વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી
નોટોના બંડલ બતાવી દાગીના પડાવતી ઠગ ટોળકી પકડાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં છેલ્લા ઘણા સમયથી એક ઠગ ટોળકી વિવિધ કીમીયા અજમાવી લોકોને ઠગતી હતી. જેમાં નોટોના બંડલ બનાવી લલચાવી તેમજ મુસાફરો સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લઈ દાગીના પડાવતી ઠગ ટોળકીનો ભારે ત્રાસ હતો. ત્યારે સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી. પટેલ અને તેમની ટીમે આ ઠગ ટોળકીને પકડી લોકોને લુંટાતા અટકાવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પી.આઈ. વી.પી.પટેલના માર્ગદર્શનમાં પી.એસ.આઈ. એસ.બી.રાજગોર, એ.એસ.આઈ. કાનજીભાઈ ભાથીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે વિજાપુર તરફથી કાળા હુડ વાળી એક સી.એન.જી. રીક્ષામાં કેટલાક ઈસમો આવી રહ્યા છે. જે લોકોને લલચાવી ફોસલાવી કે કપડાની સીવેલી થેલીમાં નોટોના બંડલ બતાવી દરદાગીના પડાવી રહ્યા છે. પેસેન્જરોને ભરમાવી રૂપિયા પડાવી રહ્યા છે. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી એક યુવક તથા બે સગીરને પકડ્યા હતા. જેમનુ નામ સલાટ સંજયકુમાર બાબુભાઈ વનાભાઈ ઉં.વ.૨૨, રહે.વિજાપુર માઢી આશ્રમ, ગોવિંદપુરા જુથ પંચાયત પ્રા.શાળાની બાજુમાં પાણીની ટાંકી નીચે તથા માઢી આશ્રમના સરનામે રહેતો તથા બીજો બાયડ સંજીવની હોસ્પિટલ પાછળ રહેતો સગીર હતો. પોલીસે આ યુવક તથા બે સગીરોની કડક પુછપરછ કરી હતી. જેમણે વિસનગરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ કરેલ છેતરપીંડીના ગુના કબુલ્યા હતા.
આ ઠગ ટોળકીએ છેતરપીંડીના કયા ગુના કબુલ્યા તે જોઈએ તો, તા.૪-૩-૨૦૧૮ ના રોજ સતલાસણા તાલુકાના વઘાર ગામના ઠાકોર અમરૂજી લક્ષ્મણજી તથા તેમના પત્ની ભીખીબેન બન્ને એસ.ટી.ના વરંડા પાસે એકાંતમાં બેઠા હતા. ત્યારે એક વ્યક્તિ આવીને પુછેલ કે ડીસાવાળી બસ ક્યારે આવશે? ત્યારબાદ બીજો વ્યક્તિ આવી પતિ-પત્નિ આગળ રૂમાલ જાટક્યો હતો. બન્ને પતિ-પત્નિ થોડીવાર બાદ અજાણ્યા વ્યક્તિઓની પાછળ ચાલવા લાગ્યા હતા. ત્યારબાદ આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે નાની દેરી આગળ બેસાડી થેલીમાં દાગીના મુકવાનુ કહેલ. ત્યારે આ દંપત્તીએ તેમને પહેરેલા દાગીના થેલીમાં મુકી દીધા હતા. થોડીવાર પછી આ દંપત્તી બેભાન થઈ ગયા હતા. ભાનમાં આવતા અજાણ્યા વ્યક્તિએ દાગીના ભરેલી થેલી લઈને જતા રહ્યા હતા. જેમાં રોકડ અને દાગીના સાથે રૂા.૭૨૦૦૦ ની મત્તા ગુમાવી હતી.
