તંત્રી સ્થાનેથી…
“હું ખાતો નથી ખાવા દેતો નથી” નરેન્દ્રભાઈનું સૂત્ર ભાજપ શાસિત સરકારો કેમ પાળતી નથી
“હું ખાતો નથી ખાવા દેતો નથી” આ સૂત્ર આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર અડધુ ખોટુ સાબિત થયું છે. “હું ખાતો નથી” તે કથન અક્ષરસહ સાચુ સાબિત થયું છે. ત્યારે તો નરેન્દ્રભાઈના માતુશ્રી ગાંધીનગરમાં તેમના ભાઈના બંગલામાં એક જ રૂમમાં રહે છે. અત્યાર સુધી હીરાબા તેમના ભાઈને મળેલ નાના ગવર્મેન્ટ ક્વાટરમાં રહેતા હતા. ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના સી.એમ. હતા. પણ નરેન્દ્રભાઈનું કથન ખાવા દેતો નથી તે અક્ષરસહ ખોટુ પડ્યુ છે. ગુજરાતના નવ લાખ વિદ્યાર્થીઓ સાથે ભાજપના કાર્યકરોએજ પેપર ફોડવાનો દગો કર્યો છે. નવહજાર નોકરીઓ માટે આશરે નવ લાખ પરીક્ષા ફોર્મ ભરાયા હતા. જેની પરીક્ષા ગુજરાતના ચોવીસસો ચાલીસ(૨૪૪૦) સેન્ટરમાં લેવાવાની હતી. પરીક્ષા કેન્દ્રોની વીડીઓગ્રાફી પેપર રખાયા હતા તે સ્ટ્રોંગ રૂમની બહાર હથિયાર ધારી જવાનો, પરીક્ષા કેન્દ્રોની બહાર સો મીટર હદમાં ૧૪૪ ની કલમ લાગુ, લાઉડ સ્પીકર લગાડવા ઉપર રોક, કેન્દ્રો આજુબાજુ ઝેરોક્ષ મશીનો બંધ, કેન્દ્રમાં મોબાઈલ લઈ જવાની બંધી, આટલી બધી સુરક્ષા હોવા છતાં પરીક્ષાનું પેપર પરીક્ષાની આગલી તારીખે એટલે પહેલી તારીખે ફૂટી જાય અને ફોડવામાં ભાજપનાજ કાર્યકરો હોય. તે ભાજપ પક્ષ માટે દુઃખની વાત છે. લોકરક્ષકની પરીક્ષા આપવા માટે ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂત પુત્રોએ પરીક્ષા ફોર્મ ભર્યા હતા. જે ખેતી, કારખાનામાં મજૂરી, છૂટક મજૂરીકામ, રીક્ષા ચલાવતા ભણેલા બેકાર યુવાનો હતા. દરેક યુવાનના પાંચસોથી પંદરસો યુવાનને પરીક્ષા આપવા જવા માટે પાંચસોથી પંદરસો રૂપિયા એળે ગયા છે. એટલે ૭૦ કરોડ રૂપિયા ગરીબ યુવાનોના બરબાદ થયા છે. તે સામે સરકારે ફરીથી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને બસ ભાડુ મજરે અપાશે તેવી જાહેરાત કરી છે. પણ બસ ભાડુ લેવા ફરીથી યુવાનોને લાઈનો લગાડવી પડશે છતાં ભ્રષ્ટાચારી વહીવટમાં પૂરા પૈસા પરીક્ષાર્થીઓને મળશે નહિ. આવા કૌભાંડો ભાજપ શાસિત રાજ્યોમાં કેમ થાય છે તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં લોકરક્ષક દળના પરીક્ષા ભરતી બોર્ડના સરકારી કારમાં ફરતા અધ્યક્ષ વિકાસ સહાયે છેલ્લી ઘડીએ પરીક્ષા અટકાવી દીધી તે વખતે તેમણે એ ન વિચાર્યુ કે વિદ્યાર્થીઓ પરત કઈ રીતે જશે? વધુ બસોની સગવડ કરવામાં એસ.ટી.તંત્ર ઊણુ ઉતર્યુ, ઉપરથી કેટલીક જગ્યાએ ચાલુ ભાડા કરતા વધુ ભાડા ઉઘરાવાયા. આ કઈ જાતનો ભાજપ સરકારનો વહીવટ? ભાજપ શાસિત ગુજરાત પહેલા ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં મોટુ વ્યાપક કૌભાંડ થયુ. તે કૌભાંડ મેડીકલ પ્રવેશથી સરકારી વિભાગની પરીક્ષાઓમાં થયુ. યુવાનો પાસેથી લાખ્ખો રૂપિયા ઉઘરાવી નોકરીઓ અને એડમીશન અપાયા અને કૌભાંડ જાહેર થયુ. કૌભાંડ જાહેર કરનાર પત્રકારથી માંડી ૪૦ થી ૫૦ લોકોની હત્યા થઈ અને એકપણ હત્યારો પકડાય નહિ આવા કૌભાંડો ભાજપ રાજમાં જ થયા છે. કોંગ્રેસના રાજમાં આવા કૌભાંડો થતા ન હતા તે ચોક્કસ વાત છે જોકે કોંગ્રેસ આવી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણી ઓછી લેતી હતી. લોકરક્ષક દળની પરીક્ષામાં નવ લાખ યુવાનોને હેરાન થવું પડયુ છે. નવ લાખ યુવાનો એટલે નવ લાખ કુટુંબો, એક કુટુંબની પાંચ મતદારોની સંખ્યા ગણીએ તો ૪૫ લાખ સમગ્ર ગુજરાતમાં મતદારોને ભાજપ સરકારે લોકરક્ષક દળની પરીક્ષામાં દુઃખી કર્યા છે. નજીકના ભવિષ્યમાં ૨૦૧૯ માં લોકસભાની ચુંટણીઓ આવી રહી છે. તે પહેલાં પરીક્ષાર્થીઓને આત્મ સંતોષ થાય અને તે ખુશ થાય તેવા ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો નહિ થાય તો ચુંટણી સમયે કોંગ્રેસ આને ચુંટણી પ્રચારનો મુદ્દો બનાવશે તો ચોક્કસ વાત છે. યુવાનોની નારાજગી દૂર કરવામાં સરકાર ઊણી ઉતરશે તો આગામી ચુંટણીમાં ચોક્કસ નુકશાન થઈ શકે છે તે ચોક્કસ વાત છે.