સિક્યુરીટી ગાર્ડ અને દર્દીના સગાને બીમાર બતાવ્યા
MCI ના ઈન્સ્પેક્શનમાં વડનગર સિવિલમાં ડમી દર્દીઓ ઉભા કર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર સિવિલ હોસ્પીટલમાં મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાનું વાર્ષિક ઈન્સ્પેક્શન હતું. દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં રહેતી નથી કારણ પુછતા ડોક્ટરોની નિમણુંક કરાઈ જ નથી. જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ડોક્ટરોના અભાવે તેમજ પુરતી સગવડોના અભાવે શોભાના ગાઠીયા જેવી બની ગઈ છે. સતલાસણા, ખેરાલુ, વલાસણા તરફથી આવતા અકસ્માતના ગંભીર કેસોમાં દર્દીઓને ડોક્ટરોના અભાવે મહેસાણા ધકેલવામાં આવે છે.
એમ.સી.આઈ નું ઈન્સ્પેક્શન હોય ત્યારે હોસ્પીટલના તમામ બેડ ભરેલા દેખાય તે માટે સિક્યુરીટી ગાર્ડ અને દર્દીઓના સગાઓને દર્દીઓના બેડમાં સુવાડી પેશન્ટો વધુ પ્રમાણમાં છે તેવો દેખાવાનો ડોળ કર્યો હતો. વડનગરની જનરલ હોસ્પિટલમાં ક્યારેય ન જોવા મળતા ડોક્ટરો હાજર હતા. સીટી સ્કેન સેન્ટર હંમેશા બંધ હાલતમાં હોય છે. તેને ચાલુ બતાવવા ડોક્ટર અને સ્ટાફ હાજર હતા. દરરોજ કરતા જનરલ હોસ્પિટલની અંદર અને આસપાસ સ્વચ્છતા વધુ પ્રમાણમાં જોવા મળતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના માદરે વતનમાં કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવી દીધી પરંતુ તેમાં પુરતા પ્રમાણમાં દર્દીઓ આવતા નથી કારણકે ખરેખર જરૂરી હોય તેટલા ડોક્ટરો હાજર જોવા મળતા નથી. વડનગરની જનરલ હોસ્પિટલ કરતા ખેરાલુ ની અલકા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ કે જે ર્ડા.હર્ષદભાઈ વૈદ્ય ચલાવે છે ત્યા દર્દી વધારે જોવા મળે છે. એમ.સી.આઈ ના અધિકારીઓ પણ અગાઉથી જાણ કરી ઈન્પેક્શન માં આવે છે. જેથી એમ.સી.આઈ ના અધિકારીઓ પણ હોસ્પીટલને ખાનગીમાં મદદરૂપ થતા હોય તેવુ લાગે છે. જો ખરેખર એમ.સી.આઈ એ સાચુ ઈન્પેક્શન કરવુ હોય તો અચાનક જનરલ હોસ્પિટલનુ તપાસ કરવામાં આવે તો હોસ્પિટલનો સ્ટાફ બપોરે જે આરામ ફરમાવે છે તે પણ જોવા મળે અને દર્દીઓની સાચી સંખ્યાની ખબર પડે એમ.સી.આઈ ના અધિકારીઓ તપાસનું નાટક કરતા હોય તેમ આવીને જતા રહે છે. સાચી તપાસ કરવાનો ઈરાદો હોય તેમ લાગતુ નથી.