી કબજો ધરાવે છે. જેમનુ આ સર્વે નંબરના પાણી પત્રકમાં પણ નામ ચાલે છે. જાહેરનામા વખતે આ જમીનની માગણી કરી હતી. તેમ છતાં અન્યને જમીન ફાળવવા ઓર્ડર કરતા આ જમીનનો વિવાદ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આમ તો કોર્ટ કેસનો વિવાદ હોય એટલે મોટાભાગના અધિકારીઓ કોર્ટના નિર્ણયની રાહ જોતા હોય છે. ત્યારે કોર્ટમાં વિવાદ ચાલતો હોવા છતા વડનગર મામલતદારે જમીનનો કબજો લેવા પ્રોસીડીંગ ચાલુ કરેલ અને કબજો ધરાવનારને સાંભળ્યા વગર ખાલી કરવા હુકમ કર્યો છે. જે હુકમ સામે પ્રાન્તમાં અને ત્યારબાદ કલેક્ટરમાં અપીલ કરવામાં આવી છે. તેમ છતાં અરજદારની મુખ્યમંત્રીને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ વડનગર મામલતદાર, પ્રાન્ત અધિકારી અને પોલીસ અધિકારી વિવાદીત જગ્યામાં આવી ખાલી કરવા ધમકીઓ આપી રહ્યા છે.
આ જમીન ઉપર ૭૪ વર્ષથી ભોગવટો છે. ૪૦ સભ્યોનુ કુટુંબ ચાર કાચા મકાનોમાં રહે છે. ૫૦ ઢોર આ જગ્યામાં બાંધ્યા છે તેમજ આ પરિવાર ખેતી કરે છે. તેમ છતાં ગમે તે કારણસર જમીન ખાલી કરવા માટે વડનગરના અધિકારીઓને ગરીબ પરિવાર ઉપર શૂરાતન ચડ્યુ છે. નવાઈની વાતતો એ છેકે આ ગરીબ ખેડૂત તેમજ પશુપાલકોના ઘરે લગ્નપ્રસંગ હતો ત્યારે અધિકારીઓ આવી દબાણ કરી કબજો ખાલી કરવાનુ લખાણ લખાવી દીધુ હતુ. આ જમીન વિવાદમાં હાઈકોર્ટમાં પણ ધા નાખવામાં આવ્યો છે. મોટાભાગના ગામડામાં અત્યારે સરકારી તથા ગૌચરમાં દબાણો થયા છે. તે દબાણો દેખાતા નથી ત્યારે વડનગરનુ આખુ તંત્ર આ ગરીબનુ દબાણ હટાવવા ધમપછાડા કરી રહ્યુ છે. વિધાનસભાની ચુંટણી પહેલા ઠાકોર સમાજના હિતરક્ષક તરીકે અલ્પેશજી ઠાકોર અને ક્ષત્રીય સેના અસ્તિત્વમાં આવી હતી. જાસ્કાના ઠાકોર સમાજના આ પરિવાર ઉપર તંત્ર દાદાગીરી કરી રહ્યુ છે. ત્યારે ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર તથા ક્ષત્રીય સેના આ પરિવારના મદદે આવશે ખરા?
↧
૭૪ વર્ષથી ભોગવટો કરી કાચા મકાનો બનાવી રહેતા વડનગરના જાસ્કામાં ગરીબ પશુપાલકનુ દબાણ હટાવવા ધમપછાડા
↧