પ્રમુખની પસંદગી માટે દર્શન હોટલમાં યોજાયેલ મીટીંગમાં
પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સંકલનની મીટીંગથી અળગા રહ્યા
(પ્ર. ન્યુ.સ.) વિસ નગર,રવિવાર
વિસનગર પાલિકાની સંકલન સમિતિની ભેદભાવ ભરી નિતિથી સંકલન પ્રત્યે સભ્યોમાં રોષ વધી રહ્યો છે. પ્રમુખની પસંદગી માટે યોજાયેલ મીટીંગમાં પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ગેરહાજર રહ્યા હતા. ફક્ત પ્રમુખના દાવેદારને મત આપવા પુરતા ૧૫ મીનીટ હાજર રહી મતદાન કરી મીટીંગમાંથી નીકળી ગયા હતા. જે બાબતે પ્રજ્ઞાબેન પટેલનો સંપર્ક કરતા સંકલન સમિતિ સામે રોષ ઠાલવ્યો હતો.
વિસનગર પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનુ સંચાલન કરતી સંકલન સમિતિની ભેદભાવ ભરી નિતિ રીતિથી સંકલન પ્રત્યે સભ્યોમાં ભારે ગણગણાટ વર્તાઈ રહ્યો છે. આ વખતે પ્રમુખની ચુંટણી પહેલાની સંકલનની મીટીંગને પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે અવગણી હતી. દર્શન હોટલમાં સંકલનની મીટીંગ ચાર વાગે શરૂ થઈ હતી. ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ મતદાન શરૂ થાય તેની પંદર મીનીટ પહેલા મીટીંગમાં આવ્યા હતા. જે મીટીંગ હૉલમાં નહી પરંતુ બહાર બેઠા હતા. જાણવા મળ્યા પ્રમાણે સંકલનના એક બે સભ્યએ પ્રજ્ઞાબેન પટેલને જે બેન્કવેટ હૉલમાં મીટીંગ હતી ત્યાં અંદર આવવા કહ્યુ હતુ. ત્યારે પ્રજ્ઞાબેન પટેલે ચોપડાવી દીધુ હતુ કે હું સંકલનની મીટીંગમાં આવી નથી. પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં આટલા હોબાળા થયા તેમ છતાં સવા વર્ષ દરમ્યાન સંકલને કેમ મીટીંગ બોલાવી નહી. સંકલને મારા પ્રત્યે ભેદભાવ રાખ્યો છે. સંકલન સમિતિ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પ્રમુખના દાવેદારને વોટ આપવા આવી છુ. એક મત ન બગડે તે માટે મતદાન કરવા આવી છુ તેમ કહી મતદાન કર્યા બાદ પ્રજ્ઞાબેન પટેલ અને તેમના પતિ નરેશભાઈ પટેલ પંદર મીનીટમાંજ બહાર નીકળી ગયા હતા. આ મીટીંગમાં સંકલન સમિતિએ સ્વિકાર્યુ હતુ કે પાઈપલાઈન વિવાદમાં પ્રમુખ શકુન્તલાબેન પટેલે ખાસ સાધારણ સભા બોલાવી જે ઠરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો તે ખોટો હતો.
આ બાબતે પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલનો સંપર્ક કરતા તેમણે રોષ ઠાલવ્યો હતો કે મારા સવા વર્ષના શાસનમાં જેટલી પણ જનરલ સભા મળી તેના પહેલા કરવામાં આવનાર ઠરાવની સમીક્ષા કરવા સંકલને મીટીંગ બોલાવી હતી. આ ઉપરાંત મારી ઉપર ખોટા આક્ષેપો થતા તે બાબતે પણ સંકલને મીટીંગ બોલાવી સ્પષ્ટતા માગી હતી. પરંતુ મારી ઉપરનો એક પણ આક્ષેપ પુરવાર થયો નહોતો. સવા વર્ષના શાસનમાં લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય અને તમામ વોર્ડમાં વિકાસ થાય તેવો પ્રયત્ન કર્યો હતો. કોઈપણ ગેરરીતી કે ભ્રષ્ટાચાર મુક્ત ગઠબંધનનુ અને સંકલન સમિતિનુ માન સન્માન વધે તેવો વહીવટ કર્યો હતો. જ્યારે શકુન્તલાબેન પટેલના પ્રમુખ કાળમાં જેટલી જનરલ સભા મળી તે પહેલા સંકલને કોઈ મીટીંગ બોલાવી નહી. શકુન્તલાબેન પટેલના શાસનમાં આટલા વિવાદો થયા, ગેરવહિવટ અને ભ્રષ્ટાચારના હોબાળા થયા તેમ છતાં સંકલને સવા વર્ષમાં એકપણ મીટીંગ બોલાવી નહી. મેં સારો વહિવટ કર્યો તેમ છતાં સંકલને મારા પ્રત્યે ભેદભાવ રાખ્યો હતો. સંકલન સમિતિની આવી ભેદભાવ ભરી નિતિના કારણે મારો સંકલન સમિતિ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેના કારણે મારે કહેવુ પડ્યુ હતું કે હું સંકલનની મીટીંગમાં આવી નથી.
↧
પ્રમુખની પસંદગી માટે દર્શન હોટલમાં યોજાયેલ મીટીંગમાં પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સંકલનની મીટીંગથી અળગા રહ્યા
↧