વિસનગર એપીએમસીના ચેરમેન-વાઈસ ચેરમેનનો સત્કાર સમારોહ યોજાયો
માર્કેટયાર્ડમાં રાજકારણ લાવતા નહી,ખેડૂતોનું હિત વિચારજો-ઋષિભાઈ પટેલ
• ઋષિભાઈ પટેલે એપીએમસીના ચેરમેન બન્યા પછી વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કરી માર્કેટયાર્ડનો વિકાસ કર્યો છે-પરેશભાઈ પટેલ
• હું તમારી વચ્ચે એપીએમસીના ચેરમેન તરીકે નહી પણ નાના ભાઈ તરીકે વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કરીશ-ચેરમેન પ્રિતેશભાઈ પટેલ
• ઋષિભાઈ પટેલને એપીએમસીના પૂર્વ ચેરમેન બોલતા મારી જીભ અટકે છે. ઋષિભાઈ અમારા કાયમી ચેરમેન અને માર્ગદર્શક રહેશે-વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર એપીએમસીમાં ગંજબજાર વેપાર મંડળ દ્વારા ગત સોમવારના રોજ એપએમસીના નવનિયુક્ત ચેરમેન, વાઈસ ચેરમેન તથા એપીએમસીના પૂર્વ ચેરમેન તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઋષિકેશભાઈ પટેલે પાંચ વર્ષના શાસનમાં વેપારીઓ, ખેડૂતોને લાભ થાય તેવો વહીવટ કરવા નવનિયુક્ત ચેરમેન, વાઈસ ચેરમેન અને બોર્ડના ડીરેક્ટરોને સલાહ આપી હતી.
વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા સોમવારના રોજ બપોરે એપીએમસીના હૉલમાં એપીએમસીના નવનિયુક્ત ચેરમેન પ્રિતેશભાઈ પ્રભુદાસ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ લવજીભાઈ ચૌધરી તથા એપીએમસીના પૂર્વ ચેરમેન તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત બોર્ડના ડીરેક્ટરોનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે માર્કેટયાર્ડના વેપારીઓને જણાવ્યુ હતુ કે, હું તમારા વચ્ચે એપીએમસીના ચેરમેન પદે પાંચ વર્ષ રહ્યો છું. જેમાં મેં માર્કેટયાર્ડના વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામો કરી માર્કેટયાર્ડનો વિકાસ કર્યો છે. મારા પાંચ વર્ષના શાસનમાં બોર્ડની તમામ મીટીંગો પુરી આઝાદીથી થતી હતી. વેપારીઓ અને ખેડૂતો ખુલ્લા મને રજુઆત કરી શકતા હતા તમે તમે પણ તમારા વિવિધ પ્રશ્નોની રજુઆત કરજો. જ્યારે નવનિયુક્ત ડીરેક્ટરોને સલાહ આપતા જણાવ્યુ હતુ કે તમે પાંચ વર્ષમાં માર્કેટયાર્ડના વેપારીઓ અને ખેડૂતોને ફાયદો થાય તેવો વહીવટ કરજો. ગંજબજારમાં રાજકારણ લાવતા નહી. ખેડુતો, વેપારીઓ અને મજુરોનું હિત વિચારજો. સત્તા ઉપર આવ્યા પછી કોઈ પક્ષાપક્ષી રાખ્યા વગર માર્કેટયાર્ડનો વિકાસ થાય તેવું કામ કરજો. વધુમાં ઋષિકેશભાઈએ માર્કેટયાર્ડમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાનું અને માર્કેટયાર્ડમાં કામ કરતા બહારના મજુરોને રહેવા માટે માર્કેટયાર્ડની જગ્યામાં જરૂરી સુવિધાવાળા મકાનો બનાવવા સુચન કરી પોતાનો સહયોગ આપવા ખાત્રી આપી હતી. જ્યારે ડીરેક્ટર પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઋષિભાઈ પટેલે એપીએમસીના ચેરમેન બન્યા પછી માર્કેટયાર્ડના વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કર્યુ હતુ. વેપારીઓ અને ખેડૂતોને જરૂરી સુવિધાઓ પુરી પાડી છે. તેમના શાસનમાં વેપારીઓ અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બન્યા છે. ઋષિભાઈની જેમ અમે માર્કેટયાર્ડનો વહીવટ કરીશુ. માર્કેટયાર્ડમાં ભરાતા વરસાદી પાણીનો પણ કાયમી નિકાલ કરીશું. જોકે આજની ધંધાની હરીફાઈમાં નિતિમત્તા અને પ્રમાણિકતા હશે તોજ વિકાસ થશે. વિસનગર માર્કેટયાર્ડ વેપારીઓ અને ખેડૂતોના આર્થિક વિકાસનું હાર્ટ છે. અમારા શાસનમાં માર્કેટયાર્ડના કોઈપણ વેપારીનું અહીત નહી થાય. વધુમાં પરેશભાઈએ આગામી માર્કેટયાર્ડની ચુંટણીમાં પોતે ઉમેદવારી નહી નોધાવે તેવી જાહેરાત કરી બે વખત વેપારી વિભાગમાં બિનહરીફ ડીરેક્ટર બનાવવા બદલ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, એપીએમસીના પૂર્વ ચેરમેન ઋષિભાઈ પટેલને પૂર્વ ચેરમેન બોલતા મારી જીભ અટકે છે. ઋષિભાઈ અમારા કાયમી ચેરમેન અને માર્ગદર્શક રહેશે. ઋષિભાઈએ તેમના શાસનમાં સૌથી વધુ વેપારીઓ અને ખેડુતોનું હિત વિચાર્યુ હતુ. જેથી તેમની વધુ પાંચ વર્ષ ચેરમેન તરીકે જરૂર હતી. જ્યારે રાજુભાઈ ચૌધરીએ પોતાના સંસ્મરણોને યાદ કરતા જણાવ્યુ હતુ કે, વર્ષો પહેલા માર્કેટયાર્ડમાં મારા પિતાની પેઢી હતી. આ માર્કેટયાર્ડમાં મારો વર્ષોથી નાતો છે. જે ભૂમિ ઉપર મારા પિતાએ પેઢી ચલાવી હોય તે જગ્યાએ મને ખેડૂતોની સેવા કરવાનો મોકો મળ્યો છે. આ મારા પિતાના કર્મનું ફળ મને મળ્યુ છે. ખેડૂતોની પરસેવાની કમાણીમાં ગોલમાલ નહી કરવા વેપારીઓને અપીલ કરી હતી. જ્યારે ચેરમેન પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, હું તમારા વચ્ચે એપીએમસીના ચેરમેન તરીકે નહી પણ તમારા નાના ભાઈ તરીકે વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કરીશ. જેમાં તમારા બધાનો સહયોગ જરૂરી છે. હુ ઋષિભાઈની જેમ સેવાના માધ્યમથી વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કરતો રહીશ. તેમજ પારદર્શક વહીવટ કરીશ. પ્રિતેશભાઈએ એપીએમસીના ચેરમેન તરીકે પોતાની પસંદગી કરવા બદલ ઋષિભાઈ પટેલનો આભાર માન્યો હતો. જ્યારે ઉમતાના ડીરેક્ટર અંકીતભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ઋષિભાઈ પટેલના શાસનમાં વિસનગર માર્કેટયાર્ડનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. આ માર્કેટમાં સાચુ તોલ, ઉંચો ભાવ તથા રોકડા નાણાં મળતા હોવાથી દૂરદૂરથી ખેડૂતો માલ વેચવા વિસનગર આવે છે. વિસનગર માર્કેટયાર્ડના વેપારીઓના વિવિધ પ્રશ્નો તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની ખાત્રી આપી હતી. આ ઉપરાંત્ત એપીએમસીના ડીરેક્ટર એલ.કે.પટેલ અને ર્ડા.જયંતીભાઈ પટેલ પણ પોતાના શાસનમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરી વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કરવાની વેપારીઓને બાંહેધરી આપી હતી. જ્યારે ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ(લાછડી)એ વેપારીઓને પડતી મુશ્કેલીઓ તથા માર્કેટયાર્ડમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા ચેરમેન, વાઈસ ચેરમેન તથા બોર્ડના સભ્યોને રજુઆત કરી હતી. આ સમારોહમાં એપીએમસીના ડીરેક્ટર રાજુભાઈ પટેલ(આર.કે.), રાજીવભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, જશુભાઈ ચૌધરી(ગુંજા), નગરપાલિકાના પ્રતિનિધિ અમાજી ઠાકોર, ભરતભાઈ પટેલ (ધામણવા), નટુભાઈ પટેલ(સદુથલા), સહિત બોર્ડના અન્ય ડીરેક્ટરશ્રીઓ અને માર્કેટયાર્ડના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.