એપીએમસીની ચુંટણીના ગણત્રીના દિવસો પહેલા
ખેરાલુમાં ચેરમેન ભીખાલાલ ચાચરીયા વિરુધ્ધ આક્ષેપોની વણઝાર
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુની સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્વારા નવિન માર્કેટયાર્ડની જમીન ખરીદી તેમજ સરકારી સહાય પેટે મેળવેલી આર્થિક સહાયમાંથી વ્યાપક ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો થયા છે. જે બાબતે સાંસદ ભરતસિંહ ડાભીએ લેખીત ફરિયાદ કરી હતી. જેમાં યોગ્ય તપાસ નહી કરીને ચેરમેનને સરકારી તંત્ર દ્વારા છાવરવામાં આવ્યાનો આક્ષેપ પણ કરાયો છે.
ખેરાલુ માર્કેટયાર્ડ સમિતિની ચુંટણી યોજવા જાહેરનામું બહાર પાડતાજ રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયો છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા હિતરક્ષક સમિતિએ નવીન ગંજબજારના બાંધકામમાં ૩૦ કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતી અરજી કરી છે. ત્યારે ચેરમેન ભીખાલાલ ચાચરીયા જણાવે છેકે, નવીન એપીએમસીનું બાંધકામ જ ૨૫ થી ૨૭ કરોડનું થયુ છે તેમાં ૩૦ કરોડનો ભ્રષ્ટાચાર કેવી રીતે થયો?
ખેરાલુ માર્કેટયાર્ડ વર્ષોથી કોંગ્રેસ હસ્તક હતુ. ત્યારે ગંજબજારમાં લાઈટ, પાણી, રસ્તાનો અભાવ હતો જેથી કામધંધા ન હોવાથી ગંજબજાર મૃતપાય સ્થિતિમાં હતુ. જ્યારથી ભીખાલાલ ચાચરીયાએ સત્તા મેળવી ત્યારે જુના ગંજબજારમાં ૨૪ કલાક લાઈટ, પાણીનો બોર, રસ્તા, શૌચાલય જેવી સુવિધા ઉભી કરી હતી. ત્યારબાદ ખેડૂતોની માંગણીથી ખેરાલુ-વડનગર રોડ પર કરોડોની જમીન બક્ષીસ તરીકે આપી ભવ્ય નવિન માર્કેટયાર્ડ બનાવ્યુ. હવે જ્યારે નવિન ગંજબજારનું લોકાર્પણ કરાઈ દીધુ છે ત્યારે સત્તા મેળવવા આક્ષેપો થઈ રહ્યા છે તેવુ ભીખાલાલ ચાચરીયા જણાવે છે.
સાંસદ ભરતસિંહ ડાભીની આગેવાનીમાં ગંજબજાર હિતરક્ષક સમિતિએ નવિન માર્કેટયાર્ડના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સાથે ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકને અરજી કરાઈ છે. આગામી માર્કેટયાર્ડની ચુંટણી ટાણે થયેલી અરજીના અંશ જોઈએ તો માર્કેટયાર્ડ પાસેની પોતાની માલીકીની જમીનમાં કિસાન બજારના નામે બનાવી ગંજબજારમાં ખપાવી દીધી છે. સરકારની નવિન માર્કેટયાર્ડમાં કિસાન કલ્પવૃક્ષ સહાય યોજનામાં ૫૦ ટકા રકમ પૈકી પ્લોટ ખરીદનાર વેપારીને પરત આપ્યા નથી. માર્કેટયાર્ડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવા છતાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હોવાથી સ્થાનિક સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાનો પાટણ સાંસદે ગંભીર આક્ષેપ કર્યો છે. જાન્યુઆરી મહિનામાં ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકને અરજી કરી હતી પરંતુ ચેરમેનને લાભ થાય તેવા જવાબો રજુ કરી સરકારી તંત્રએ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન પૂરુ પાડ્યાનો આક્ષેપ કરાયો છે. આ બાબતે ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે, આ માત્ર રાજકીય કિન્નાખોરી રાખી આક્ષેપો થઈ રહ્યા છે. કરોડોની જમીન બક્ષીસ આપી છે. જેથી કૌભાંડોનો સવાલજ નથી. સરકાર ઉપર અમારો સંપુર્ણ ભરોસો છે. સબંધિત વિભાગના અધિકારીઓ તપાસ કરી સત્ય હકીકત બહાર લાવશે, સત્યને આક્ષેપો કરી વિચલીત કરી શકાય છે પણ હંમેશા સત્યનો વિજય થાય છે.