રેલ્વે ફાટકના બન્ને તરફની કેનાલો સાફ નહી થતા
ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત પાલિકા દ્વારા નાળા અને કેનાલોની સફાઈ કરવામાં આવે છે ત્યારે વિસનગર પાલિકા દ્વારા ગંજબજાર ફાટક આસપાસની બે કેનાલોની સફાઈ કરવામાં નહી આવતા ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય સતાવી રહ્યો છે. ગંજબજાર ગેટ આગળ જ્યારે પણ વરસાદી પાણી ભરાય છે તે પાણી ગંજબજારમાં ઉતરે છે અને વેપારીઓના માલ સામાનને નુકશાન કરે છે. કેનાલોની જો યોગ્ય સફાઈ કરવામાં આવે તો આ નુકશાન થતુ અટકાવી શકાય છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સરકારની સુચનાથી મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા પણ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને પાણી ભરાવાથી નુકશાન ન થાય તે માટે શહેરની કાચી અને પાકી કેનાલો તથા નાળા સાફ કરવામાં આવી રહ્યા છે.
વિસનગરમાં ભારે વરસાદમાં ગંજબજાર મેઈનગેટ આગળના વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા વર્ષોની છે. જે સમસ્યાનુ નિરાકરણ લાવવા અગાઉના પાલિકા શાસનમાં ગંજબજાર રેલ્વે ફાટકની બન્ને સાઈડ એક સુખડીયા સ્વીટ માર્ટ આગળથી પટણી દરવાજા કેનાલ સુધી પાણીના નિકાલ માટે પાકી કેનાલો બનાવવામાં આવી છે. આ કેનાલો જો ચોમાસા પહેલા પ્રીમોન્સુન કામગીરીમાં સાફ કરવામાં આવે તો ગંજબજાર વિસ્તારમાં ક્યારેય પાણી ભરાય નહી, પરંતુ શરમની વાત છેકે આ બન્ને કેનાલો બનાવ્યા બાદ તે કેનાલો ક્યારેય સાફ કરવામાં આવી નથી. કેનાલો ઉપર સ્લેબ ભરી ઢાંકી દેવામાં આવી હોવાથી સાફ થઈ શકતી નથી. પાકી કેનાલોમાં ત્રણ થી ચાર ફુટ કચરો ભેગો થયો છે. આ કેનાલો ભરાઈ ગઈ હોવાથી વરસાદી પાણી સદા વિજય હોટલ પાસેથી રેલ્વેની જગ્યામાં થઈ આગળ નિકાલ થતો હતો. પરંતુ બ્રોડગેજ લાઈનની કામગીરીના કારણે તેમજ આગળ રેલ્વે ટ્રેકની આર.સી.સી.સ્લીપરો ગોઠવી હોવાથી આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ થાય તેમ નથી. જેના કારણે ગંજબજારના મેઈન ગેટ આગળ જો વધારે પાણી ભરાશે તો વરસાદી પાણી ગંજબજાર તરફ વળે તેવુ પુરેપુરી શક્યતા છે. ગંજબજારમાં જ્યારે પણ પાણી ભરાયુ છે ત્યારે વેપારીઓને મોટુ નુકશાન થયુ છે. ગંજબજાર આગળ દુકાનો ધરાવતા વેપારીઓને પણ નુકશાન થાય છે ત્યારે પાલિકા ચીફ ઓફીસર અને પ્રમુખ ગંજબજાર ફાટક આસપાસની બન્ને કેનાલો સાફ કરાવે તે જરૂરી છે.
↧
રેલ્વે ફાટકના બન્ને તરફની કેનાલો સાફ નહી થતા ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો ભય
↧