તંત્રી સ્થાનેથી
કોરોનાએ લોકોમાં ધાર્મિક આસ્થા વધારી છે
કોરોનાની બે લહેરોએ એવો કાળો કેર વર્તાવ્યો હતો કે લોકો આ રોગથી ડરી ગયા હતા. કોરોનામાં એવી સ્થિતિ હતી કે ચાર જ દિવસના રોગમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૧૫ થી ૨૦ દિવસના વેન્ટીલેટર ઉપર રહેનાર અનેક બચી ગયા એટલે લોકોને ભગવાનનો અહેસાસ થયો કે દૈવી શક્તિ જેવી કોઈ શક્તિ છે જે ધારે તો મારે છે અને ધારે તો બચાવે છે. કોરોનાની બીજી લહેર હળવી થયા બાદ દિવાળીની રજાઓમાં ધાર્મિક સ્થળો ઉપર લોકોનો ઘસારો વધી ગયો હતો. આ બતાવે છેકે લોકોને ધર્મ પ્રત્યે કેટલી આસ્થા છે. ધાર્મિક સ્થળો કોરોનાના કારણે સંપૂર્ણ ન ખુલ્યા હોવા છતાં જે સ્થળો ખુલ્લા હતા ત્યાં નિયમો પાળી લોકો ભગવાનના આશિર્વાદ લેવા પહોંચી ગયા હતા. શ્રધ્ધાળુઓમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ વધારાનો દોર આખા કારતક મહિનામાં ચાલ્યો હતો. લોકોમાં ધાર્મિક આસ્થા વધી રહી છે. સાથે સાથે ધાર્મિક સ્થળો ઉપર શ્રધ્ધાળુઓ માટે સુવિધા વધારવામાં આવી હતી. વધતી જતી સસ્તી સુવિધા પણ ધાર્મિક સ્થળો ઉપર ઘસારાનું એક કારણ છે. કોરોનાના કારણે અમરનાથની પદયાત્રા આ વર્ષે બંધ રખાઈ હતી. સાથે સાથે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમો પણ કોરોનાને લઈ રદ કરાયા હતા. તેમ છતાં લોકોની આસ્થા ઓછી થઈ નહતી. જે ધાર્મિક સ્થળો ખુલ્યા હતા ત્યાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી રહી હતી. કોરોના કાળને લઈ સરકારે ગીરનારની પરિક્રમા ફક્ત સાધુસંતો માટેજ રાખી હતી. છતાં શ્રધ્ધાળુઓનો આગ્રહ વધતાં અને હજ્જારો શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે આવી પહોચતાં સરકારને છેલ્લા દિવસે મંજૂરી આપવાની ફરજ પડી હતી. સરકારે સાવધાની રૂપે આ વખતે દેશમાં ધાર્મિક આયોજન ટાળ્યા છે. દેશના મોટાભાગના રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો થયા નથી. પણ જ્યાં શક્ય બન્યુ ત્યાં પી.એમ.મોદી સાહેબે વધુ ધ્યાન આપ્યા બાદ વધુ ધાર્મિક કાર્યક્રમો થયા. શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકારે શ્રધ્ધાળુઓની સુરક્ષાની પૂરી કાળજી લીધી હતી. મોદી સાહેબનું પૂર્ણ ધ્યાન આપ્યા બાદ ધાર્મિક સ્થળોમાં યાત્રાળુઓની સંખ્યા વધી હતી. જાણકાર લોકોના કહેવા મુજબ ગુડઝ એન્ડ સર્વીસ ટેક્સ લાગુ કરાયા બાદ હેલીકોપ્ટરનું ભાડુ સસ્તુ થઈ ગયુ હતુ. હેલીકોપ્ટરની સર્વીસ ઉપર લાગતો ૧૨ ટકાનો ટેક્સ ઘટાડી પાંચ ટકા થઈ જતાં હેલીકોપ્ટરનું ભાડુ ઘટીને ૧૬૦૦ રૂપિયા થઈ ગયુ હતુ. અમરનાથની ગુફા પહોંચવા માટે આશરે ૪૦ હજાર લોકોએ હેલીકોપ્ટરની ટીકીટ ખરીદી લીધી હતી. યાત્રાના પહેલા ત્રણ સપ્તાહમાં હેલીકોપ્ટરની તમામ ટીકીટો વેચાઈ ગઈ હતી. ૨૨ લાખ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડના ચાર તીર્થોની યાત્રા કરી હતી. ગયા વર્ષે સીઝન દરમ્યાન આશરે ચાર લાખ સત્તર હજાર શ્રધ્ધાળુઓ જ કેદારનાથ પહોચી શક્યા હતા. જાણકાર લોકોનું કહેવું છેકે માનનીય વડાપ્રધાન આ વખતે યાત્રા સંદર્ભે વધારે ધ્યાન આપી રહ્યા હતા. સંબંધિત સુત્રો પાસેથી સતત યાત્રાની માહિતી પણ મેળવતા રહ્યા હતા. તેમનો શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ કઈ રીતે રહે તેવા તેમના પ્રયાસો હતા. સુરક્ષાના પાસામાં પહેલા કરતાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ હતુ. કેદારનાથમાં ગયા વર્ષે જે સંખ્યા હતી તેના કરતાં આ વર્ષે વધારે સંખ્યા રહી હતી. માનનીય વડાપ્રધાનશ્રીને એવો ડર હતો કે ચોક્કસ ધાર્મિક સ્થળોમાં આ વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી રહેશે. જેથી તેમણે ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વધારી વધારે ફોકસ આપતા દર વર્ષ કરતા આ વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યા અનેકઘણી વધી હતી. બીજીબાજુ કોરોનાએ લોકોને ધાર્મિક ભાવના તરફ વાળ્યા હતા. જેને લઈને ધાર્મિક સ્થળોમાં વધારે સંખ્યા જોવા મળી હતી.