કોંગ્રેસના બંધના એલાનમાં પાટીદારોનુ સમર્થન કેમ નહી?
કોંગ્રેસી અગ્રણી જીવણભાઈ દેસાઈનો વેધક પ્રશ્ન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસે વખતોવખત ટેકો આપ્યો છે. હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરતા કોંગ્રેસના આગેવાનો ખબર અંતર પુછવા ગયા હતા. કોંગ્રેસ પાટીદારોની પડખે છે ત્યારે કોંગ્રેસે બંધનુ એલાન આપ્યુ ત્યારે પાટીદારોએ કેમ સમર્થન ન આપ્યુ તેવો વેધક સવાલ કોંગ્રેસી અગ્રણી જીવણભાઈ દેસાઈએ કર્યા છે.
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરતા પાટીદારોમાં ફરીથી અનામત આંદોલનનો જુવાળ જોવા મળ્યો હતો. એવામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ભારત બંધનુ એલાન આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધનુ એલાન સફળ રહેશે તેમ જણાતુ હતું. પરંતુ બંધના એલાનના દિવસે એકપણ પાટીદાર કાર્યકરના કોંગ્રેસની સાથે બંધ માટે નહી નીકળતા વિસનગરમાં કોંગ્રેસનુ બંધનુ એલાન ફ્લોપ ગયુ હતુ. ફક્ત ગૌરવપથ રોડ ઉપરની કેટલીક દુકાનો બંધ રહી હતી. જે પણ બપોર પછી ખુલી ગઈ હતી. ભાજપ સરકારના વિરોધમાં બંધનુ એલાન હતુ. ત્યારે વિસનગરના કોંગ્રેસી અગ્રણી જીવણભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસના બંધના એલાનને પાટીદાર કાર્યકર્તાઓએ ટેકો આપ્યો હોત તો વિસનગરમાં જડબેસલાખ બંધ રહ્યુ હોત. હાર્દિક પટેલની લડત ભાજપની સામે છે ત્યારે પાટીદારો હાર્દિકના સમર્થનમાં નીકળે છે તો આ બંધ પણ ભાજપના વિરોધમાંજ હતું ત્યારે કોંગ્રેસના બંધના એલાનને કેમ સમર્થન આપ્યુ નહી. કોંગ્રેસમાંથી ચુંટાયેલા એકપણ પાટીદાર પદાધિકારી પણ બંધના સમર્થનમાં દેખાયા નહોતા. શહેરમાં મોટે ભાગે પાટીદારોની સંસ્થાઓ છે, દુકાનો છે. ત્યારે પાટીદારોએ સવારથીજ દુકાનો ખોલી ન હોત તો તે જોઈને અન્ય સમાજના વેપારીઓએ પણ દુકાનો ખોલી ન હોત.
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરતા તેના સમર્થનમાં કોંગ્રેસે ધરણા અને ઉપવાસ કર્યા હતા. હાર્દિક પટેલનુ આમરણાંત ઉપવાસ બાબતે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં મુખ્યમંત્રીને મળવા ગયા હતા. કોંગ્રેસે એના માટે તો બંધનુ એલાન આપ્યુ નહોતુ. લોકો માટે દેશની પ્રજા માટે લડી રહી છે. ત્યારે કોંગ્રેસના સમર્થનમાં કેમ કોઈ ન આવ્યુ. જો જડબેસલાખ બંધ રહ્યુ હોત તો કેન્દ્ર સરકારને પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા માટે વિચાર કરવો પડ્યો હોત. શું પછી પાટીદારો દેખાવ પૂરતા કોંગ્રેસ સાથે અને અંદરથી ભાજપ સાથે છે એવુ તો નથી ને?