ફેંગશૂઈ-વાસ્તુના કેટલાક સરળ ઉપાયો
જ્યારે ઘરનું બાંધકામ કોઈ રીતે ફેંગશૂઈ કે વાસ્તુના નિયમોનો ભંગ કરતું હોય ત્યારે તેને ખસેડી લેવું જ યોગ્ય રહે છે. પરંતુ ક્યારેક એવું બને છે કે તેને ખસેડવું શક્ય નથી હોતુ કે આર્થિક બાબતોને લઈને પણ તોડફોડ કરવી શક્ય ન હોય ત્યારે ફેંગશૂઈ કે વાસ્તુના સરળ ઉપાયો અજમાવવા જોઈએ તેનાથી તમામ પ્રકારના દોષ દૂર થશે અને ઘરમાં ખુશાલી આવશે.
(૧) ત્રણ દરવાજા ઘર, ઓફીસ કે અન્ય કોઈપણ જગ્યાએ એક સીધમાં હોય તો વેદ્યદોષ કે દ્વારદોષ પેદા થાય છે. તેના માટે વચ્ચેના દરવાજા પર સ્ફટિકનો ગોળો લટકાવી દેવામાં આવે તો દોષ દૂર થઈ શકે છે. (૨) ઘરના મુખ્ય દ્વાર પર કોઈ અવરોધ હોય જેમ કે થાંભલો, વૃક્ષ કે દરવાજે સમાપ્ત થતો રોડ તેના નિવારણ માટે પાકુઆ મિરર લગાવવો. (૩) ગોલ્ડ ફિશવાળું નાનું માછલી ઘર પોતાના ઘરમાં રાખવું એ સૌભાગ્યમાં વૃધ્ધિ કરવાનો સૌથી કારગર ઉપાય છે. તેનો ઉપયોગ પૂર્વ અથવા ઉત્તરમાં કરી શકાય. (૪) પતિ-પત્ની કે પરિવારના કોઈપણ સદસ્યો વચ્ચે અણબનાવ રહેતો હોય, સબંધોમાં તિરાડો પડી ગઈ હોય કે મનમેળ ન રહ્યો હોય અને બધું જ ધીરે-ધીરે ઠીક થઈ જાય તેમ તમે ઈચ્છતા હો તો પ્રસન્નચિત મુદ્રામાં સંયુક્ત પરિવાર કે પતિ-પત્નીની તસવીર ઘરમાં લગાવવી અને એ રીતે લગાવવી કે ઘરમાં દરેકની નજર તેના પર પડે જેનાથી ઘણોજ લાભ થાય છે. (૫) ઘરમાં તમામ પ્રકારે સકારાત્મક ઉર્જા રહે તે માટે દક્ષિણ-પશ્ચિમમાં પાણી રહિત પર્વતોની તસવીર લગાવવી જોઈએ. (૬) ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા તેમજ જીવજંતુઓનો ઉપદ્રવ શાંત કરવા માટે મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ. (૭) ઘરમાં શૌચાલય અયોગ્ય જગ્યાએ બની ગયું હોય અને તેને ક્યાંય બીજે ખસેડવું શક્ય ન હોય તો તેનો દોષ દૂર કરવા માટે શૌચાલયામં સમુદ્રનું પાણી કે મીઠું ભરેલો વાટકો જરૂર રાખવો જોઈએ. સમયાંત્તરે પાણી કે મીઠું બદલતા રહેવું. (૮) ઘરમાં બીજાના કારણે કોઈ દોષ જણાતો હોય જેમ કે પલંગ કે સેટીની બરાબર ઉપર બીમ હોય તો તેને દૂર કરવા માટે બીમની બંનેબાજુ વાંસળીને લાલ રિબિન બાંધીને ૪૫ ડિગ્રી કોણમાં લગાવી દેવી. (૯) સંપતિ પ્રાપ્ત કરવાં અથવા કાર્યમાં સફળતા મેળવવા માટે રત્નોનો છોડ પોતાના બેઠકરૂમમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો. (૧૦) પ્રસિધ્ધિ તથા સ્થાયિત્વ માટે ઘરના દક્ષિણ ભાગમાં લાલ રંગનો ઉપયોગ કરવો તથા ત્યાં રાખેલી વસ્તુઓને પણ લાલ રંગથી સજાવવી. (૧૧) વિવાદો અથવા કોર્ટકેસ સંબંધિત કાગળો કે દસ્તાવેજો ક્યારેય અગ્નિ ખુણામાં ના રાખવાં જોઈએ તેને ઈશાન અથવા ઉત્તર-વાયવ્ય દિશામાં રાખવાથી વિવાદ કે કોર્ટકેસમાં લાભ થાય છે. (૧૨) દિવાલ ઘડીયાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વમાં લગાવવી જોઈએ. (૧૩) ઘરમાં જો વારંવાર ચોરી થતી હોય કે ચોરી થવાનો ડર સતાવતો હોય તો મંગળ યંત્રની સ્થાપના યંત્રસિધ્ધ કરીને પૂજા સ્થાનમાં કરવી. (૧૪) ઘરમાં અન્ય ભેદી પ્રકારની સમસ્યાઓ ઉપસ્થિત થઈ હોય તો ‘ભયકીલક યંત્ર’ અથવા ‘સ્ફટીક શ્રીયંત્ર’ની સ્થાપના કરવી જોઈએ. (૧૫) ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર વાસ્તુદોષને દૂર કરીને ઘરમાં ખુશાલી લાવે છે. શ્રી કૃષ્ણ રાધાજીની સાથે બગીચામાં ઝૂલા પર ઝૂલતા તેમજ વાંસળી વગાડતા હોય તેવું ચિત્ર રાખવાથી પતિ-પત્નીના સબંધો મધુર બની રહે છે. (૧૬) બાળકો તેજસ્વી બને અને નબળાં બાળકો અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે તે માટે ઉત્તર-પૂર્વમાં ફેંગશૂઈ ગ્લોબ(પૃથ્વીનો ગોળો) રાખવો. આ સિવાય મહાપુરુષોની તસવીરો પણ બાળકોના સ્ટડી રૂમમાં લગાવવી જોઈએ તેમજ વાંચતી વખતે બાળકનું મોઢું પૂર્વ કે ઉત્તરમાં હોય તો યાદશક્તિ સારી રહે છે. ઉંઘીને વાંચવાની ટેવ હોય તો વાંચેલું યાદ રહેતું નથી તેમજ વાંચવાના ટેબલ પર પગ રાખીને વાંચવાથી પણ યાદ રહેતું નથી.