તળાવનું દુષિત પાણી શુધ્ધ કરી ઉપયોગ કરી શકાય તે માટે
જર્મનીના RO મશીનથી તળાવનું શુધ્ધ પાણી કરવાનો ડેમો કરાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના દેળીયા તળાવ પાસે ગત મંગળવારે જર્મન ટેકનોલોજીનું બનાવેલ ૩૦૦૦ લીટરના જમ્બો આર.ઓ.મશીનથી તળાવનું દુષિત પાણી શુધ્ધ કરવાનો ડેમોસ્ટ્રેશન કરાયો હતો. આ ડેમોસ્ટ્રેશનમાં જર્મનીના ટેકનીશીયન સ્ટિફન તથા આદિત્ય ભૂજલે, મુંબઈની મેઘદૂત ફાર્મા કંપનીના એન્જીનીયર હેમંતભાઈ કોરડીયા, નગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, જૈન સમાજના આગેવાન નિમેષભાઈ શાહ, પાલિકા ઉપપ્રમુખના પતિ હિંમતભાઈ રબારી, પાલિકા પૂર્વ ચેરમેન દર્શનભાઈ પરમાર, પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ વાસણવાળા, બકુલભાઈ ત્રિવેદી, ભરતભાઈ એસ.પટેલ, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ સંઘવી, પાલિકા કર્મચારી સુધીરભાઈ કંસારા, સંદિપભાઈ પટેલ સહિત જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારની મેક ઈન ઈન્ડિયા યોજના અંતર્ગત તળાવનું કે અન્ય દુષિત પાણી શુધ્ધ પીવા લાયક બનાવવા માટે જર્મન ટેકનોલોજીનુ આર.ઓ.મશીન ભારતમાં બનાવવામાં આવ્યુ છે. આ મશીનનું રોટરી ક્લબ, જૈન સમાજ તથા વિસનગર નગરપાલિકાના પ્રયત્નોથી ભારતમાં સૌપ્રથમવાર વિસનગરના દેળીયા તળાવ ખાતે જર્મનીના ટેકનીશીયન સ્ટીફન, આદિત્ય ભૂજલે અને મુંબઈની મેઘદૂત ફાર્મા કંપનીના એન્જીનીયર હેમંતભાઈ કોરડીયા દ્વારા તળાવના દુષિત પાણીનુ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. આ ડેમોસ્ટ્રેશનમાં જર્મનીના ટેકનીશીયન સ્ટીફન અને કંપનીના એન્જીનીયર હેમંતભાઈ કોરડીયાએ એવો દાવો કર્યો હતો કે આ મશીનનુ પાણી શુધ્ધ અને પીવાલાયક હોય છે. આ મશીન ગામના તળાવ, ફેક્ટરી કે ગટરના પાણીને પીવાલાયક બનાવે છે. જેમાં ૯૦ ટકા શુધ્ધ પીવાલાયક પાણી બહાર આવે છે. જ્યારે ૧૦ ટકા પાણી વેસ્ટ નિકળે છે. આ મશીનની ખાસીયત એ છેકે તે બેટરી ઉપર તથા સુર્યપ્રકાશ સોલાર સીસ્ટમ ઉપર પણ ચલાવી શકાય છે. જોકે ડેમોસ્ટ્રેશન માટે મુકવામાં આવેલ આર.ઓ.મશીન કલાકમાં ૩૦૦૦ લીટર શુધ્ધ પાણી કરવાની કેપેસીટી વાળુ હતુ. અને બીજા એક દિવસમાં ૫,૧૦, ૨૫ તથા ૫૦ હજાર લીટર દુષિત પાણી શુધ્ધ કરવાની કેપેસીટી વાળા બનાવી શકાય છે. આ મશીન આવનાર વાયબ્રન્ટ ગુજરાતમાં મુકવામાં આવશે અને આ મશીન જર્મન તથા ભારતના કોલોબ્રેશનથી મેક ઈન ઈન્ડીયા પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈમાં બનાવેલુ છે. જોકે આ મશીનની કિંમત અને તેના સર્વિસનો આશરે કેટલો ખર્ચ થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નહતી. પરંતુ મશીનના ઉપયોગ અને પાણીના ટીડીએસ(ટોટલ ડીઝોલ સોલ્ટ)ની માત્રા પ્રમાણે મશીનના પાર્ટસ બદલવામાં આવતા હોવાનુ મશીનના માલિક હેમંતભાઈ કોરડીયાએ જણાવ્યુ હતુ.