બાળકોના સર્વાંગી વિકાસ માટે તન, મન, ધનથી
નિઃશુલ્ક કાર્યક્રમો કરતા એકલવીર શૈક્ષણિક સૈનિક
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જેમને હજ્જારો રૂપિયા પગાર મળે છે તેવા શિક્ષકો બાળકોની પુરેપુરી કેળવણી માટે ધ્યાન આપતા નથી. ત્યારે એક એવા શિક્ષક છેકે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે તન, મન અને ધનથી નિઃશુલ્ક કાર્યક્રમો કરી રહ્યા છે. આ શિક્ષકની સેવાઓની કદર મુખ્યમંત્રી, રાજ્યપાલ, સાંસદ ધારાસભ્યો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. બાળકોના હિતમાં હજુ પણ વધુમાં વધુ કાર્યક્રમો કરવા આ શિક્ષક થનગની રહ્યા છે.
મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના શૈલેષકુમાર મફતલાલ પટેલ તન, મન અને ધનથી બાળકોના સર્વાંગી વિકાસ માટે ૫૨૫ થી પણ વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં નિઃશુલ્ક કાર્યક્રમો કર્યા છે. આ બ્રેઈન યોગ ટ્રેનર અભ્યાસ કરતા બાળકો રોજીંદા જીવનમાં યોગ કરે. યાદ શક્તિ વિજ્ઞાનથી મગજની અપાર સંગ્રહ શક્તિનો લાભ લે, તંદુરસ્ત જીવનશૈલીના જ્ઞાન થકી આજીવન તંદુરસ્તી મેળવે, બહારની સ્વચ્છતા સાથે પ્રકૃતિની સ્વચ્છતા માટે સંસ્કાર કેળવે, ૯૦ ટકા શક્તિ ધરાવતા અર્ધ જાગૃત મન વિશે જાણી તેનો ઉપયોગ કરી આનંદથી અભ્યાસ કરતા થાય, વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રેમી બને, અન્ન-પાણી વિજળી અને પેટ્રોલીયમના બચાવના વ્યક્તિગત સંસ્કાર કેળવે, મોટીવેશનથી બાળકમાં શિક્ષણ મેળવવાની તડપ ઉત્પન્ન થાય અને સમાજ સેવા માટે બાળકોમાં તત્પર્તા આવે આમ બાળકોમાં રહેલી અપાર શક્તિઓનો વિકાસ થાય. જેના થકી બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉદ્દેશથી આ શિક્ષક છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, પ્રા.શાળાઓમાં પોતાના સ્વખર્ચે નિઃશુલ્ક પ્રોગ્રામ આપી રહ્યા છે. મુખ્યમંત્રી, રાજ્યપાલ, સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી વિગેરેએ આ શિક્ષકની સેવાઓની નોંધ લઈ પ્રશંસા પત્ર આપેલ છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓએ તેમને પ્રમાણ પત્ર આપી લેખીતમાં જણાવ્યુ છેકે બાળકો માટે આરોગ્ય વર્ધક, સ્મૃતિ વર્ધક, આત્મવિશ્વાસ વર્ધક, સ્વચ્છતા વર્ધક, સંસ્કાર વર્ધક, સેવા વર્ધક અને સલામતી રક્ષક પ્રયોગો આધુનિક શિક્ષણ જગતમાં આવકાર્ય છે.
બ્રેઈન ટ્રેનર પોતે ભાડાના મકાનમાં રહે છે. ૧૪ વર્ષ કરેલા ટ્યુશનની આવક શૈક્ષણિક સેવા માટે દાવ પર લગાવી દીધી છે. આ શિક્ષકને કમાવવાની જગ્યાએ બાળકોના વિકાસ માટે ફુલ ટાઈમ જોબ અપનાવી છે. આ શિક્ષકે સેવાની જ્યોત ૨૦૧૫ થી જલાવી હતી. ત્યારે માર્ચ-૨૦૧૮ સુધીમાં ૫૦૦ થી પણ વધારે કાર્યક્રમો કરવાનો પોતાનો સંકલ્પ પરિપુર્ણ કર્યુ છે. આ સમાજ સેવી શિક્ષકે જીદ પકડી છેકે, જો એક આતંકવાદી ટ્રેનર નિર્દોષ લોકોના જીવ લેનાર મરણીયો આતંકવાદી તૈયાર કરી શકે છે. તો હું એક ટ્રેનર તરીકે દેશપ્રેમી, શિક્ષિત, સંસ્કારી, વૈજ્ઞાનિક બાળકો કેમ તૈયાર કરી ન શકુ? ૧૪ વર્ષ સુધી પ્રાથમિક અને માધ્યમિકમાં સેવાઓ આપી પોતાનામાં યોગ્યતા હોવા છતા શિક્ષણ કાર્યને છોડી બાળકોના વિકાસનુ કાર્ય કરતા આ શિક્ષક સવારથીજ પોતાનુ જૂનુ બાઈક લઈને કાર્યક્રમો કરવા નીકળી પડે છે. સરકારનો તગડો પગાર લેવા છતા પુરતી કેળવણી નહી આપતા શિક્ષકોએ આ એકલવીર સેવાભાવી શિક્ષકમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. મહત્વન વાત તો એ છેકે આ શિક્ષકે કાર્યક્રમો માટે આજ સુધી એકપણ રૂપિયો કોઈ સંસ્થા પાસેથી લીધો નથી. પુરસ્કાર રૂપે પણ કંઈ લીધુ નથી કે લાલચ રાખી નથી. ખરેખર સરકારે આવા શિક્ષકની નોંધ લઈ તેમનુ સન્માન કરવુ જોઈએ. આ સેવાભાવી શિક્ષક શૈલેષભાઈ પટેલે જણાવ્યુ છેકે કોઈ શાળા, કોલેજ બાળકોના વિકાસ અને હિત માટે કાર્યક્રમ કરવા માગતી હોય તો, મો.નં.૯૭૧૪૪૬૭૧૩૯ ઉપર સંપર્ક કરી શકશે.