આ ઠગ ટોળકીએ તા.૨૧-૫-૧૮ ના રોજ બીજી છેતરપીંડી કરી હતી. જેમાં વડનગર તાલુકાના સુંઢીયા ગલાલપુરાના જીતેન્દ્રજી ફુલાજી જોરાજી તથા તેમના પત્ની ચરાડા જવા માટે નીકળ્યા હતા. વિસનગર ડેપોમાં બસની રાહ જોતા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ આવી ક્યા જવુ તેમ કહી સંપર્કમાં આવ્યો હતો. એટલામાં બીજો એક નાનો યુવક આવીને કહેલ કે માટે પાલનપુર જવુ છે. ભાડાના પૈસા નથી. મારા શેઠે મને કંપનીમાંથી કાઢી મુક્યો છે. ત્યારે મોટી ઉંમરના યુવાને જીતેન્દ્રજી ઠાકોરને કહેલકે આ છોકરા પાસે નોટોનુ બંડલ છે. આપણે તેને ભાડુ આપી નોટોનુ બંડલ લઈ લઈએ. જીતેન્દ્રજી ઠાકોર વિશ્વાસમાં આવી એમ.એન.કોલેજ સામે આવેલ શોપીંગ આગળ ગયેલ મોટી ઉંમરના વ્યક્તિએ જીતેન્દ્રજી ઠાકોરને કહેલ કે બંડલ બેંકમાં જઈને વટાવવુ પડશે. ત્યારે નાના છોકરાએ કહેલ કે મને કંઈ વસ્તુ આપો તો નોટોનુ બંઠલ આપુ. લાલચમાં આવેલા જીતેન્દ્રજી ઠાકોરે સોનાનો દોરો, ચાંદીની લકી તથા મોબાઈલ આપ્યા હતા. નોટોનું બંડલ લઈ જીતેન્દ્રજી ઠાકોર બેંકમાં વટાવવા જતા હતા ત્યારે રસ્તામાં કપડાની થેલીમાં સીલાઈ કરેલ બંડલ ખોલતા ઉપર એક રૂા.૫૦૦ ની નોટ હતી અંદર બીજા કાગળના ટુકડા હતા. તરતજ પરત ફરતા અજાણ્યા બન્ને ઈસમો જણાયા નહોતા. આ છેતરપીંડીમાં જીતેન્દ્રજી ઠાકોર રૂા.૩૯૦૦૦ ની મત્તા ગુમાવી હતી.
ત્રીજો છેતરપીંડીનો બનાવ તા.૧૮-૯-૨૦૧૮ ના રોજ બન્યો હતો. પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા લક્ષ્મીપુરા કાપણીપાટીના ફુલાજી શંકાજી ઠાકોરના લગ્ન વાલમ ગામના ભુપતજી ભીખાજી ઠાકોરની દિકરી સોનલ સાથે થયા હતા. ફુલાજી ઠાકોર તેમના પુત્રનો જન્મનો દાખલો લેવા માટે વિસનગર પાલિકા ઓફીસમાં જતા હતા. જેમણે પાલિકા કાર્યાલય જોયેલ નહી. જેઓ પટણી દરવાજા આવી બે અજાણ્યા વ્યક્તિઓને પાલિકા ઓફીસ કંઈ બાજુ આવેલ તેમ પુછ્યુ હતુ. અજાણ્યા વ્યક્તિઓએ કહેલકે પાલિકા ઓફીસ નહી મળે. ચાલ અમારી સાથે ફુલાજી ઠાકોર બન્ને અજાણ્યા ઈસમો સાથે ચાલવા લાગેલ. ત્યારે થોડે દુર જઈ રીક્ષા ઉભી રાખી ત્રણેય રીક્ષામાં બેઠા હતા. જેમાંથી નાની ઉંમરના છોકરાએ કહેલ કે હું ઉંઝા નોકરી કરૂ છુ. શો-રૂમમાં મારાથી ટીવી ફૂટી ગયેલ છે. મારા સાહેબે કાઢી મુકેલ છે. મારા શો-રૂમના મેનેજરે એક બંડલ આપેલ છે. જે બંડલ બેંકમાં આપીશ તો રૂા.૫૦,૦૦૦ મળશે તેમ જણાવ્યુ હતુ. ત્યારે બીજો ઈસમ કહેવા લાગેલ કે ચુંટણી કાર્ડ આધારકાર્ડ હશે તો બેંક પૈસા આપશે નહીતર પોલીસમાં ફસાઈ જઈશે. ત્યારબાદ મોટી ઉંમરના વ્યક્તિએ ફુલાજી ઠાકોરને કહેલ કે નાના છોકરા પાસેથી બડલ લઈ રૂા.૧૦,૦૦૦ કાઢી લઈ નાના છોકરાને પરત આપી દઈએ. આપણે ભાગે પડતા પૈસા વહેચી દઈશુ. નાના છોકરા પાસે બંડલ લેવા જતા તેને આપવાની ના પાડી અને ફુલાજી ઠાકોરને કહેલ કે તમારી પાસેનો સોનાનો દોરો, પાકીટ તથા મોબાઈલ આપીને જા મને વિશ્વાસ આવતો નથી. ત્યારે લાલચમાં આવેલા ફુલાજી ઠાકોરે દોરો, મોબાઈલ તથા રોકડ ભરેલ પાકીટ આપી દીધેલ. ત્યારબાદ બંડલ લઈ થોડે દુર જઈને ખોલતા તેમાં કાગળના ટુકડા હતા.
૨૨ વર્ષનો સંજયકુમાર બાબુભાઈ બનાભાઈ સલાટ અને બે સગીર બાળકોની આ ઠગ ટોળકીનો વિસનગરમાં ભારે ત્રાસ હતો. ત્યારે પી.આઈ.વી.પી.પટેલ અને તેમની ટીમ ઠગ ટોળકી ઉપર નજર રાખીને બેઠા હતી. પોલીસે આ ઠગ ટોળકી પકડી અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.
↧
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી નોટોના બંડલ બતાવી દાગીના પડાવતી ઠગ ટોળકી પકડાઈ
↧