તંત્રી સ્થાનેથી…
ભ્રષ્ટાચારને નાથવામાં નહિ આવે તો દેશમાં
અનેક વાઈબ્રન્ટ સમીટો નિષ્ફળ જશે
ભાજપ સરકાર દ્વારા ૨૦૦૩ થી ૨૦૧૭ સુધીમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આઠ જેટલી વાઈબ્રન્ટ સમીટો કરવામાં આવી છે. વધુ એક ૨૦૧૯ માં વાઈબ્રન્ટ સમીટ થઈ રહી છે. તે સમીટો માટે ટીકાકારો દ્વારા ટીકા કરવામાં આવે છે કે સમીટોમાં થયેલી જાહેરાતો પ્રમાણે રોકાણ થતું નથી. સમીટોમાં ઉદ્યોગો કેટલું રોકાણ કરનાર છે. કેટલા લોકોને રોજગારી મળશે તેની જાહેરાત કરે છે. સમય જણાવતા નથી. ઉદ્યોગકારોએ કેટલું રોકાણ કર્યુ તે તેમની ખાનગી માહિતી છે. જ્યાં સુધી ઉદ્યોગકારો દ્વારા તે જણાવવામાં આવે નહિ ત્યાં સુધી કોઈને માહિતી મળે નહિ. ઉદ્યોગ ક્યારે કાર્યરત થશે તે ઉદ્યોગકારો જ જણાવી શકે. અગાઉના વર્ષોની વાઈબ્રન્ટ સમીટોમાં એક નાટક જ ભજવાયું છે. ઉદ્યોગકારો તેમનો પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરે પછી તેમને સસ્તી જમીનો ફાળવવામાં આવે તેવી કાર્યવાહી થતી હતી. જેનો લાભ અનેક ખોટા ઉદ્યોગકારોએ લીધો છે. શરૂઆતના વર્ષોમાં ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગ કમિશ્નરની ઓફીસના સહકારથી ખોટા પ્રોજેક્ટ રીપોર્ટ બનાવી ફક્ત જમીન લેવાના પ્રયત્નો હતા. તેમાં ઉદ્યોગકારો કેટલા સફળ રહ્યા તે માહિતી જાણવા મળેલી નથી. સરકારનું ઉદ્યોગ વિભાગ ઉપર વાઈબ્રન્ટ સમીટ સફળ થાય તે માટે દબાણ થતું હોય છે. ઉદ્યોગ કમિશ્નર ઓફીસ દ્વારા જે ઉદ્યોગો પોતાની રીતે પૂર્ણ થવા આવ્યા હોય તેવા ઉદ્યોગોને પણ એમ.ઓ.યુ. કરી લાભ આપી જાહેરાતો કરાવી વાઈબ્રન્ટ સમીટને સફળ બનાવવાના પ્રયત્નો કરાય છે. વાઈબ્રન્ટ સમીટમાં જેટલી જાહેરાતો થાય છે તેટલું પરિણામ મળતુ નથી. વાઈબ્રન્ટ સમીટ જેવી ભાજપ સરકારની અનેક સારી યોજનાઓ સફળ થતી નથી તેની પાછળ દેશમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર કારણભૂત છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર ઓછો નહિ થાય ત્યાં સુધી સરકારની એકપણ યોજના સફળ થવાની નથી. ગુજરાત સરકારની વાઈબ્રન્ટ સમીટ જેવી કેન્દ્ર સરકારની નોટબંધીની યોજના નિષ્ફળ જવા પાછળ ભ્રષ્ટાચાર જ કારણભૂત છે. સરકારે નોટબંધી એટલા માટે કરી હતી કે કાળુ નાણું બહાર આવે. નોટબંધીના નિયમો બનાવનાર નાણાં મંત્રાલયના અધિકારીઓએ મૂકેલી છટકબારીઓથી બેન્કના અધિકારીઓ માલામાલ થઈ ગયા. જો નાણાં મંત્રાલયના અધિકારીઓએ જૂની નોટો બેન્કો પાસેથી બદલી શકાય એવો નિયમ ન રાખ્યો હોય તો અને જૂની નોટો ફક્ત બેંકમાં ડીપોઝીટ કરાવી શકાય તેવો કાયદો રાખ્યો હોત તો દેશનું કાળુ નાણું ચોક્કસ બહાર આવવાનું હતું. પણ સરકારી તંત્રમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારે કેન્દ્રના કાળા નાણાંને નાથવાના અતિ મહત્વના પગલાંને નાકામિયાબ બનાવ્યુ. દેશમાં કાળુ નાણું છૂટથી ફરતું હતું જેનાથી વેપાર ઉદ્યોગમાં તેજી હતી. તે નાણું ભૂગર્ભમાં જતુ રહેતા દેશના વેપાર ઉદ્યોગોમાં રીયલ એસ્ટેટમાં મંદી આવી તે પાછળ ભ્રષ્ટાચાર જ જવાબદાર છે. ભારત દેશમાં મોંઘવારી ઘટાડવાની ચિંતા કરતી કેન્દ્રની સરકાર જો ભ્રષ્ટાચાર સામે પગલાં લઈ ભ્રષ્ટાચાર ઘટાડે તો દેશનું અર્થતંત્ર સુવ્યવસ્થિત ચાલતુ થઈ જાય. નહિ તો સરકાર આવી હજ્જાર સમીટો કરશે છતાં પણ તેનું પરિણામ મળશે નહિ. બીજી દૃષ્ટિએ જોઈએ તો ભારતની આઝાદીના ૬૦ વર્ષ સુધી સરકારે ઉદ્યોગોને આગળ ધપાવવા માટે આવા કોઈ સમારંભો યોજવાનો પ્રયત્ન કર્યો નથી. ગુજરાતની ભાજપ સરકાર પ્રયત્નો કરે છે તે જે પણ થોડુઘણું પરિણામ મળે છે તે પહેલાં કરતાં સારુ છે તેવો આત્મસંતોષ રાખવો હિતાવહ છે.