વાવ ખાતે અનુસુચિત જાતિના સ્મશાનનો રસ્તો દબાણ કરી બંધ કરતા
સતલાસણામાં નનામી પોલીસ સ્ટેશને પહોંચી!
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા તાલુકાના વાવ ગામની સીમમાં અનુસુચિત જાતિનું સ્મશાન આવેલુ છે. આ સ્મશાનના રસ્તામાં દબાણ કરી રસ્તો બંધ કરી દેતા અગાઉ ગ્રામ પંચાયતમાં વારંવાર રસ્તો ખુલ્લો કરવા રજુઆતો કરી હતી. પરંતુ સરપંચ કે તલાટી કમ મંત્રી ગરીબ અનુસુચિત જાતિના લોકોનો સાથ ન આપી દબાણ યોગ્ય છે તેમ કહી કોઈ કાર્યવાહી કરતા નહોતા. ત્યારે અચાનક વાવ ગામના ખોડાભાઈ સૈધાભાઈ સેનમા લાંબી માંદગી પછી મૃત્યુ પામતા સ્મશાને જવાનો રસ્તો ન હોવાથી સમગ્ર વાવ ગામના આગેવાનો સાથે લાશ લઈ પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
એક તરફ ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના જાહેર માર્ગો ઉપર દબાણો દુર કરે છે. ત્યારે બીજી બાજુ તાલુકા વિકાસ અધિકારીની છત્રછાયામાં સતલાસણા તાલુકાના તલાટીઓ સરપંચને તાબે થઈ ગરીબ લોકોના સ્મશાનના રસ્તા ઉપર દબાણો કરાવે છે. સતલાસણા પોલીસ સ્ટેશનમાં અનુસુચિતના વાવ ગામના લોકો દ્વારા એટ્રોસિટી એક્ટ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં સરપંચ, તલાટી કમમંત્રી અને સરપંચ પતિ વિરુધ્ધ ફરીયાદ આપી છે. આ ફરીયાદમાં જણાવ્યુ છેકે, તલાટી કમ મંત્રી એન.ડી.ચૌધરી, સરપંચ ઉષાબેન પચાણભાઈ અને સરપંચ પતિ પચાણભાઈ દેવજીભાઈ ચૌધરી દ્વારા અનુસુચિત જાતિના સ્મશાનની જગ્યામાં દાનત બગાડી અવારનવાર હૈરાન કરતા હતા. ત્રણે જણાએ સ્મશાનની જગ્યા પચાવી પાડવાનો કારસો રચી સ્મશાનના રસ્તે દબાણ કર્યુ છે. સતલાસણા ગામના સેનમા સમાજના ખેડાભાઈ સૈધાભાઈ રાવત(સેનમા)નું મૃત્યુ પછી સ્મશાને જવાના રસ્તામાં લોકોને ઉશ્કેરી સરપંચ અને સરપંચ પતિએ રસ્તો બંધ કરાવી દીધો છે. આ રસ્તો કાયમી ધોરણે હૈરાનગતી દુર કરાવી આપવા વિનંતી કરી હતી. અને એટ્રોસિટી એક્ટ પ્રમાણે ફરીયાદ કરવા તેમજ અંતિમ વિધિ માટે બંદોબસ્ત આપવા વિનંતી કરી હતી.
આ ફરીયાદ સાથે લાશ લઈ આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચતા મામલતદારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે રસ્તો ખુલ્લો કરાવ્યો અને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે અંતિમવિધી પુર્ણ કરાઈ હતી. સરકારી તંત્ર આ બનાવમાં સંપુર્ણ રીતે અનુસુચિત ભાઈઓની સાથે હતુ પરંતુ દબાણ બાબતે યોગ્ય કાર્યવાહી ક્યારે કરાશે તેતો સમયજ બતાવશે.