વિસનગર પ્રાન્ત કચેરીમાં પીવાના પાણી માટે ફાંફા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં આવેલ પ્રાન્ત કચેરીમાં લગાવેલ આર.ઓ.પ્લાન્ટ તથા ઠંડા પાણીનું કુલર છેલ્લા ઘણા સમયથી શોભાના ગાંઠીયાની જેમ બંધ હાલતમાં પડી રહ્યું છે. છતાં પ્રાન્ત કચેરીના સત્તાધીશો દ્રારા આ આર.ઓ.મશીન કે ઠંડા પાણીનું કુલર રીપેંરીંગ કરાવવાનું કે નવું લગાવવા માટે કોઈ કાર્યવાહી થતી નથી. જેના કારણે પ્રાન્ત કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે. ત્યારે ઈન્ચાર્જ પ્રાન્ત અધિકારી મામલતદાર આ બાબતે કાર્યવાહી કરી હાલાકી દુર કરાવે તેવી લાગણી અને માંગણી છે.
સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને શુધ્ધ અને ઠંડા પાણીની સુવિધા આપવા માટે સરકારે આર.ઓ.પ્લાન્ટ તથા ઠંડા પાણીનું કુલર લગાવવા ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ સરકારી કચેરીઓના જવાબદાર અધિકારીની નિષ્કાળજીના લીધે આજે સરકારી કચેરીઓમાં અરજદારોને શુધ્ધ પાણી પીવા માટે લગાવેલા આર.ઓ.પ્લાન્ટ તથા ઠંડા પાણી માટે મુકવામાં આવેલ કુલર શોભાના ગાઠીયાની જેમ બંધ હાલતમાં પડી રહ્યા છે. જેમાં અત્યારે વિસનગર પ્રાન્ત કચેરીમાં લગાવેલા આર.ઓ.પ્લાન્ટ તથા ઠંડા પાણી માટે મુકવામાં આવેલ કુલર છેલ્લા ઘણા સમયથી શોભાના ગાંઠીયાની જેમ બંધ હાલતમાં પડી રહ્યું છે. જેના કારણે પ્રાન્ત કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે છે. અરજદારોને પૈસા ખર્ચીને બહારથી પીવા માટે પાણી લાવવું પડે છે.જોકે સરકારી અધિકારી કે કર્મચારીઓ પોતાના પીવા માટે ઠંડા પાણી ના જગ મંગાવે છે. પણ કચેરીમાં પોતાના કામે આવતા અરજદારોનું વિચારતા નથી.ત્યારે ઈન્ચાર્જ પ્રાન્ત અધિકારી એવમ્ મામલતદાર એ.એન.સોલંકી પ્રાન્ત કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે પડતી હાલાકી દુર કરવા આર.ઓ.પ્લાન્ટ અને ઠંડા પાણીનું કુલર રીપેરીંગ કરવાનું કે નવું નંખાવવાનું ભગીરથ કાર્ય કરવાનું વિચારશે ખરા?
↧
વિસનગર પ્રાન્ત કચેરીમાં પીવાના પાણી માટે ફાંફા
↧