પ્લોટ વેચી મારવાના બનાવમાં વિસનગર પોલીસે ફરિયાદ દાખલ ન કરતા
વિસનગર કોર્ટનો આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવા આદેશ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં બબ્બે વખત મિલ્કત વેચી મારવાના બનાવો બની રહ્યા છે. જેમાં વિસનગરના મહેસાણા રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીના પ્લોટ નં.૧૦ ને બે વખત વેચ્યા બાદ ત્રીજી વ્યક્તિને બાનાખત કરી પૈસા પડાવવાના બનાવમાં અગાઉ આરોપીઓ વિરુધ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ બાનાખત કરી બાના પેટે રૂા.૫૦,૦૦૦ લઈ પ્લોટનો દસ્તાવેજ ન કરી આપતા આ બાબતે ફરિયાદી તરફે વિદ્વાન વકીલ હિંમતભાઈ જે.બારોટ(જાસ્કાવાળા) મારફતે વિસનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં હિંમતભાઈ બારોટની આધાર-પુરાવા સાથેની દલીલો અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે વિસનગર પોલીસને આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છેકે પટવા રમેશભાઈ નટવરલાલ, શાહ ચેતનકુમાર જયંતિલાલ તથા બારોટ વિનોદકુમાર કાન્તીલાલે મહેસાણા ચોકડી નજીક આવેલ નિલકમલ સોસાયટીના પ્લોટ નં.૧૦ બારોટ ભરતભાઈ જગન્નાથભાઈને રૂા.૪,૫૦,૦૦૦/- વેચાણ કિંમત નક્કી કરી બાના પેટે રૂા.૫૦,૦૦૦/- લઈ તા.૩-૩-૨૦૧૫ ના રોજ બાનાખત કરી આપેલ. જેમાં એક માસમાં રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપેલ હતી. આમ છતાં આરોપીઓએ ફરિયાદી ભરતભાઈ બારોટને પ્લોટ નં.૧૦ વેચાણ દસ્તાવેજ ન કરી આપી ધમકીઓ આપતા હતા. જેથી આરોપીઓ વિરુધ્ધ વિસનગર શહેર પો.સ્ટે.માં ઈ.પી.કો.ની કલમ ૧૨૦-બી, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબની ફરિયાદ આપવામાં આવતા પોલીસે આ ફરિયાદને દાખલ નહી કરતા ફરિયાદી ભરતભાઈ બારોટે વિસનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદી તરફે હિંમત જે.બારોટ(જાસ્કાવાળા) રોકાયેલા હતા. જેઓએ આરોપીઓએ અગાઉ આ પ્લોટ વેચેલ હોવા બાબતે તથા કેસની હકીકતો સંદર્ભે સચોટ દલીલો કરેલી તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટોનો આધાર રાખી કોર્ટમાં અર્થસભર રજુઆત કરતાં વિસનગર જ્યુડી.મેજી. શ્રી શુકલા સાહેબે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરી આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી ચાલુ કરવાનો હુકમ કરેલ છે.
અગાઉ ફરિયાદીના બહેનને આરોપી દ્વારા આ પ્લોટ વેચી મારવામાં આવ્યો હતો. તથા તે અગાઉ આ પ્લોટ અન્ય વ્યક્તિને વેચી મારવામાં આવેલ હતો. જે બાબતે ફરિયાદીના બહેન દ્વારા ફરિયાદ કરતાં જે કેસની કાર્યવાહી વિસનગર કોર્ટમાં ચાલુ છે. ત્યારે આરોપીઓ વિરુધ્ધ આજ પ્લોટ બાબતે ના.વિસનગર જ્યુડી. કોર્ટ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ જેવા કે ગુનાહિત કાવતરું, છેતરપીંડી, ખોટા કિંમતી દસ્તાવેજો બનાવવા વિગેરે દાખલ કરવાનો હુકમ થતાં વિસનગર શહેરમાં ફરીથી આ હકીકત ચર્ચાસ્પદ બનેલ છે. જેથી મિલ્કતો વારંવાર વેચાણ કરવા તથા ખોટા દસ્તાવેજો ઉભા કરી લોકોના પરસેવાની મુડી પડાવી લેતા વ્હાઈટ કોલર જોબ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. વિસનગર કોર્ટે પહેલા ચાલતા કેસ તથા ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા આરોપીઓ વિરુધ્ધ છેતરપીંડી, ખોટા દસ્તાવેજો બનાવવા વિગેરે બે ગુનાઓ સામેલ થતાં આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.
↧
પ્લોટ વેચી મારવાના બનાવમાં વિસનગર પોલીસે ફરિયાદ દાખલ ન કરતા વિસનગર કોર્ટનો આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવા આદેશ
↧