જન આશિર્વાદ યાત્રાઓ કાઢવામાં આવે છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને વધુ તબીબી સેવાઓ મળે તેવા આશિર્વાદ ક્યારે?
વિસનગર સિવિલના વિકાસમાં સફળતાના પાંચ વર્ષ ઉજવતી સરકાર નિષ્ફળ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સિવિલ હોસ્પિટલ અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ છે. ત્યારે એ ચોક્કસ પણે કહી શકાય કે સફળતાના પાંચ વર્ષ ઉજવતી ભાજપ સરકાર વિસનગર સિવિલ હોસ્પિટલના વિકાસમાં સદંત્તર નિષ્ફળ ગઈ છે. સરકાર દ્વારા જન આશિર્વાદ યાત્રાઓ કાઢવામાં આવે છે. પરંતુ ગરીબ મધ્યમ વર્ગ તેમજ બક્ષીપંચ સમાજને વધુ તબીબી સેવાઓ મળે તેવી આશિર્વાદ રૂપી ગ્રાન્ટ ફાળવવામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કેમ ખચકાટ અનુભવી રહ્યા છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ હોસ્પિટલના ઓપીડી બીલ્ડીંગમાં ગ્રાન્ટ મંજુર કરાવવામાં નિષ્ફળ ગયા છે. એક હથ્થુ અને એકધારી સત્તાનો નશો ઉતારી, તેમજ રાજકીય દ્વેષભાવ એકબાજુ ધકેલી સિવિલ હોસ્પિટલનો વિકાસ થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી જન્મ સ્થળ સિવિલ હોસ્પિટલ પ્રત્યેનુ ઋણ ચુકવવાની લાગણી વ્યક્ત કરે છે, ત્યારે હોસ્પિટલના વિકાસ
માટે ગ્રાન્ટ ફાળવવા ખચકાટ કેમ?
વિસનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ રોજની ૫૦૦ ઉપરાંત્તની ઓ.પી.ડી. છે. સારવાર લેનાર મોટાભાગના લોકો ગરીબ, મધ્યમ વર્ગ તેમજ બક્ષીપંચ સમાજના લોકો છે. ત્યારે સિવિલ હોસ્પિટલનો વિકાસ કરવાની જગ્યાએ અત્યારે હોસ્પિટલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. સફળતાના પાંચ વર્ષ ઉજવતી ભાજપ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલના વિકાસ માટે દરકાર લેવામાં આવતી નથી. સિવિલ હોસ્પિટલને મૃતપાય બનાવી દર્દિઓ આવતા બંધ થઈ થાય તેવુ ષડયંત્ર ચાલતુ હોય તેમ હોસ્પિટલ પ્રત્યે રીતસરનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અત્યારે હોસ્પિટલ અલગ અલગ ચાર જગ્યાએ કાર્યરત છે. સ્ત્રી રોગ, ડેન્ટલ વિભાગ, મમતા રસીકરણ કેન્દ્ર, અધિક્ષકની કચેરી તેમજ વહીવટી કચેરી અલગ અલગ જગ્યાએ હોવાથી સારવાર માટે આવતી સગર્ભા માતાઓ તેમજ વૃધ્ધ દર્દિઓ હાડમારી ભોગવી રહ્યા છે. હોસ્પિટલનુ બાંધકામ વર્ષ ૧૯૫૨ માં કરવામાં આવ્યુ હતુ. હોસ્પિટલના વિવિધ ભાગ જર્જરીત હાલતમાં હોઈ રીપેરીંગ કરી શકાય તેમ નથી. રીપેરીંગ ખર્ચ પણ વધારે થાય તેમ છે. હોસ્પિટલનુ મકાન જર્જરીત હોઈ જીવના જોખમે દર્દિઓ સારવાર લઈ રહ્યા છે.
ચાર વર્ષ પહેલા હોસ્પિટલમાં નવીન ઓપીડી વિભાગના ગ્રાઉન્ડ ફ્લોરનુ બાંધકામ કરવામાં આવ્યુ હતુ. જેમાં બે માળની મંજુરી મળી હતી. પરંતુ સરકાર દ્વારા બીજા માળ માટે મંજુર કરવામાં આવેલી રૂા.૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. બીજો માળ બનાવવામાં આવે તો હોસ્પિટલની તમામ સેવાઓ એકજ બીલ્ડીંગમાં મળે અને દર્દિઓને સારવારમાં પણ તકલીફ પડે નહી. હોસ્પિટલમાં આઈ.સી.યુ., ઓર્થોપેડીક વોર્ડ, ઓપરેશન થીયેટર, પીડીયાટ્રીક વોર્ડ, નિયોનેટલ આઈ.સી.યુ. તેમજ આર.ટી.પી.સી.આર.લેબોરેટરી કાર્યરત કરવાની હોઈ નવીન ઓ.પી.ડી.બીલ્ડીંગનુ બીજા માળનુ બાંધકામ માટે ગ્રાન્ટ મંજુર કરવા થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ ઓક્સીજન પ્લાન્ટ અને પીંડારીયા તળાવના બ્યુટીફીકેશન લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સિવિલ હોસ્પિટલને પોતાનુ જન્મ સ્થળ હોવાનુ જણાવ્યુ હતુ અને હોસ્પિટલનુ ઋણ ચુકવવાની લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ ઓ.પી.ડી.બીલ્ડીંગના બીજા માળ માટે ગ્રાન્ટ મંજુર કરતા નથી તે પણ એક નગ્ન સત્ય છે. કોના લાભમાં સિવિલ હોસ્પિટલ પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે તે સમજાતુ નથી. ગરીબ, મધ્યમ વર્ગ અને બક્ષીપંચ સમાજ સિવિલ હોસ્પિટલની મફત તબીબી સારવાર લે તે કોને ગમતુ નથી?
• સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોના લાભમાં સિવિલ હોસ્પિટલ પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવે છે
• જે લોકો વધુમાં વધુ લાભ લે છે તે ગરીબ, મધ્યમ વર્ગ અને બક્ષીપંચ સમાજ સિવિલમાં આવતો બંધ થાય તેવુ ષડયંત્ર તો નથી ને?
• મોટા શહેરોમાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ પ્રાઈવેટ હોસ્પિટલો હોવા છતા સરકારી હોસ્પિટલોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તો વિસનગર સિવિલનો વિકાસ કેમ નહી-ઈશ્વરભાઈ નેતા
સિવિલ હોસ્પિટલની ભાજપ સરકાર દ્વારા સતત અવગણના થતી રહી છે. હોસ્પિટલમાં વર્ષોથી સ્ટાફની ઘટ પુરાતી નથી. હોસ્પિટલમાં કુલ ૧૨૨ બેડ મંજુર કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સરકાર દ્વારા વર્ગ ૧ થી ૪ માં ૧૦૧૭ મહેકમ મંજુર કરવામાં આવ્યુ છે. ત્યારે નિવાસી તબીબી અધિક્ષક, જનરલ સર્જન, ઓર્થોપેડીક સર્જન, પીડીયાટ્રીશીયન, રેડીયોલોજીસ્ટ જેવી વર્ગ-૧ થી ૬ સહીત વર્ગ-૩ અને ૪ ની ૪૦ જગ્યાઓ ભરવામાં આવતી નથી. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ વિસનગર તાલુકાના રોડ-રસ્તા માટે માર્ગમકાન વિભાગની કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના વિકાસ માટે નવા ઓપીડીના બીજા માળના બાંધકામ માટે રૂા.૩ કરોડની ગ્રાન્ટ ફાળવવા કેમ વિચારતા નથી? કયા કારણે ગ્રાન્ટ મંજુરીની ફાઈલમાં સહી કરતાં નથી? સિવિલ હોસ્પિટલનુ ઋણ ચુકવવા માગતા હોઈ અને સારવાર લેતી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાનુ સાચેજ હિત હોય તો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર રૂા.૩ કરોડની ગ્રાન્ટ મંજુર કરવી જોઈએ.
રોગી કલ્યાણ સમિતિના સભ્ય ઈશ્વરભાઈ નેતાએ જણાવ્યુ છેકે, કોઈપણ સંજોગોમાં પ્રજાના હિત માટે હોસ્પિટલની ભૌતિક સુવિધાઓ વધારવી જોઈએ. સુવિધાઓ ઉભી થાય તોજ નવા વિભાગ શરૂ થઈ શકશે. અત્યારે રોજના ૫૦૦ ઉપરાંત્તની ઓપીડી છે. પ્રસુતિ વિભાગમાં સીજીરીયન થતા નહોતા જે શરૂ થયા છે. મહિને ૩૦ થી ૪૦ ની પ્રસુતિ થાય છે. ૮ થી ૧૦ સીજીરીયન થાય છે. ગરીબોની બેલી તરીકે હોસ્પિટલ ચાલી રહી છે. મોટા શહેરોમાં અસંખ્ય હોસ્પિટલો છે. સુપર સ્પેશ્યાલીસ્ટ અને મલ્ટી સ્પેશ્યાલીસ્ટ કોર્પોરેટ હોસ્પિટલો આવેલી છે. તેમ છતાં મોટા શહેરોની સરકારી હોસ્પિટલોનો વિકાસ કરવામાં આવે છે. જ્યા તદ્દન મફત સારવાર મળે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવાની જગ્યાએ અવગણના કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં નવો રોડ તથા પી.એમ. રૂમ બનાવવા માગણી કરવામાં આવી છે તેની પણ મંજુરી આપવામાં આવતી નથી.