Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગરમાં કડા રોડ ઉપર પાલિકાતંત્રના આંખમીચામણા વચ્ચે નાયબ મુખ્યમંત્રીના હુકમનુ ઉલ્લંઘન-વહેળામાં રસ્તા માટે પાઈપો નાખી

$
0
0

વિસનગરમાં કડા રોડ ઉપર પાલિકાતંત્રના આંખમીચામણા વચ્ચે
નાયબ મુખ્યમંત્રીના હુકમનુ ઉલ્લંઘન-વહેળામાં રસ્તા માટે પાઈપો નાખી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વરસાદી વહેળામાં રસ્તા માટે પાઈપો નાખવી તે ગેરકાયદેસર હોવાનુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જણાવી વહેળામાં પાઈપો નાખી હોય તો વહેળા ખુલ્લા કરવા કલેક્ટરને હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીના હુકમના ત્રીજા દિવસે કડા રોડ ઉપર રસ્તા માટે વરસાદી વહેળામાં પાઈપો નાખવામાં આવતા નાયબ મુખ્યમંત્રીના હુકમનુ પાલન કરાવવામાં વિસનગરનુ તંત્ર કેટલુ નિષ્ક્રીય છે તે જોઈ શકાય છે. વિસનગર પાલિકા પ્રમુખે પણ આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
ભારે વરસાદમાં મહેસાણા જીલ્લામાં પાણી ભરાતા તેની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં જીલ્લા વહીવટી તંત્રની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં વિસનગરમાંથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તથા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે હાજરી આપી હતી. વિજયભાઈ પટેલે રજુઆત કરી હતી કે, બીલ્ડરોએ રસ્તા માટે વરસાદી વહેળામાં દબાણ કરી પાઈપો નાખતા પાણી ભરાય છે અને નીચાણવાળા વિસ્તારો ડુબમાં જાય છે. મહેસાણા રોડ ઉપર સંસ્કૃતિ બંગ્લોઝ આગળના વહેળામાં પુરાણ કરી દબાણ કરવામાં આવતા તથા પાઈપો નાખવામાં આવતા તેનો મીટીંગમાં ઉલ્લેખ કરાયો હતો. ત્યારે વહેળામાં પાઈપો નાખવી તે ગેરકાયદેસર હોઈ આવા વહેળા ખુલ્લા કરવા નાયબ મુખ્યમંત્રીએ જીલ્લા કલેક્ટરને હુકમ કર્યો હતો. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે માર્ગ મકાન વિભાગના કર્મચારીની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ બંગ્લોઝ આગળના વહેળાની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.
નવાઈની અને તંત્ર માટે શરમની બાબત છેકે, વિસનગરમાં એક બાજુ વહેળામાં નાખવામાં આવેલી પાઈપો કાઢી વહેળા ખુલ્લા કરવા શહેર ભાજપ પ્રમુખ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે તંત્રની નિષ્ક્રીયતાના કારણે બીજી બાજુ કડા રોડ ઉપર બીલ્ડર દ્વારા વહેળામાં રસ્તા માટે ખુલ્લેઆમ પાઈપો નાખવામાં આવે છે. મહેસાણા રોડ ઉપરના વહેળામાં દરેક સોસાયટીમાં આવવા જવા માટે પાકા આર.સી.સી.ના નાળા સાથેના રસ્તા બનાવવામાં આવ્યા છે. પરંતુ આર.સી.સી.ના નાળામાં વધારે ખર્ચ થતો હોવાથી શહેરના હિતને કોરાણે મુકી બીલ્ડરો દ્વારા પાઈપો નાખવામાં આવે છે. જે ભવિષ્યમાં ભારે વરસાદમાં તારાજી સર્જી શકે તેમ છે. વરસાદી વહેળામાંથી પાઈપો કાઢવાના નાયબ મુખ્યમંત્રીના આદેશના ત્રીજાજ દિવસે કડા રોડ ઉપર વહેળામાં ખુલ્લેઆમ પાઈપો નાખવામાં આવતા લોકોમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છેકે, જ્યાં લેતી દેતીના વ્યવહારો હોય ત્યાં નાયબ મુખ્યમંત્રીના હુકમનુ પણ ઉપજતુ નથી. પાલિકા તંત્રએ વહેળામાં પાઈપો નાખવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરતા અનેક શંકાઓ ઉપજી છે. વહેળામાં મંજુરી વગર ગેરકાયદેસર પાઈપો નાખી હોય તો કાઢવાની સત્તા પાલિકા પાસે છે. ત્યારે જાણવા મળ્યા પ્રમાણે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ગાંધીનગર આ બાબતે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરવા જતા રોકડુ પરખાવ્યુ હતું કે, પાલિકા પાસે સત્તા છે તો પાલિકા કેમ કાર્યવાહી કરતી નથી. પ્રમુખ એ વાતથી કેમ અજાણ છેકે, તેમની પીઠ પાછળ થતી લેતી દેતીના કારણે બીલ્ડરો નાયબ મુખ્યમંત્રીના હુકમને અવગણી જગજાહેર વહેળામાં પાઈપો નાખવાની હિંમત કરી રહ્યા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles