ચૌધરી સમાજે જન આશીર્વાદ યાત્રાનુ ભવ્ય સ્વાગત કર્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાલડી ગામના સમાજસેવી ચૌધરી કાનજીભાઈ નરસિંહભાઈ એ જણાવ્યુ કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નદૃષ્ટા-ભારતના યશસ્વી પ્રધાનસેવક નરેન્દ્રભાઈને સંસદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવીન વરણી કરેલ મંત્રીઓની ઓળખ વિપક્ષોએ હોબાળો કરી કરવા ન લીધી. ત્યારે મોદીજીએ નિર્ણય લીધો કે મંત્રીઓ દેશભરમાં જન આશીર્વાદ યાત્રા દ્વારા જનતાના આશીર્વાદ મેળવે. આવી યાત્રા ૧૯ ઓગસ્ટે ૧૨૫૩ ગામના આંજણા પરિવારોનુ આસ્થા શ્રધ્ધાનુ કેન્દ્ર અર્બુદા ધામના આંગણે કેન્દ્રીય પશુપાલન-ડેરી મંત્રી પરસોત્તમ ૃરપાલ લઈને આવ્યા હતા. રૂપાલાજીનુ શરણાઈના મધુર સુરમાં સમાજના મોભીઓએ ભવ્ય સ્વાગત કર્યુ. રૂપાલાજી સ્વયમ ચાલી ધામના મહંત જાખડ ઋષિ મહારાજની કુટીરે આશીર્વાદ લેવા ગયા હતા. મહંત જાખડ ઋષિ મહારાજનું મૌન વ્રત હોવાથી ઋષિએ લેખીતમાં આશીર્વાદ આપ્યા હતા. આ જોઈ રૂપાલાજી ભાવવિભોર બની કહેવા લાગ્યા કે મારા જીવનમાં સૌપ્રથમ કોઈ બાપજીએ લેખીતમાં પાકો દસ્તાવેજ કરી આશીર્વાદ આપ્યો હોય તો તે બાપુ જાખડ ઋષિ મહંત છે. રૂપાલાજી ત્યાંથી મા અર્બુદાના આશીર્વાદ લેવા ગયા હતા. મંદિરેથી સભામાં આવ્યા ત્યારે આંજણા સમાજ તેમનું સ્વાગત કરવા થનગની રહ્યો હતો. રૂપાલાજી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ, અણી શુધ્ધિ પ્રમાણિક કર્મઠ નિષ્ઠાવાન લોકપ્રિય ધારાસભ્ય ઋષિકેશભાઈનું સ્વાગત આંજણાની ઓળખ રૂપી પાગડી પહેરાવી કરવામાં આવ્યુ હતુ. સાથે ત્રણે મહાનુભાવોને શુરવીરોનુ આભુષણ તલવાર ભેટ કરવામાં આવી હતી. આંજણા સમાજના દાનવીર અર્બુદા ધામના પ્રમુખ નરસિંહભાઈએ મોમેટો આપી મહેમાનોનુ સ્વાગત કર્યુ હતુ. ત્યાર પછી સમાજના વડીલો, સરપંચો, સામાજીક સહકારી આગેવાનો, ધરતી પુત્રોએ શાલ-ફુલહારથી સ્વાગત કર્યુ હતુ. આંજણા સમાજનો પ્રેમ જોઈ રૂપાલાજી ભાવ વિભોર બની ગયા હતા. જીવનમાં સદા આ સ્વાગત યાદ રહેશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો. સમયના અભાવે રૂપાલાજીએ ટૂંકુ પ્રવચનમાં જણાવ્યુ કે હું પણ તમારા જેવો ખેડૂતને પશુપાલક પુત્ર છુ. હું ધરતીપુત્રોને પશુપાલકોને પડતી મુશ્કેલીઓ સમજુ છું. મોદીજીએ મને પશુપાલન ડેરીની જવાબદારી સોપી છે તેમાં ખરો ઉતરવા માટે હું વધુમાં વધુ પ્રયત્નો કરીશ. અત્યારના સમયે તમારા માથે શુ વિતે છે તે હું જાણુ ને સમજુ છું. મારાથી બનતા બધાજ પ્રયત્નોથી મુશ્કેલીઓ દુર થાય તેમ કરીશ. ખેડૂતને ૦% ની કે.સી.સી.લોન મળે છે તેવી લોન પશુપાલકોને મળે તેવો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. પશુપાલકોને નુકશાન ન જાય, તેને ધ્યાને રાખી ૧૫૦ કરોડની સહાય યોજના આગળ વધારી છે. દુધ પાવડરની નિકાસ પર રૂા.૫૦ ની સબસીડી આપવામાં આવી છે. તેમજ આગળ ટેકાના ભાવ ૧૮૦ હતા તે વધારી રૂા.૨૦૦ નો ભાવ કરવામાં આવ્યો છે. ડેરી સંઘોને વધુમાં વધુ સરકારી સહાય આપવામાં આવશે. આવા સંવેદનશીલ નિર્ણયોથી આપણા પશુપાલક ભાઈ બહેનો જે ગુજરાતમાં ૩૬ લાખથી વધુ છે તેમને સીધો લાભ થશે. ખેડૂતો માટે, કોરોના સમયે કરેલી કાર્યવાહીની રૂપરેખા રૂપાલાજીએ આપી હતી.
રૂપાલાની શાનદાર વિદાય આપવા સારુ દેલા ગામથી માનવ આશ્રમ ચોકડી સુધી ૧૦૦ થી વધુ ટ્રેક્ટરોની સાંકળ બનાવી ટ્રેક્ટરોની રેલી રૂપે મહેસાણા મોકલ્યા હતા.