વિસનગરમાં પાટીદાર યુવાનોએ સરદાર પટેલને અંજલી આપીવિસનગરમાં પાટીદાર યુવાનોએ સરદાર પટેલને અંજલી આપીસરદાર પટેલની પુણ્યતિથિએ રાજકીય આગેવાનો ફરક્યાજ નહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓ અને આગેવાનો પ્રજાના વોટ મેળવવા માટે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના નામે રાજકારણ ખેલી રહ્યા હતા. પરંતુ ચુંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ તેના બિજા દિવસે ગત શુક્રવારે સરદાર પટેલની ૬૭મી પુણ્યતિથિ હતી. ત્યારે વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા કાંસા ચાર રસ્તા પાસે સરદાર પટેલના બાવલાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પી હતી જયારે સરદાર પટેલના નામે મતોનુ રાજકારણ ખેલતા વિસનગર વિધાનસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના એકપણ આગેવાનો તેમને અંજલી આપવા નહી ફરકતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓ અને આગેવાનો સરદાર પટેલના નામે રાજકારણ ખેલી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરતા હતા. વિધાનસભાની ચુંટણી પહેલા તા.૩૧-૧૦ના રોજ આવતી સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી તેમને શ્રધ્ધાંજલી આપતા ફોટાઓ સોશિયલ મિડીયામાં વાયરલ કરી સરદાર પટેલ પ્રત્યે પોતાને અતુટ પ્રેમ અને માન-સન્માન હોવાનું લોકોને બતાવતા હતા. ચુંટણી દરમિયાન તા.૬-૧ર ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ આવતા ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં આગેવાનો તેમને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વિધાનસભાની ચુંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ તેના બીજા દિવસે તા.૧પ-૧ર ના રોજ શુક્રવારે સરદાર પટેલની પુણ્યતિથિ હતી ત્યારે સરદાર પટેલના નામે મતોનુ રાજકારણ ખેલતા વિસનગરના તાલુકાના ભાજપ-કોંગ્રેસના કોઈ આગેવાનો તેમને શ્રધ્ધાંજલી આપતા દેખાયા નહતા. જયારે વિસનગર તાલુકા પાટીદાર સમાજના લોકો કાંસા ચાર રસ્તા પાસે મુકવામા આવેલ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અંજલી આપતા જોવા મળ્યા હતા. ત્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે જો વિધાનસભાની ચુંટણી દરમિયાન સરદાર પટેલની પુણ્યતિથિ આવી તો ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમના બધા કામો પડતા મુકીને તેમને શ્રધ્ધાંજલી આપવા દોડી આવ્યા હોત. પરંતુ ચુંટણી પત્યા પછી તેમને સરદાર પટેલની જાણે કોઈ પડી જ ના હોય તેમ તેઓ સરદાર પટેલને અંજલી આપવાનું ભુલ્યા છે. હવે વર્ષ-૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં રાજકીય નેતાઓ સરદાર પટેલને યાદ કરશે તેવુ લોકોમાં ચર્ચાય છે.