ચાંપતી નજર હોવા છતા વિસનગર તાલુકા તંત્રને અંધારામાં રાખી કાર્યક્રમ કર્યો
રાલીસણાના પાટીદારોએ ઉપવાસ આંદોલનના શ્રીગણેશ કર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાટીદારોને અનામત અને ખેડૂતોને ન્યાય માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ઉપવાસ આંદોલન શરૂ કર્યાના પાંચમાં દિવસે અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગર તાલુકામાં ઉપવાસ આંદોલનના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તાલુકાના રાલીસણા ગામના પાટીદારોએ ચાંપતી નજર રાખનાર સમગ્ર તંત્રને અંધારામાં રાખી ઉપવાસનો કાર્યક્રમ કરી તાલુકામાં ઉપવાસ આંદોલનના શ્રીગણેશ કર્યા હતા.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૫ માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગર તાલુકામાં પશ્ચિમ દિશાના એટલેકે કાંસા એન.એ., કાંસા, વાલમ જેવા ગામડાઓએ આંદોલનનુ નેતૃત્વ લીધુ હતુ. જ્યારે પાટીદારોને અનામત તથા ખેડૂતોના ન્યાય મુદ્દે પાસના કન્વીનર હાર્દિક પટેલે આંદોલનના બીજા તબક્કામાં અમરણાંત ઉપવાસ શરૂ કરતા આ વખતે અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગર તાલુકામાં પૂર્વ દિશાના ગામડાઓએ આંદોલનનુ નેતૃત્વ લીધુ હોય તેમ રાલીસણાના ઉપવાસ કાર્યક્રમ ઉપરથી કહી શકાય.
હાર્દિક પટેલે અમરણાંત ઉપવાસ શરૂ કરતા તેની તબીયત લથડી છે. ઉપવાસ આંદોલનની આગ ધીમે ધીમે ગામડાઓમાં ફેલાઈ છે. ફરીથી પાટીદારોનો આંદોલન માટે લોકજુવાળ ઉભો ન થાય. ગામેગામ ઉપવાસના કાર્યક્રમો ન થાય તે માટે સરકારે મંજુરી વગર કોઈ કાર્યક્રમો નહી કરવા જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેના પગલે સમગ્ર તંત્રની આવા કાર્યક્રમો ઉપર ચાંપતી નજર છે. ઉપવાસના કાર્યક્રમોમાં લોકો ભેગા થાય તે પહેલાજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને કાર્યક્રમને આગળ વધતા અટકાવી દેવામાં આવે છે. ત્યારે વિસનગર તાલુકાના રાલીસણા ગામના પાટીદારોએ સમગ્ર તંત્રને અંધારામાં રાખી ખુબજ સફળતાપૂર્વક એક દિવસનો ઉપવાસનો કાર્યક્રમ કર્યો હતો. તા.૩૦-૮-૨૦૧૮ ના રોજ રાલીસણાના રામજી મંદિર પાસે પાટીદારો એકઠા થયા હતા. રામજી મંદિરના ઓટલા ઉપર લગભગ સવારે ૧૧-૦૦ કલાકે ગામના પાટીદાર વડીલો, મહિલાઓ અને યુવાનો એકઠા થઈ સામુહીક ઉપવાસ કાર્યક્રમ કર્યો હતો. જેમાં શ્રીરામ જય રામ જય જય રામની રામધૂન સાથે જય સરદાર અને જય પાટીદારના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મહિલાઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, પાટીદારોના હિત માટે સમગ્ર તંત્ર સામે લડતા યુવાન હાર્દિક પટેલને ઉપવાસ કરવાની અને આંદોલન કરવાની શક્તિ આપે. એક દિવસના ઉપવાસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. ત્યારે જાણવા મળ્યા પ્રમાણે બપોરે લગભગ ૩-૦૦ કલાકે તાલુકા પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોચ્યો હતો. અને કાર્યક્રમ અટકાવ્યો હતો. રાલીસણાના પાટીદારોએ આ કાર્યક્રમ કરી તાલુકામાં ઉપવાસ આંદોલનના શ્રીગણેશ કરી દીધા છે.
નોંધપાત્ર બાબત છેકે તા.૨૭-૮-૨૦૧૮ ન રોજ તાલુકાના ઉમતા ગામમાં હાર્દિક પટેલના સમર્થકો ઉપવાસ કાર્યક્રમ કરવાનો મેસેજ વાયરલ થયો હતો. જેના પગલે તાલુકા પોલીસનો મોટો કાફલો ઉમતામાં ખડકાયો હતો. જેથી કોઈ કાર્યક્રમ થઈ શક્યો નહોતો.