વિસનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લોક સ્વાસ્થ્ય હિતમાં સરાહનીય કામગીરી
બનાવટી ઘીનુ કૌભાંડ પકડાયુ-૪૦૫૬ કિલો માલ સીઝ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
શુધ્ધ ઘી અત્યારે ૩૦૦ થી ૪૦૦ રૂપિયામાં કિલોના ભાવે બજારમાં વેચાય છે ત્યારે કેટલાક લોકો રાતમાં રૂપિયાવાળા બનવા માટે પૂજન પરપઝ અને નોન એનેબલ એવા લખાણ પેકીંગ ઉપર લખી સ્વાસ્થ્યને હાનિકારક બનાવટી ઘી નું ઉત્પાદન કરી વેચાણ કરતા કાયદાનો સહેજ પણ ડર રાખતા નથી. વિસનગરમાં આવુ બનાવટી ઘી બનાવાતુ હોવાની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. જેમાં કુલ ૪૦૫૬ કિલો માલ સીઝ કરી, અલગ અલગ છ નમુના લઈ ટેસ્ટીંગ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી કે વિસનગરમાં પાલડી ત્રણ રસ્તા પાસે, માટેલ હોટલ સામે આવેલ ડી.જે.ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગજાનંદ ગ્રેઈન માર્કેટના બે ગોડાઉન ધરાવતા અને દગાલા વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ મુરલીધર મહેશ્વરી(શાહ) બનાવટી ઘી બનાવી, તેનુ પેકીંગ કરી વેચાણ કરી રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી આ ગોડાઉન ઉપર નજર રાખી રહ્યા હતા. ત્યારે તા.૨૮-૮-૨૦૧૮ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સના જીલ્લા અધિકારી કે.આર.પટેલ, વી.જે.ચૌધરી સહીતની ટીમે રેડ કરી હતી. ઘી બનાવી મોટા પ્રમાણમાં વેચવામાં આવતુ હતુ ત્યારે ધંધાનુ નામ કે બોર્ડ નહી હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને વૉચ ગોઠવવી પડી હતી. ગોડાઉનમાં રેડ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. ગોડાઉનમાં બનાવટી ઘી બનાવવાની સામગ્રી જેવી કે ઘી બનાવવાનો તાવડો, ઓઈલ ભરવાની ટાંકી, ગેસ સીલીંડર, સઘડી વિગેરે મળી આવ્યુ હતુ. ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા પણ મોટા જથ્થામાં હતા. નવાઈની વાત છેકે મોટાભાગના ડબ્બાના સીલ તુટેલા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના ડબ્બા લાવી સીલ તોડી ભેળસેળ કરવામાં આવતુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ તથા કર્મચારીઓને મોટા પ્રમાણમાં ઘી બનાવવામાં આવતુ હોવાનુ જણાતા શંકાસ્પદ ઘી તેલનો જથ્થો સીઝ કર્યો હતો. જેમાં કુશ બ્રાન્ડ ઘી ના ૧૫ કિલોના ૨૯ ડબ્બા, કુશ બ્રાન્ડ ઘી ના ૧ લી.ના ૬૭૫ ટીન, ટેસ્ટી રીફાઈન્ડ વેજીટેબલ ઓઈલના ૧૫ કિલોના ૩૫ ડબ્બા, મોસમ ઇમ્ડ્ઢ ઓઈલના ૧૫ કિલોના ૮૮ ડબ્બા, ટેસ્ટી વેજીટેબલ ઓઈલના ૧૫ કિલોના ૪૧ ડબ્બા તથા કુકી ગોલ્ડ વેજીટેબલ ફેટ ૪૮૮ કિલોનો જથ્થો સીઝ કર્યો હતો. આ રેડમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂા.૩,૩૬,૨૬૨ ની કિંમતનો ૪૦૫૬ કિલોનો માલ સીઝ કર્યો હતો. આ જથ્થામાંથી મોસમ બ્રાન્ડ આર.બી.ડી. પામોલીન તેલનો ૧, કુશ બ્રાન્ડ ઘી ના ૨, ટેસ્ટી વેજીટેબલ ઓઈલના ૧ તથા કુકી ગોલ્ડ વેજીટેબલ ફેટનો ૧ એમ કુલ ૬ નમુના લઈ સીલ કરી ટેસ્ટીંગ માટે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડમાં જાણવા મળ્યુ હતું કે વેજીટેબલ ઓઈલ અને પામોલીન તેલમાંથી ઘી બનાવવામાં આવતુ હતુ. જે ઘી ના કુશ બ્રાન્ડના ટીન ઉપર પૂજન પરપઝ એટલે ફક્ત પૂજા માટેજ ઉપયોગી તથા નોન એનેબલનુ લખાણ લખી, કાયદાની છટકબારીનો ઉપયોગ કરી વેચવામાં આવતુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે શંકાસ્પદ ઘી બનાવતા વેપારી પાસે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસંસ છેકે નહી? જી.એસ.ટી.નંબર છેકે નહી? વિગેરે તપાસનો વિષય છે. જીલ્લા ફૂડ અધિકાર કે.આર.પટેલના જણાવ્યા પ્રમાણે નમુના વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા બાદ ૨૦ થી ૨૫ દિવસમાં રીપોર્ટ આવશે. ત્યારે રીપોર્ટ આવ્યા બાદ બનાવટી ઘી બનાવનાર વેપારી સામે કાર્યવાહી થશે ખરી?