તંત્રી સ્થાનેથી…
આંદામાન-નિકોબાર ટાપુના નામ બદલી જસ લેવા જનાર
ભાજપ સરકાર કદી અંગ્રેજોની યાદને દેશમાંથી કાઢી નહિ શકે
ભારત દેશમાં ભાજપ શાસિત અનેક રાજ્યોમાં જૂના શહેરોના નામ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં દેશના વડાપ્રધાન આંદામાન-નિકોબાર દ્વીપની મુલાકાત દરમ્યાન રોસ આઈસલેન્ડ, નીલ આઈલેન્ડ અને હેવલોક આઈલેન્ડના નામો બદલી અનુક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈલેન્ડ, શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ અપાયા છે. અંગ્રેજી શાસન દરમ્યાન ભારતમાં રહેનાર સર હેનરી હેવલોકના નામથી હેવલોક આઈલેન્ડ નામ અપાયુ હતુ. ઉત્તરપ્રદેશમાં મુગલસરાય સ્ટેશનને પડીત દીનદયાળ ઉપાધ્યાય નામ અપાયુ છે. અહલાબાદને પ્રયાગરાજ, તેમજ ફૈઝાબાદ અને અહમદનગરને નવુ નામ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદનું નામ પણ કર્ણાવતી થવા જઈ રહ્યું છે. ભારતની આઝાદીના ૭૦ વર્ષ પછી ભાજપ સરકાર ભાવિ પેઢીના મગજમાંથી અંગ્રેજી શાસનની ગુલામીને ભૂલાવવા માટે નામો બદલી રહી છે. જે સરાહનીય છે કેટલાક શહેરોના નામ મોગલ સામ્રાજ્ય વખતના છે. તે નામો ભાજપ સરકાર હિન્દુત્વવાદી છે તે પ્રસ્થાપિત કરવા બદલી રહી છે. તમામ કાર્યવાહીઓ મતદારોને ખુશ કરવા માટે થઈ રહી છે. પણ આવી નામ બદલવાની પ્રક્રિયાથી પ્રજા ખુશ નથી. અંગ્રેજોને ગયે ૭૦ વર્ષ થયા છતાં જે રાજ્યમાં દારૂબંધી નથી તે રાજ્યોમાં ગામેગામ અંગ્રેજી શરાબની દુકાનો અંગ્રેજોના નામ તાજા કરે છે. તેજ રીતે દેશમાં અને મોટી હોટલોના નામો અંગ્રેજી નામો છે. આપણા કેટલાક હીલ સ્ટેશનનોના નામો અંગ્રેજોના નામ સાથે જોડાયેલા છે. લેટ્રીનનુ ટબ પણ ઈંગ્લીશ ટબના નામે ઓળખાય છે. જે કલરનું નામ ન હોય તે કલરને ઈંગ્લીશ કલર તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ સરકાર અંગ્રેજોની યાદ કેટલી જગ્યાએ ભૂસવાની છે? આજ રીતે નામ બદલવાની કાર્યવાહી ચાલશે તો નરેન્દ્રભાઈ મોદીને બીજા પાંચ વર્ષ ઓછા પડી શકે છે. સરકાર આવા નામ બદલવાના કાર્ય કરે તેનાથી પ્રજા ખુશ નથી, પ્રજાને તો જોઈએ છે રોટી, કપડા ઓર મકાન. મોંઘવારી, ડીઝલ, પેટ્રોલ-કેરોસીનનો ભાવ ઘટાડો. આનાથીજ પ્રજા ખુશ થવાની છે. પ્રવર્તમાન સંજોગોમાં દેશમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. બે બાળકો બસ, નસબંધી કરાવો, આવા ભીત ચિત્રો અને જાહેરાતોથી કોઈ ફરક પડવાનો નથી. દેશમાં વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે. સરકારે એવા નિયમો લાવવા જોઈએ કે લોકો સંતતિ નિયંત્રણ તરફ આકર્ષાય. એક જ બાળક હોય તેને અનામતનો લાભ મળે. એકલી દીકરી હોય તેના માતા-પિતાને આજીવન પેન્શન મળે, બાળક વિનાના દંપતિની સરકાર જવાબદારી ઉપાડે. બે બાળકો કરતાં વધારે બાળકો હોય તો ત્રીજા બાળકને સરકારી સ્કુલ, સરકારી દવાખાનાના લાભો નહિ, રેશનીંગ કાર્ડમાં પણ બે જ બાળકોના નામનો જ લાભ મળે, ત્રીજા બાળકને ભણવા માટે આકરી ફી ખર્ચવી પડે. ત્રીજા બાળકને સરકારી નોકરી ન મળી શકે. આવા નિયમો સરકાર દ્વારા કરાય તો લોકો આપોઆપ સંતતિનિયમન પાળતા થઈ જાય. સરકારે અત્યારે આવા કાર્યો કરવાની જરૂર છે. નહિ કે નામ બદલવાની કાર્યવાહી, નામ બદલવાથી કદી જૂનુ નામ જતુ રહેવાનુ નથી. જૂનુ નામ આ અને નવું નામ આ એ રીતે નામો લખાશે. નામ બદલવાની પ્રક્રિયાથી દેશમાં કોઈ ખુશ નથી તે ચોક્કસ વાત છે. જે જગ્યાના નામો બદલાય છે તે વિસ્તારના લોકો પણ ખુશ નહિ હોય તો શા માટે આવા નામો બદલવાની સરકાર હોડમાં પડી છે તે ન સમજાય તેવો પ્રશ્ન છે.